સુપ્રીમમાં પણ રાહત ન મળે તો આઠ વર્ષ સુધી ચૂંટણી ના લડી શકે…
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરનેમ મુદ્દે ટિપ્પણી કરવાના કિસ્સામાં રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા કરવામાં આવ્યા પછી તેમનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છ હતું, ત્યારે હવે આગામી લોકસભાની ચૂંટણી લડવા માટે કપરા ચઢાણ હોવાની વર્તુળોએ શક્યતા વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધી કેરળના વાયનાડના સાંસદ સભ્ય છે. સુરતની સેશન્સ કોર્ટે બે વર્ષ જેલની સજા ફરમાવ્યા પચી લોકસભાના સાંસદ તરીકેના પદ પર લટકતી તલવાર હતી, જેમાં જનપ્રતિનિધિ કાયદા પ્રમાણે જો કોઈ સાંસદ અથવા વિધાનસભ્યને બે વર્ષની જેલની સજા થાય તો તેનું સભ્યપદ (સાંસદ અને વિધાનસભ્ય) રદ કરવામાં આવે છે. એટલું જ નહીં, સજાની મુદત પૂરી થાય નહીં તેના છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે અયોગ્ય રહે છે.
રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે, પરંતુ રાહુલ પોતાનું સભ્યપદ બચાવવાના વિકલ્પો બંધ થયા નથી. તેને બચવવા માટે હાઈ કોર્ટમાં પડકારી શકે છે. સુરત સેશન્સ કોર્ટના ચુકાદા પર સ્ટે મૂકાવીને હાઈ કોર્ટમાં પણ સ્ટે ના મળે તો સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવી શકે છે. આમ છતાં જો સુપ્રીમ કોર્ટમાંથી પણ જો રાહત મળે નહીં તો આઠ વર્ષ સુધી કોઈ પણ ચૂંટણી લડી શકે નહીં. અહીં એ પણ જણાવી દઈએ કે 13મી એપ્રિલ, 2019ના રોજ ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નિરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની સરનેમ કોમન શા માટે છે? તમામ ચોરોની સરનેમ મોદી શા માટે હોય છે?