આપણે એવું તો જોયું છે કે પ્રીમેચ્યોર બાળકોને માતાના ગર્ભમાંથી કાઢીને ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવે છે અને ટ્યુબની મદદથી દૂધ પહોંચાડીને તેમને બચાવી લેવામાં આવે છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાળકો પેદા કરવાની ફેક્ટરી હોઈ શકે છે. ફેક્ટરી પણ એવી કે જે એક વર્ષમાં 30,000 બાળકો પેદા કરે છે. કદાચ નહીં…!, પરંતુ હવે તમે તેની કલ્પના કરી શકો છો અને તેને સાકાર થતા જોઈ શકો છો. બાયોટેકનોલોજીસ્ટ અને સાયન્સ કોમ્યુનિકેટર હાશેમ અલ-ગૈલી દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. તેણે યુટ્યુબ પર એક વીડિયો શેર કર્યો છે જે યુટ્યુબ પર ‘Ectolife: World’s First Artificial Insemination Facility’ નામથી ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હવે બાળકને જન્મ આપવા માટે માતાના ગર્ભની જરૂર નહીં પડે. આ કામ હવે ‘બેબી પોડ’ દ્વારા કરવામાં આવશે. નવ મહિના પછી સ્વીચ દબાવવાથી બાળકોનો જન્મ થશે. જે કંપની બેબી પોડ્સ ઇન્સ્ટોલ કરવાનું કામ કરશે, તેનું નામ એક્ટોલાઈફ છે.
‘બેબી પોડ’ એક પ્રકારનું મશીન છે, જે બાળકને માતાના ગર્ભ જેવો જ અનુભવ કરાવશે. તેથી તેને કૃત્રિમ ગર્ભાવસ્થા પણ કહેવામાં આવે છે. આ મશીન એ તમામ કામ કરશે જે ગર્ભાશય કરે છે. જે રીતે બાળકને ગર્ભાશયમાં પ્લેસેન્ટા દ્વારા પોષક તત્વો અને ઓક્સિજન મળે છે. એ જ રીતે, મશીનમાં કૃત્રિમ પ્લેસેન્ટા પણ હશે જે બાળકને ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડશે. તેનું ચોક્કસ તાપમાન હશે અને નજર રાખવા માટે મોનિટર હશે. આ મોનિટરમાં બાળકના હૃદયના ધબકારા, તેના વિકાસ વગેરે પર નજર રાખવામાં આવશે.
બાયોટેકનોલોજીસ્ટ અને સાયન્સ કોમ્યુનિકેટર હાશેમ અલ-ગૈલીએ જણાવ્યું હતું કે એક્ટોલાઈફ 75 લેબ બનાવશે અને દરેક લેબમાં 400 બેબી પોડ્સ હશે. જે સંપૂર્ણપણે યુટરસ (ગર્ભાશય)ની જેમ ડિઝાઇન કરવામાં આવશે. આનાથી બાળકને તે જ અનુભૂતિ થશે જે બાળકને માતાના ગર્ભમાં હોય છે. વાલીઓ એક એપ દ્વારા ઘરે બેઠા બાળકોના વિકાસ પર નજર રાખી શકશે. જો બાળકોના વિકાસમાં કોઈ સમસ્યા હોય તો એપ સમયસર માહિતી આપશે. નવ મહિના પૂરા થતાંની સાથે જ સ્વીચ દબાવતાં જ બાળકની ડિલીવરી થઈ જશે.
એક્ટોલાઇફ કંપની દ્વારા શરૂ કરવામાં આવનાર કૃત્રિમ ગર્ભાધાનની સુવિધામાં માતા-પિતા માટે અલગ-અલગ પેકેજ હશે. એક અહેવાલ અનુસાર, તેમાં એક ચુનંદા પેકેજ પણ હશે, જેથી માતા-પિતા નક્કી કરી શકે કે તેઓ જે બાળક ઇચ્છે છે તે બાળકનો ચહેરો, રંગ, લંબાઈ કેવો છે. આ પેકેજ હેઠળ તેમને 300થી વધુ જનીનોમાંથી એક પસંદ કરવાની સુવિધા મળશે. તેઓ આમાંથી નવ જનીનોને સંપાદિત કરીને ઇચ્છિત બાળક મેળવી શકશે.
હાશેમ અલ-ગૈલીના જણાવ્યા મુજબ, એક્ટોલાઇફ ગર્ભધારણ નહીં કરી શકતી મહિલાઓને માતા બનવાની મંજૂરી આપશે. જાપાન, બલ્ગેરિયા અને દક્ષિણ કોરિયા જેવા વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડા સાથે સંઘર્ષ કરી રહેલા દેશો માટે પણ આ સુવિધા ખૂબ જ ઉપયોગી થશે. ગૈલીનો દાવો છે કે આ ટેક્નિક એવી મહિલાઓ માટે પણ મદદરૂપ થશે જેમણે કોઈ બીમારીને કારણે ગર્ભાશય કાઢી નાખ્યું હોય.