અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરની મુલાકાત લેવાની ઈચ્છા સૌને છે અને સૌ આતુરતાપૂર્વક રાહ પણ જોઈ રહ્યા છે કે ક્યારે મંદિર ખૂલે ને ક્યારે દર્શન થાય. તો તમને જાણીને આનંદ થશે કે રામમંદિરનું 60 ટકાથી વધારે કામ પૂરું થવામાં છે અને મંદિરના ગભર્ગૃહમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની સંભિત તારીખ હાલમાં જાહેર કરાવમાં આવી છે.
અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. તેની જાણકારી ઉત્તર પ્રદેશના નાણા પ્રધાન સુરેશ ખન્નાએ આપી છે. ખન્નાએ ટ્વિટ કરીને કહ્યું કે, 22 જાન્યુઆરીના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા. જય શ્રી રામ. જાણકારી અનુસાર, રામ મંદિર નિર્માણનું કામ લગભગ 60 ટકા પૂર્ણ થઈ ચુક્યું છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, રામ મંદિરમાં નવી અને જૂની બંને રામ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે. રામમંદિરના ગર્ભગૃહને એ પ્રકારે બનાવવામાં આવ્યું છે કે, રામની મૂર્તિ પર રામનવમીના દિવસે સૂર્યના કિરણો સીધા પડશે. મંદિરમાં ભગવાન રામની મૂર્તિની ઊંચાઈ 5થી 5.5 ફુટ સુધી રહેશે. મૂર્તિ બનાવવા માટે જે પથ્થરનો ઉપયોગ થઈ રહ્યો છે, તે નેપાળમાંથી મગાવવામાં આવ્યા છે. કહેવાય છે કે, આ પથ્થર હજારો વર્ષ જૂનો છે.
'Pran pratishtha' at Ram temple in Ayodhya on 22nd January, tweets Uttar Pradesh Minister Suresh Kumar Khanna. pic.twitter.com/Z3LDj2Bb9g
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 28, 2023
હાલના દિવસોમાં રામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણકામ ઝડપથી ચાલી રહ્યું છે. જે બાદ હવે ગર્ભગૃહનો આકાર પણ દેખાવવા લાગ્યો છે. ગર્ભગૃહ માટે બનાવવામાં આવેલા પિલરોનું કામ પુરુ થઈ ગયું છે અને હવે છત બનાવવાનું કામ શરુ થઈ ગયું છે. શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ મુજબ ગર્ભગૃહને પુરુ કરવા માટે સપ્ટેમ્બરના મહિના સુધીનો સમય નક્કી કર્યો છે. જ્યારે ઓક્ટોબર મહિના સુધીમાં મંદિરનું પ્રથમ તળ બનીને તૈયાર થઈ જશે. પ્રથમ તળમાં રામ દરબાર હશે, જ્યારે બીજું તળ ખાલી રહેશે. તેને મંદિરની ઊંચાઈ વધારવા માટે તૈયાર કરવામાં આવશે.
વળી, મે-2024માં દેશની લોકસભાની ચૂંટણી હશે. સત્તાધારી ભાજપ પક્ષે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ રામમંદિર નિર્માણનું વચન આપ્યું હતું, આથી આવનારી લોકસભાની ચૂંટણી પહેલા મંદિર દર્શનાર્થે ખૂલ્લુ મૂકવામાં આવે તેવી કોશિશ ભાજપની રહેશે. ઉત્તર પ્રદેશમાં પણ ભાજપ સરકાર છે અને તેમની માટે પણ રામ મંદિરનું કાર્ય પૂરું કરવું આવશ્યક છે.