જૈન સાધુની હિમાલય યાત્રા- આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.
ગંગણાણી
વૈ. વદ ૧૦, ગુરુવાર, તા. ૧૦.૦૫.૨૦૧૮
ઊંચા પર્વતથી મંગલ ઉતરાણ લગભગ ૧૦ વાગે થયું. અને યમનોત્રી રોડ પર આવી ગયા. હજુ યમનોત્રી ૪૦ કિ.મી. આગળ છે. અમારી ધારણાથી કંઈક જુદું જ થયું. શરીર તો થાકી ગયું હતું. મન પણ થાકી ગયું હતું. આજે અહીં જ ક્યાંક આસપાસ રોકાઈ જવાનું વિચાર્યું. અને થયું પણ એમ જ, એક કિ.મી. આગળ ચાલ્યા ત્યાં એક નાનકડા ઝરણાના કિનારે બંધ હોટલની બહાર પતરાના સેડ નીચે સારું સ્થાન મળી ગયું. હોટલનો માલિક બાજુમાં જ રહેતો હતો. અનુમતી લઈને સાંજ સુધી રહ્યા.
હિમાલયના ચાર ધામની સ્પર્શનાની યોજનામાં અમારી પાસે દિવસો ખૂબ થોડા હતા. એટલે જ તો યમનોત્રી જવાનું માંડી વાળેલું, પણ આ હિમાલયનો શું વિચાર હશે. અમે વિલંબ કરીએ તો આગળના ત્રણ ધામમાંથી એક સ્થાને જઈ શકાશે નહીં એ નિશ્ર્ચિંત છે. જોકે આ બધું અમારા હાથમાં ક્યાં હતું. એક એક દિવસની યોજના અહીં હિમાલય જ બનાવે. યાત્રિકોને આગળ વધવા દેવા કે નહીં એનો નિર્ણય પણ હિમાલય લે. યાત્રિક મનમાની કરવા જાય તો ક્યાંક બરફનો વરસાદ થાય અથવા ભૂસ્ખલન થાય. યાત્રિકે હાર માનવી જ પડે. અમે પણ અમારી યાત્રા હિમાલયના નિર્દેશ મુજબ આગળ વધારી રહ્યા છીએ.
હવે વિચાર્યું ૪૦ કિ.મી. યમનોત્રી છે, તો ૨ દિવસમાં પહોંચવું જ. વળી ત્યાં જઈને ૬ કિ.મી. ઉપર પહાડ ચઢવાનો છે તે તો બોનસમાં એનું ત્યાં જઈને વિચારીશું.
અમે જ્યાં આજે રહ્યા છીએ, ત્યાં પાછળ જ યમુનાના શ્યામસલિલ વહ્યે જાય છે. સૂર્યપુત્રી અને યમરાજાની બહેન કાલિન્દી યમુના પોતાના યમ અને શનિ બંને ભાઈઓ જેવી જ કાળી છે.
ગંગા જેવું આકર્ષણ નથી. પણ, યમુનાનું આકર્ષણ જુદી વાતનું છે. જમનાના શ્યામલનીર ધરતી ઉપર અષાઢી મેઘની આભાને ધારણ કરતા હતા. આંખને ગમે… મનમાં રમે એવા હતા. સાધક જીવને અનંતસમાધિમાં લઈ જવા માટે યમુના કાંઠો વધુ ઉચિત છે. અહીં યાત્રિકોની અવર જવર ખૂબ ઓછી છે.
ત્રીજા ધોરણમાં ભણતો ત્યારે ‘ગુજરાતી’માં પાઠ આવતો ‘કદંબ’, એમાં એક વાત આવેલી કૃષ્ણને કંદબવૃક્ષ ખૂબ વ્હાલું હતું અને બીજી આ કાલિંદી. એટલે જ કહેવાય છે કે ‘કાનો રમે કાલિન્દીનીના કાંઠડે’. યમુનાનો પ્રાચીન ઈતિહાસ અતિ સમૃદ્ધ છે. ભલે શ્રી કૃષ્ણનું બચપણ હોય કે કાલિયાનાગનો વાસ હોય.
કોસંબી નગરીની કોઈ પણ વાતમાં આ કાળુલિ કાલીન્દીની વાત તો હોય જ. ખરેખર મને યમુના બહુ ગમે.
વર્ષો પૂર્વે સૌ પહેલા કાલપી (ઉ. પ્ર.)માં ‘આ’ને જોઈ હતી. એ પછી કોસંબીમાં અને પછી ઈલાહાબાદમાં ગંગાને મળતી હતી ત્યારે એ પછી હમણા હમણા જ ૧૫ દિવસ પહેલાં દિલ્હીથી નીકળ્યા ત્યારે.
યમુના ભલે કાળી છે પણ સુંદર છે. એને જોઈને જ જુગજૂના ઈતિહાસના સંભારણા થઈ આવે. અહીંથી યમુનાનું ઉદ્ગમસ્થાન માત્ર ૪૦-૫૦ કિમી. દૂર છે તો પણ જલસમૃદ્ધિ સારી છે. દૂર સુધી જલઘોષ સંભળાય છે.
સાંજે પણ અમારે જમનાના કિનારે કિનારે જ ચાલવાનું હતું. જેમ જેમ ઉપર ચઢતા જતા હતા, તેમ તેમ યમુના ઊંડી જતી હતી. ગિરિકંદપરાઓમાં યમુનાનો ઘોષ બમણા પ્રઘોષ સાથે ગુંજાયમાન થતો હતો.
વાતાવરણ આનંદદાયી હતું. ચાલવામાં ગરમીનો ત્રાસ ન હતો, પણ પગ ભારે થઈ ગયા હતા તેથી
માંડ માંડ ચલાતું હતું. એક તો નાનો રોડ અને ઉપર સતત ચઢાણ, વળી પગ ભારે, છતાં હિમ્મત બમણી હતી. એમાય સતત સામે દેખાતા બરફના પહાડોનું આકર્ષણ જાણે અમારામાં શક્તિનો સંચાર
કરી રહ્યું હતું. ચીડના ઝાડ ઓછા થતા જતા હતા. હવે ચીડના જ માસીયાઈ ભાઈ દેવદાર વૃક્ષ આવવા લાગ્યા અને સાથે સાથે અસલ ગુલાબના ગોટા જેવા ફૂલના મોટા મોટા ઝાડ જોવા મળ્યા. એ ફૂલની સુગંધ ગુલાબ જેવી, રંગ, રૂપ, આકાર બધુ ગુલાબ ગુલાબ અરે એનો સ્વાદ પણ ગુલાબજળ જેવો. પણ એક જ ફરક ગુલાબ નાના નાના છોડવા ઉપર ઊગે અને આ મોટા ઝાડ પર. અહીં આ ફૂલ ‘બુરાંશ’ તરીકે ઓળખાય છે. આ ફૂલનો રસ કાઢી અહીંની લોકો શરબત બનાવી વેંચે. રસ્તામાં ઘણા સ્ટૉલ લાગેલા જોવા મળ્યા આજે તો.
આજનો રાત્રિ વિશ્રામ ખારાદીગામમાં એક બ્રાહ્મણના ઘરમાં થયો હતો. યમુના પાછળ જ ઘુઘવતી હતી, આજે માત્ર ૬ કિ.મી. ચાલીને આવ્યા છીએ.
હિમાલયમાં આવ્યા પછી એવું લાગે અહીં હંમેશા માટે રહી જઈએ. જ્યાં જુઓ ત્યાં સુંદર સૌંદર્યનો શણગાર પાથરેલી પારાવર સૃષ્ટિનું સામ્રાજ્ય છે. હિમાલય દિવસે જેટલો આહ્લાદક લાગે છે. તેથી વધુ સુંદર રાત્રે લાગે છે. આમ પણ ખાસ કહેવાય કે તીર્થ સ્થાનોમાં રાત્રે સૂવું નહીં. તેમાંય હિમાલયમાં તો ખાસ એ વાતની સાવધાની રાખવી. હિમાલયમાં રાત્રે સૂવું નહીં કારણ કે હિમાલયની અગોચર દુનિયા રાતના જાગૃત થાય છે. એ દિવ્ય સિૃષ્ટને માણવાનો અપૂર્વ અવસર ખોવો જોઈએ નહીં. માનવ સંચાર સમાપ્ત થઈ જાય, પછી દિવ્ય ચેતનાઓ જાગૃત થઈ અપૂર્વ દૃશ્યો ખડા કરે છે. અમે તો ચાલીને હિમાલયની યાત્રા કરી રહ્યા છે. આવા અજબ ગજબનાં દૃશ્યો ઘણી વાર જોવા મળ્યાં.
ઓચરી
વૈ. વદ ૧૧, શુક્રવાર, તા. ૧૧.૦૫.૨૦૧૮
આજે તો વિહારમાં ભારે મજા પડી, ૧૬ કિ.મી. ઉપર ચઢવાનું હતું. ચઢ્યા પછી રોડનાં વળાંકો આવે તો ભલે આવે. રોડ જેટલા વધુ વળાંક લે તેટલા શોર્ટકટ વધુ મળે. પહાડ પર રોડ અજગર આકારે આગળ વધે. અડધો એક કિ.મી. રોડ ફરીને આવે ત્યાં તો અમે ટુંકી કેડીથી ઉપરના રોડે પહોંચી જઈએ, મજા આવે.
ગઈ કાલે વરસાદ પડ્યો ન હતો. આજે તો એક પણ વાદળાનું નામ નિશાન ન હતું એટલે સૂરજનારાયણને મજા આવી ગઈ. ઘણા દિવસની ગરમી ધરતી ઉપર ઉતારતા હતા. સવારે ૯ વાગ્યા સુધીમાં તો તડકો તમ તમ થવા લાગ્યો. અમે તો સાંભળ્યું હતું હિમાલયમાં ઠરીને ઠીકરું થઈ જવાય એટલી ઠંડી હશે પણ અહીં તો પાપડ શેકાય તેવી ગરમી છે. ઝાડનાં છાયામાં બેસતા બેસતા આગળ વધ્યા, ચઢાણ આકરું હતું. યમુના સાથે હતી પણ ઘણી ઊંડી જતી રહી હતી.
અમે બેઠા હતા ત્યાં રસ્તામાં જ એક ગ્રામીણ બકરા ચરાવનારનો ભેટો થઈ ગયો. ૨-૪ વનસ્પતિઓની જાણકારી લીધી. ખાસ કરીને વિચ્છુઘાસનું શાક બનાવવાની ટેકનીક તેણે બતાવી. વિચ્છુઘાસનાં કાંટાવાળા પાન લઈને પાણીમાં ત્રણ વાર ધોઈ નાખવા પછી તેને લસોટીને લોટમાં મેથીની ભાજીની જેમ શાક બને. કેવું ગજબ કહેવાય? આ ઘાસને ભૂલથી અડી જઈએ તો ૨૪ કલાક સુધી ચામડી ચચર્યા કરે અને અહીંના લોકો તેનું શાક બનાવી આરામથી ઓહીયા કરી જાય.
વળી એક ઝીણા ઝીણા લાલ, પીળા, કેશરી ફૂલવાળી ઘાસ જેવી જ કંઈક વનસ્પતિ હતી. અહીં તેનાં ફૂલોની ખટ્ટી મીઠી ચટની બનાવવાનો રિવાજ છે. ગાય, ભેંસને ખાવા માટે જંગલી ઝાડનો ઉપયોગ થાય છે. અહીં દુધાળ પશુઓ માટે ઘાસ ઊગતું જ નથી, ગમે તે ખવડાવીને કામ ચાલે છે. ગાયો તો સાવ નાની નાની હોય. ભેંસ તો ઠીક ઠીક હોય. પણ બકરા…? બકરાની તો શું વાત કરવી, તે તો લાંબા લાંબા લીસા વાળવાળા હોય અને મોટા મોટા શીંગડા. બકરાની જુદી જ જાત હતી. એ તો કંઈ ને કંઈ ચર્યા કરે, એમને બધું ચાલે.
૧૬ કિ.મી. ચાલવામાં વચ્ચે ૮-૧૦ ઠેકાણે પાણીના મોટા મોટા વહેણ આવીને યમુનામાં મળી ગયા. એક વહેણ તો સીધું બરફના પહાડ ઉપરથી જ આવતું હતું. અમે બાજુમાં ઊભા રહ્યા તો ઠંડીથી ઠરી ગયા, દાંત તો શું ખખડે. આખું હાડ ખખડવા માંડ્યું, જલ્દી ત્યાંથી આગળ વધી તડકામાં ઊભા રહ્યા ત્યાં માંડ થોડી ગરમી આવી. હવા આટલી ઠંડી છે તો પાણી કેટલું ઠંડું હશે. ખૂબ અજબ ગજબની સૃષ્ટિ છે ખરેખર.
ઘડિયાળમાં કાંટો ૧૦ પર પહોંચ્યો હતો, હજુ સુધી ક્યાં રોકાવાનું છે કંઈ ખબર નથી. ગવેષણા ચાલુ છે. ગામ છે પણ અડધો કિ.મી. ડુંગરથી નીચે ઊતરવું પડે તેમ છે. રોડ ઉપર જ કંઈક સ્થાન હોય તો નીચે ઊપર ઉતર ચઢ કરવી નહીં. સ્થાનની ગવેષણા થાય ત્યાં સુધી અમે બસ સ્ટેશનમાં બેસીને જ પ્રભુદર્શન આદિ આવશ્યક ક્રિયાઓ આટોપી લીધી. ત્યાં જ એક કિ.મી. દૂર એક