ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને વિમેન્સ પ્રીમિયર લીગ(WPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આરસીબીએ બુધવારે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા આની પુષ્ટિ કરી. આ અંગે સાનિયાએ કહ્યું કે તે પોતે પણ આશ્ચર્યચમાં હતી કે તેને ક્રિકેટ ટીમની મેન્ટર બનવાની ઓફર મળી હતી.
આરસીબીએ ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, “મહિલાઓ માટેની ભારતીય રમતોમાં અગ્રણી, યુવા આઇકન જેઓ સમગ્ર કારકિર્દી દરમિયાન નિર્ભયતાથી રમ્યા છે અને અનેક અવરોધોનો સામનો કર્યો છે, જેઓ મેદાન પર અને મેદાનની બહાર ચેમ્પિયન છે. RCB મહિલા ક્રિકેટ ટીમના મેન્ટર તરીકે સાનિયા મિર્ઝાનું સ્વાગત કરવામાં અમને ગર્વ છે.”
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના મેન્ટર બન્યા બાદ સાનિયા મિર્ઝાએ એક ટીમ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “મને થોડી નવાઈ લાગી હતી, પણ હું ઉત્સાહિત હતી. સદનસીબે કે કમનસીબે, હું 20 વર્ષથી પ્રોફેશનલ એથ્લેટ છું. મારું આગામી કામ યુવાન મહિલાઓને વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કરવાનું છે રમતગમત તેમના માટે કારકિર્દીના પ્રથમ વિકલ્પોમાંથી એક બની શકે છે.”
13 ફેબ્રુઆરીએ વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સ્મૃતિ મંધાનાને 3.4 કરોડમાં ખરીદી હતી. આ સાથે મંધાના લીગની સૌથી મોંઘી ખેલાડી બની છે. મંધાના ઉપરાંત ટીમમાં સોફી ડિવાઈન, એલિસ પેરી, રેણુકા સિંહ અને રિચા ઘોષ પણ છે.