Homeધર્મતેજભયથી ફક્ત મનુષ્યો જ નહીં, દેવતાઓ અને ગંધર્વો પણ આતંકિત છે, કેમ...

ભયથી ફક્ત મનુષ્યો જ નહીં, દેવતાઓ અને ગંધર્વો પણ આતંકિત છે, કેમ કે ઇચ્છાઓથી મુક્ત કોઈ પણ નથી

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
ભગવાન ગણેશનો આ જ્ઞાનરૂપી સંદેશ સાંભળી ઉપસ્થિત દરેક જણ ભગવાન ગણેશનો જયજયકાર કરે છે.
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘સમસ્ત દેવગણો અને સમસ્ત અસુર ગણ અહીં હાજર છે મેં તમને પહેલાં જ કહેલું કે યજ્ઞમાં પ્રથમ આહુતિ કોને આપવી જોઈએ એ મહાદેવના તપ દ્વારા જ ખબર પડશે. હવે તમે સૌ સમજી ગયા હશો કે રાજા બલિ દ્વારા આયોજિત યજ્ઞમાં પ્રથમ આહુતિ કોને આપવી.’
ભગવાન પરશુરામ: ‘નિ:સંદેહ ભગવાન ગણેશને જ, જેઓ બુદ્ધિ અને યુક્તિનો મહાસાગર છે.’
ભગવાન શિવ: ‘શું આ પ્રસ્તાવ બધાને સ્વીકાર્ય છે?’
દેવરાજ ઈન્દ્ર: ‘હા, હા, મહાદેવ અમને બધાને આ પ્રસ્તાવ સ્વીકાર્ય છે, રાજા બલિ દ્વારા આયોજિત યજ્ઞમાં પ્રથમ આહુતિ ગણેશને જ મળશે.’
ભગવાન પરશુરામ: ‘મહાદેવ-માતા તમારી પરવાનગી હોય તો ફરી ગણેશની માફી માગવા માગું છું, થયેલી ક્ષતિપૂર્તિ તો હું નહીં કરી શકું પણ આ તૂટેલો દંત ગણેશને આપવા માગું છું, આ દંત ભવિષ્યમાં એક મહાન ગ્રંથની રચના કરશે. આ ગ્રંથથી સંસારને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થશે અને એ ગ્રંથ સંસારને અનંતકાળ સુધી માર્ગદર્શન આપતો રહેશે, આ ગ્રંથને સૂરબદ્ધ અને તાલબદ્ધ કરવું બહુ જ સરળ હશે.’
ભગવાન ગણેશ: ‘મને આપનો આશીર્વાદ સ્વીકાર છે.’
રાજા બલિના યજ્ઞમાં મળનારી પ્રથમ આહુતિના માંધાતા ભગવાન ગણેશને ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા લક્ષ્મી, બ્રહ્માજી, માતા સરસ્વતી, દેવરાજ ઈન્દ્ર સહિત ઉપસ્થિત દેવગણ તિલક કરી સ્વીકૃતિ આપે છે.
કૈલાસ ખાતે આનંદઉત્સાહ વચ્ચે શિવગણો ભગવાન ગણેશનો જયજયકાર કરે છે.
ૄૄૄ
મહર્ષિ દધીચિ: ‘મહાદેવ શું સંસારમાં ફક્ત સુખ ન રહી શકે, દુ:ખને દૂર ન કરી શકાય?’
ભગવાન શિવ: ‘પ્રત્યેક આત્માનું લક્ષ્ય સુખની પ્રાપ્તિ જ હોય છે, સુખ આપતી દરેક વસ્તુઓને મેળવવાના ઉદ્દેશ્યને જ જીવનમાં પ્રાધાન્યતા આપીએ છીએ, આ સમસ્ત સંસાર માયા છે, બધું જ નશ્ર્વર છે. જે વસ્તુઓને સુખનો સ્રોત સમજીને એકત્ર કરીએ છીએ એ સદૈવ આપણી સાથે રહેશે નહીં. જે વ્યક્તિ સત્યને જાણીને પણ લોભનો ત્યાગ કરતા નથી એ હંમેશાં એને ખોઈ બેસવાના ભયમાં જીવે છે, અને જે વ્યક્તિ સત્યને જાણતા જ નથી તેઓ અહંકારમાં જીવે છે અને જયાં અહંકાર અને ભય ઉપસ્થિત હોય ત્યાં સુખ કેવી રીતે વિદ્યમાન હોઈ શકે? કોઈને દુ:ખ છે કે તેની પાસે કંઈ જ નથી અને કોઈકને દુ:ખ છે કે તેમણે પામવાનું કંઈ શેષ નથી. સુખને આપણે પોતાની દૃષ્ટિથી પરિભાષિત કરીએ છીએ, પણ વાસ્તવિકતા એનાથી ભિન્ન છે એટલે આવશ્યકતા છે અનાશક્ત રહેવાની.’
ઋષિ ભૃગુ: ‘પરંતુ પ્રભુ આશક્તિ સ્વાભાવિક નથી?’
ભગવાન શિવ: ‘પરંતુ દુ:ખનું મૂળ કારણ પણ આશક્તિ જ છે. આશક્તિ અમારા મનની શાંતિને છીનવી લે છે, એને ભંગ કરી દે છે, આશક્તિ અમારી બુદ્ધિને સ્થિર નથી રહેવા દેતી, એને ચંચળ બનાવી દે છે, ચંચળ મન સત્કર્મ કરી શકતો નથી. આશક્તિથી મનુષ્યમાં પ્રમાદની ઉત્પત્તિ થાય છે, પ્રમાદ અહંકારનો સ્રોત છે, અને અહંકાર પૂર્ણત: અશુભતામાં પરિવર્તિત થઈ જાય છે, એટલે મનુષ્યએ સમજવું જોઈએ કે આશક્તિ અશુભતાની જનની છે.’
ઋષિ ભૃગુ: ‘તો પ્રભુ આશક્તિને અનાશક્તિમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય?’
ભગવાન શિવ: ‘આશક્તિથી મુક્ત થવું એટલે જ અનાશક્તિ. આશક્તિ હીન થવા માટે આપણા અને પરાયાનું અંતર મિટાવવું પડશે, અને એ ત્યારે સંભવ થશે જ્યારે સુખની શોધ આપણે બહાર નહીં પણ પોતાના અંતરઆત્મામાં જ કરીએ. જ્યારે આપણે યથાર્થને જાણી તેનો સ્વીકાર કરી સુખનો માર્ગ શોધવા પોતાની અંદર જ ડોકિયું કરીશું તો મુક્તિનો માર્ગ અવશ્ય મળી શકે.’
મહર્ષિ દધીચિ: ‘મહાદેવ તમે દુ:ખનું કારણ તો સમજાવ્યું, પણ અમે ભયનું કારણ જાણવા પણ ઉત્સુક છીએ.’
ભગવાન શિવ: ‘ભયનો સ્રોત છે ઇચ્છા, કંઈ મેળવવાની ઇચ્છા હશે તો તેને ખોવાનો ભય પણ રહેશે જ. જો જીવિત રહેવાની ઇચ્છા હોય તો મૃત્યુનો ભય અવશ્ય આવશે, આ ભયથી ફક્ત મનુષ્યો જ નહીં દેવતાઓ અને ગંધર્વો પણ આતંકિત છે, કેમ કે ઇચ્છાઓથી મુક્ત કોઈપણ નથી. ઈર્ષા, દ્વેષ,ષડયંત્ર અને પરનિંદા ભયથી જ ઉત્પન્ન થયેલા છે, દરેક પાપનું પ્રાયશ્ર્ચિત્ત ફક્ત દુ:ખ અને કષ્ટ ઉઠાવવાથી જ થાય છે, એટલે ભય પણ અંતમાં દુ:ખનું કારણ બને છે.’ (ક્રમશ:)

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -