આવતીકાલે ફર્સ્ટ એપ્રિલ, કોઈની કોમેડી કરવાનો દિવસ છે એ નિમિત્તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રથમ સ્ટાર કોમેડિયનને યાદ કરીએ
હેન્રી શાસ્ત્રી
હસવું સહેલું છે જ્યારે સરખામણીમાં હસાવવું અઘરું છે. ફર્સ્ટ એપ્રિલના દિવસે મસ્તી મજાક કરવાનો – કોઈની ટાંગ ખેંચવાનો ‘રિવાજ’ છે. વિદ્વાનોએ વિનોદની – હાસ્યની વિવિધ વ્યાખ્યા બાંધી છે જે વાંચી કોઈને હસવું આવી શકે છે તો કોઈ ગંભીર બની જાય એવુંય બને. આપણે હાસ્યના ચર્ચિલ (ચર્ચા કરનારા) નથી બનવું પણ ચાર્લીને યાદ કરવા છે. ના, લોકોમાં હાસ્યની છોળો ઉડાવનાર ચાર્લી ચેપ્લિન નહીં પણ એની ભારતીય આવૃત્તિ ગણાતા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રથમ સ્ટાર કોમેડિયન તરીકે પંકાયેલા નૂર મોહમ્મદ ચાર્લીની વાત કરવી છે. જોગાનુજોગ કેવો છે કે આવતી કાલે પહેલી એપ્રિલ – કોઈની કોમેડી કરવાનો દિવસ છે અને નૂર મોહમ્મદ ચાર્લીની પહેલી ફિલ્મનું નામ ‘અક્કલના બારદાન’ (૧૯૨૮) હતું. અક્કલનો બારદાન એટલે મૂર્ખ. એક એવી વ્યક્તિ જેના વિચાર, વાણી કે વર્તન રમૂજ ઉત્પન્ન કરે. તો ચાલો આ અનોખા સંજોગે આપણે ‘અક્કલના બારદાન’ મતલબ કે નૂર મોહમ્મદ ચાર્લીના યોગદાનને જાણીએ.
ૄ બિઝનેસ કોમનું લેબલ ધરાવતા મેમણ પરિવારને ત્યાં પોરબંદરમાં જન્મેલા નૂર મોહંમ્મદને વેપાર ધંધા કરતા વિનોદમાં વધારે દિલચસ્પી હતી. હજી પુખ્ત વયના નહોતા થયા ત્યાં ૧૭ વર્ષની ઉંમરે ‘અક્કલના બારદાન’ ફિલ્મથી તેમની શરૂઆત થઈ. આ મૂકપટ હતું એટલે શારીરિક દેખાવ કે ચેનચાળાથી દર્શકોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હશે એવું અનુમાન લગાવી શકાય. પ્રફુલ ઘોષ (૧૯૬૦ના દાયકાના પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન પ્રફુલચંદ્ર ઘોષ સાથે નાહવા નિચોવવાનો પણ સંબંધ નહીં) દિગ્દર્શિત આ ફિલ્મમાં ત્રણ પટેલનું મહત્ત્વનું યોગદાન હતું. ચતુરભાઈ પટેલ, ગોરધન ભાઈ પટેલ અને માણેકલાલ પટેલની ત્રિપુટીએ ફિલ્મના લેખન (કથા – પટકથા) તેમજ છબીકલા (સિનેમેટોગ્રાફી) જેવા વિભાગમાં પોતપોતાનો ફાળો આપ્યો હતો. એ જ વર્ષે જે બી એચ વાડિયા નિર્મિત પહેલા સામાજિક ચિત્રપટ ‘વસંત લીલા’માં પણ નૂરભાઈની હાજરી હતી. ‘લેખ પર મેખ’ પણ તેમની શરૂઆતની ફિલ્મ હતી.
ૄ કોમિક રોલ દર્શકોને હસાવી જાય એમાં જે પરિબળો કામ કરે છે એમાંનું એક છે કોમિક ટાઈમિંગનું. મૂકપટમાં શબ્દરમતથી તો હસાવવાનો સવાલ જ ઊભો નથી થતો, પણ નૂર મોહમ્મદ તેમના હાવભાવ અને ટાઈમિંગના જોરે લોકપ્રિય બની રહ્યા હતા. વિદેશી ફિલ્મો જોવાનો શોખ હતો અને ચાર્લી ચેપ્લિનની ફિલ્મના તેઓ દીવાના હતા, કારણ કે તેમના સ્વભાવ અને તેઓ ફિલ્મોમાં જે કરવા ધારતા હતા એ સાથે ચાર્લી ચેપ્લિન સુસંગત હતા.
ૄ પગથિયાં ચડતી નૂર મોહમ્મદની કારકિર્દી ૧૯૩૩માં લિફ્ટમાં સવાર થઈ સડસડાટ ઉપરની દિશામાં ગતિ કરવા લાગી. એ વર્ષે રિલીઝ થયેલી તેમની ‘ઈન્ડિયન ચાર્લી’ ફિલ્મથી ’આસમાનો મેં ઉડને કી આશા’ની ભાવના ફિલ્મ જીવનમાં વણાઈ ગઈ. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બોલપટનો પ્રારંભ થઈ ગયો હતો, પણ ફિલ્મ બનાવવાની શરૂઆત ૧૯૨૯માં થઇ હોવાથી આ ફિલ્મ મૂકપટ હતી. કોઈ અકળ કારણોસર આ ફિલ્મ ચાર વર્ષ પછી રિલીઝ કરવામાં આવી. મહત્ત્વની વાત તો એ છે કે બોલપટમાં સાંભળવા મળતા સંવાદ તેમજ ગીત – સંગીતથી દર્શકો ટેવાઈ રહ્યા હતા. તેમના મનોરંજનનો ગુણાકાર થઈ રહ્યો હતો એ વાતાવરણમાં મૂંગી ફિલ્મ ‘ઈન્ડિયન ચાર્લી’ને બહોળો આવકાર મળ્યો. ફિલ્મમાં નૂર મોહમ્મદના હાવભાવ, તેમનો પહેરવેશ, તેમનો બાહ્ય દેખાવ દર્શકોને બેહદ પસંદ પડ્યો અને ફિલ્મને ફાંકડી સફળતા મળી. આ સફળતાને રોકડી કરવા નૂર મોહમ્મદે પોતાના નામ સાથે ‘ચાર્લી’નું લેબલ જોડી દીધું અને નૂર મોહમ્મદ નૂર મોહમ્મદ ચાર્લી તરીકે ઓળખાવા લાગ્યા. ચાર્લી ચેપ્લિન જેવી ચાલવાની શૈલી, એ જ રીતે બોલવાની કોશિશ અને ચેપ્લિન જેવી મૂછ રાખવાને કારણે ચેપ્લિનના ભારતીય અવતાર તરીકે તેમની નામના થઈ ગઈ. ૧૯૩૦ના દાયકામાં ચાર્લી – દીક્ષિત – ઘોરીની ત્રિપુટીની બોલબાલા હતી પણ મોટેભાગે ચાર્લી ભાઈ રેસમાં આગળ રહેતા હતા.
ૄ બોલપટની વધતી બોલબાલાનો લાભ આપણા ચાર્લી ભાઈને થયો. હાવભાવ અને દેખાવ – પહેરવેશ સાથે હાસ્ય ઉપજાવતા સંવાદનું નવું પેકેજ સિને રસિકોએ બે હાથે વધાવી લીધું. રણજિત સ્ટુડિયોની ફિલ્મોમાં ચાર્લીને પ્રાધાન્ય મળવા લાગ્યું અને કારકિર્દી કોમેડિયન પૂરતી સીમિત ન રહી. હીરોના રોલ પણ મળવા લાગ્યા, અલબત્ત વિનોદી છાંટવાળા. ‘તૂફાન મેલ’, ‘કોલેજ ક્ધયા’, ‘નાદિરા’ વગેરે ફિલ્મોમાં તેમના પરફોર્મન્સની પ્રશંસા થઈ. ફિલ્મ ઈતિહાસના જાણકારોના કહેવા અનુસાર નૂર મોહમ્મદ ચાર્લી પહેલા કોમેડિયન હતા જેમની પર ગીત પિક્ચરાઈઝ કરવામાં આવ્યું હતું. ૧૯૩૮માં આવેલી ‘ઠોકર’ નામની ફિલ્મમાં (ગીતકાર પી એક સંતોષી અને સંગીતકાર જ્ઞાન દત્ત) ‘જબ સે મલી તેરે દર કી ખાક’ નૂરભાઈ પર ફિલ્માંકન કરવામાં આવેલું પહેલું ગીત માનવામાં આવે છે અને આ ગીતમાં પ્લેબેક પણ એમનું જ છે. આ ફિલ્મ પછી ‘મુસાફિર’ (૧૯૪૦), ‘મનોરમા’ (૧૯૪૪) અને ‘ચાંદ તારા’ (૧૯૪૫)માં પણ તેમણે ગીતો ગાઈ દર્શકોનું મનોરંજન કર્યું. મણીભાઈ વ્યાસ દિગ્દર્શિત ‘ચાંદ તારા’માં ચાર્લી ભાઈએ રાજુ નામના ગ્રામ્ય યુવકનો રોલ કર્યો હતો જે કોલેજના અભ્યાસમાં તો વારંવાર નાપાસ થાય જ છે, પણ જીવનમાં સુધ્ધાં નિષ્ફળતા તેનો પીછો નથી છોડતી. જોકે, પોતાની નિષ્ફળતા ઢાંકવા એ લોકોને મૂરખ બનાવવાની કોશિશ કરતો રહે છે પણ એક દિવસ તેનું આ તરકટ ઉઘાડું પડી જતા એ રાજકુમારનો વેશ ધારણ કરી બાજુના રાજ્યમાં લોકોને ઉલ્લુ બનાવવા પહોંચી જાય છે. આ ફિલ્મમાં ચાર્લીના હિરોઈન હતાં સ્વર્ણલતા જેમની ગણના એ સમયની ટોપ નાયિકામાં થતી હતી. ચાર્લી અને સ્વર્ણલતા પર ફિલ્માવાયેલું ગીત એ સમયે ખાસ્સું લોકપ્રિય થયું હતું. ફિલ્મનો રીવ્યુ કરતી વખતે કોઈની સાડીબારી રાખ્યા વિના સમીક્ષા કરતા બાબુરાવ પટેલના ‘ફિલ્મ ઈન્ડિયા’માં નૂર મોહમ્મદ ચાર્લીની અદાકારીના વખાણ કરવામાં આવ્યા હતા.
ૄ ૧૯૪૩માં આવેલી નૂર ભાઈની ‘સંજોગ’નો ખાસ ઉલ્લેખ કરવો રહ્યો. એ આર કારદાર દિગ્દર્શિત આ ફિલ્મમાં ચાર્લીના હિરોઈન હતાં એ સમયના અગ્રણી અભિનેત્રી મહેતાબ. આ ફિલ્મનો ચાર્લીનો એક ડાયલોગ બહુ જ લોકપ્રિય થયો હતો ‘પલટ! તેરા ધ્યાન કિધર હૈ?’ મહેતાબ સાથેના એક રોમેન્ટિક ગીતમાં પણ આ લાઈનનો ઉપયોગ બખૂબી કરવામાં આવ્યો હતો. નોંધવાની વાત એ છે કે ૨૦૧૪માં આવેલી વરુણ ધવનની ‘મૈં તેરા હીરો’ના એક ગીતમાં ‘પલટ – તેરા હીરો ઈધર હૈ’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ૄ ચંદુલાલ શાહે ૧૯૩૫માં ‘બેરિસ્ટર્સ વાઈફ’ બનાવી હતી. ફિલ્મ હિન્દીમાં હતી, પણ પોસ્ટર પર એનું ટાઈટલ ગુજરાતીમાં ‘બેરિસ્ટરની બૈરી’ તરીકે લખવામાં આવ્યું હતું. આવું કરવા પાછળ ચોક્કસ કારણ જરૂર હશે. જોકે, શું કારણ હતું એની જાણકારી નથી મળતી. એક્ટર – સિંગર તરીકે વધતી જતી લોક્પ્રિયતાએ નૂર મોહમ્મદ ચાર્લીને રણજિત મુવીટોનની ‘ઢંઢોરા’ ફિલ્મથી દિગ્દર્શક બનાવી દીધા. આ ફિલ્મ વિશે અને એના ‘એક દો તીન’ ગીત વિશે આજ કોલમમાં અગાઉ એક વિસ્તૃત લેખ દ્વારા વાચકોને જાણકારી આપવામાં આવી હતી. એ સમયની ટોચની હીરોઇનો સામે ચાર્લીને સાઈન કરવામાં આવતા હતા એના પરથી તેમની લોકપ્રિયતાનો અંદાજ આવી જાય છે.
ૄ જોકે, ૧૯૪૦ના દાયકામાં ‘ઢંઢોરા’ પછી તેમની લોકપ્રિયતામાં ઓટ આવવા લાગી હતી. દેશના ભાગલા પડ્યા પછી નૂર મોહમ્મદ ચાર્લી પાકિસ્તાન ચાલ્યા ગયા. ત્યાં તેમણે ફિલ્મો કરી, થોડી સફળતા સુધ્ધાં મેળવી, પણ એમનો જીવ અહીં હતો. ૧૯૬૦માં ભારત આવ્યા અને ‘ઝમીન કે તારે’, ‘ઝમાના બદલ ગયા’ અને ‘અકેલી મત જઈઓ’ ફિલ્મ કરી, પણ પહેલા જેવી વાત નહોતી રહી. ત્યાર બાદ થોડો વખત યુએસએમાં રહ્યા અને પછી પાકિસ્તાન જતા રહ્યા. ૧૯૮૩માં કરાચીમાં તેમનું અવસાન થયું હતું.
ૄ કેટલાક કલાકાર એવા હોય છે જે વિદાય થયા પછી પણ તેમની અમીટ છાપ છોડતા જાય છે. ફિલ્મ ઇતિહાસના અભ્યાસુઓના અભિપ્રાય અનુસાર નૂર મોહમ્મદ ચાર્લી પછીની દરેક પેઢીના કોમેડિયન પર એમનો પ્રભાવ વત્તે ઓછે અંશે જોવા મળ્યો છે. ભારતીય ફિલ્મો પર તેમના પ્રભાવ માટે એક ઉદાહરણ નોંધવા જેવું છે. રણજીત મુવીટોનના અગ્રણી દિગ્દર્શક જયંત દેસાઈએ ચાર્લીની ‘મનોરમા’ ફિલ્મ ‘મનચલા’ (૧૯૫૩) નામથી ફરી બનાવી હતી અને ચાર્લીનો રોલ આગાને આપ્યો હતો. આ ઉપરાંત તેમની ‘ઠોકર’ અને ‘તકદીર’ની પણ રીમેક બની હતી.