નવી દિલ્હીઃ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાએ 14 ફેબ્રુઆરીને ‘કાઉ હગ ડે’ તરીકે ઉજવવાની તેની અપીલ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ હવે આ નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આ નિર્ણય આવ્યા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર જોરદાર મીમ્સ બનાવ્યા હતા. વધી રહેલા હંગામા વચ્ચે મંત્રાલયે દરમિયાનગીરી કરીને આ આદેશ પાછો ખેંચી લીધો છે.
કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તેની તરફેણમાં આ દલીલ કરી હતી અને એવું કહ્યું હતું કે શ્વાન અને બિલાડીઓને ગળે લગાવવાથી તાણમાંથી રાહત મળે છે એ જ રીતે ગાયને પણ ગળે લગાડવાથી સ્ટ્રેસમાંથી રાહત મળે છે. જોકે, જેમ સિક્કાની બે બાજુ હોય છે એ જ રીતે કેટલાક લોકોએ એવું પણ કહ્યું હતું કે લોકોને હેરાન-પરેશાન કરવા માટે જ આ ગતકડું કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર આ નિર્ણય બાદ વાઈરલ થયેલાં મીમ્સ અને જોક્સને કારણે આખરે એ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે.
14મી ફેબ્રુઆરીના પ્રેમીપંખીડાઓ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરે છે અને પ્રેમી યુગલો આ દિવસે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરે છે. પશ્ચિમી સંસ્કૃતિની આ છાપ ભારત પર પણ જોવા મળી રહી છે. હવે તે આખા સાત દિવસ અલગ અલગ નામોથી ઉજવવામાં આવે છે. દરમિયાન, ગાય માતાને આદર આપવા માટે, આ દિવસને ‘કાઉ હગ ડે’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ‘કાઉ હગ ડે’ એટલે કે ગાયને ગળે લગાવવાનો દિવસ.
પશુપાલન અને ડેરી વિભાગ, મત્સ્યોદ્યોગ વિભાગની સૂચનાઓ પર સક્ષમ અધિકારીની મંજુરીથી જાહેર કરવામાં આવે છે. આ અંગે એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાને અપીલ કરવામાં આવી છે. તે કહે છે કે આપણે બધા જાણીએ છીએ કે ગાય ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ છે. ગાય આપણા જીવનને ટકાવી રાખે છે. પ્રાણી સંપત્તિ અને જૈવવિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. માનવતાને સર્વસ્વ પ્રદાન કરનાર માતા જેવા પોષક સ્વભાવને કારણે તે ‘કામધેનુ’ અને ‘ગૌમાતા’ તરીકે ઓળખાય છે.