ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને હવે એક નવો ફતવો બહાર પાડ્યો છે. તેણે દેશના બધાના માતા-પિતાઓને તેમના બાળકોના બૉમ્બ, ગન, સેટેલાઇટ જેવા દેશભક્તિના નામ રાખવા આદેશ આપ્યો છે અને જણાવ્યું છે કે જેના નામ નરમ અને નાજુક જેવા જણાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
અગાઉ કિમ જોંગ ઉનની સરકાર એના નાગરિકોને રી (પ્રિય), સુ મી (સૌથી સુંદર) જેવા દક્ષિણ કોરિયામાં વપરાતા લાગણીશીલ અને ભાવનાની અભિવ્યક્તિ ધરાવતા નામો રાખવાની છૂટ આપતી હતી, પરંતુ હવે ત્યાંની કમ્યુનિસ્ટ સરકારે લોકોને આદેશ આપ્યો છે કે આવા લાગણીશીલ નામ ધરાવતા લોકોના નામ બદલી નાખવામાં આવે અને તેમના નામ દેશભક્તિના કે પછી મજબૂત મનોબળ દર્શાવતા હોય એવા રાખવામાં આવે.
કિમ જોંગ ઉને લોકોને એવા નામ રાખવાનો આદેશ આપ્યો છે, જેના અંતમાં વ્યંજન આવતા હોય. જેઓ આ આદેશનું પાલન ના કરે એને દંડ ફટકારવાની ધમકી પણ આપવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે નિયમનું પાલન કરવામાં નિષ્ફળતા “સમાજવાદી વિરોધી” માનસિક્તા માનવામાં આવશે. લોકોને પોતાના નામમાં દેશભક્તિ અને રાજકીય અર્થ ઉમેરવા માટે વર્ષના અંત સુધીનો સમય આપવામાં આવ્યો છે.
ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે એવા સમયે આવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. ગયા વર્ષે, ઉત્તર કોરિયાએ ભૂતપૂર્વ નેતા કિમ જોંગ-ઇલની દસમી પુણ્યતિથિ પર 11-દિવસના શોકના સમયગાળાના ભાગ રૂપે તેના નાગરિકોને હસવા, ખરીદી કરવા અથવા પીવા પર પ્રતિબંધ મૂક્યો હતો.