(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: પંજાબની લોરેન્સ બિશ્નોઈ ગેંગના દેશવ્યાપી નેટવર્કને નેસ્તનાબૂદ કરવા આદરાયેલા ખાસ ઓપરેશન અંતર્ગત નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એનઆઇએ એ દેશના ગુજરાત સહિતના વિવિધ આઠ રાજ્યોમાં ૭૦ જેટલા સ્થળે હાથ ધરેલા ચોથા રાઉન્ડ અંતર્ગત ગાંધીધામના કીડાણામાંથી રાષ્ટ્રીય તપાસ એજન્સીની એક ટુકડીએ દરોડો પાડી બિશ્નોઇ ગેંગના સાગરીત અને આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ સાથે સંડોવણી હોવાની શંકાએ કુલવિંદર સિદ્ધુ નામના શખ્સને ઉઠાવી તેની ચાર કલાક સુધી ગાંધીધામની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ઓફિસમાં પૂછપરછ હાથ ધરાઈ હતી જો કે આ શખસ પાસેથી કાંઈ શંકાસ્પદ બાબત ના મળતાં હાલ તેને મુક્ત કરી દેવાયો છે. એનઆઈએ કશી સત્તાવાર વિગતો હજુ સુધી આપી નથી જો કે પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગરિયાએ એનઆઈએ તપાસ હાથ ધરાઈ હોવાનું સમર્થન આપ્યું હતું.
મે ૨૦૨૨માં લોરેન્સ બીશ્નોઈ ગેંગે પંજાબના વિવાદાસ્પદ ગાયક સિધુ મુશેવાલાની પંજાબના માનસામાં ગોળીઓ ધરબી હત્યા કર્યા બાદ તેની તપાસનો રેલો કચ્છ સુધી લંબાયો હતો. મુશેવાલા મર્ડર કેસમાં સામેલ હોવાની શંકાના આધારે ૧૨-૦૬-૨૦૨૨ના રોજ પંજાબ પોલીસે માંડવીમાંથી મહારાષ્ટ્રના સતારાના નવનાથ સૂર્યવંશી અને અબડાસાના કોઠારા નજીક નાગોર ગામેથી પૂણેના સંતોષ જાધવની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૯-૦૬-૨૦૨૨ના રોજ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મુંદરાના બારોઈમાંથી કશિશ ઊર્ફે કુલદિપ, અશોક ઊર્ફે ઈલિયાસ ઊર્ફે ફૌઝી અને કેશવકુમાર નામના અન્ય ત્રણ શાર્પશૂટર- મદદગારોની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસની ગહન તપાસમાં બહાર આવ્યું હતું કે લોરેન્સના આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકર અમનદિપ મુલતાની સાથે ઘનિષ્ઠ સંબંધો છે. અમનદિપની મેક્સિન ડ્રગ્સ માફિયા સાથે સાંઠગાંઠ છે. એપ્રિલ ૨૦૨૦માં અમનદિપની અમેરિકન એન્ટી ડ્રગ એજન્સીએ ધરપકડ કરી હતી. તો, ઈટાલિયન માફિયા સાથે સાંઠગાંઠ ધરાવતાં બ્રિટનના મોન્ટી જોડે પણ લોરેન્સના સંબંધો હોવાનું ખુલ્યું હતું.