બોલીવૂડની અભિનેત્રી પૂજા બેદીની દીકરી અલાયા ઓટીટી પર રિલીઝ કરવામાં આવેલી ફિલ્મ ફ્રેડીમાં કાર્તિક આર્યનની સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગની જોરદાર પ્રશંસા કરવામાં આવી હતી, જયારે હવે તેની બોલીવૂડની જાણીતી ફિલ્મમાં કામ કરવાની તક મળી છે.
કહેવાય છે કે કોશિશ કરનારાની ક્યારેય હાર થતી નથી. એ કહેવત પણ આ અભિનેત્રીને લાગુ પડે છે. અલાયા લાંબા સમયગાળાથી સારી ફિલ્મમાં કામ કરવાની રાહ જોઈ રહી હતી ત્યારે તેને નવી ફિલ્મમાં કામ કરવાની તક મળી ગઈ છે. જોગી, ટાઈગર જિંદા હૈ, સુલ્તાન અને ગુંડે જેવી હિન્દી ફિલ્મો બનાવી ચૂકેલા અલી અબ્બાસ જફરની આગામી ફિલ્મમાં અલાયાને અલી અબ્બાસની ફિલ્મમાં લીડ કરવાનો ચાન્સ મળ્યો હોવાનું કહેવાય છે.
આ ફિલ્મ છે બડે મિયાં છોટે મિયાં. આ ફિલ્મમાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ અને જાન્હવી કપૂર જોવા મળશે. આ ઉપરાંત, આ ફિલ્મમાં મલયાલમ એક્ટર પૃથ્વીરાજ સુકુમારન પણ ફિલ્મમાં સ્પેશિયલ રોલમાં જોવા મલશે. આ એક્શન કોમેડી ફિલ્મ હશે, જે આ વર્ષના અંત સુધીમાં રિલીઝ કરવામાં આવશે. અત્યાર સુધીમાં અલાયા એફ બે ફિલ્મમાં અભિનય કરી ચૂકી છે, જેમાં બંને ફિલ્મમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. 2020માં જવાની જાનેમનમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાનની દીકરીનો અભિનય કર્યો હતો, જ્યારે તાજેતરમાં આઈ ફ્રેડીમાં કાર્તિક આર્યન સાથે જોવા મળી હતી. ફક્ત બે ફિલ્મ કરીને પોતે સારો અભિનય કરી શકે છે એવું પુરવાર કર્યું હતું. બડે મિયાં છોટે મિયા ફિલ્મનું શૂટિંગ ચાર દેશમાં થશે, જ્યારે પાંચ અલગ અલગ ભાષામાં રિલીઝ થશે. આ પાંચ ભાષામાં હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાનો સમાવેશ થાય છે. અગાઉ આ જ નામની ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ગોવિંદા, રવિના ટંડન હતા, જે ખૂબ લોકપ્રિય બની હતી.