કોઈપણ હોટેલ, હોસ્ટેલ કે મલ્ટિપ્લેક્સ બહાર હાઉસફુલના પાટિયા લાગે તો તેમાં શરમ કરવા જેવું શું હોય?. એવી તો કઈ જગ્યા જ્યાં જગ્યા ન હોય તો શરમ આવવી જોઈએ|. છે આવી એક જગ્યા છે જે જેટલી ભરાય તેટલા આપણે ખાલી થતાં જઈએ છીએ. આ જગ્યા છે ઘરડાઘર કે વૃદ્ધાશ્રમ. જી હાલ હિન્દુસ્તાનના હૃદય કહેવાતા મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં વૃદ્ધાશ્રમોમાં જગ્યા નથી. સેવાભાવથી ચાલતો હોય કે પેઈડ હોય વૃદ્ધાશ્રમ એ વૃદ્ધાશ્રમ જ હોય છે. ભોપાલમાં આવા બન્ને પ્રકારના વૃદ્ધાશ્રમો છે જ્યાં જગ્યા નથી. ભોપાલના એક અખબારના સંપાદીકા ઉપમિતા વાજપેયીએ આ સ્થિતિનું હૃદયદ્રાવક ચિત્રણ રજૂ કર્યું છે. જોકે આ સ્થિતિ માત્ર ભોપાલ જ નહીં, પરંતુ લગભગ દરેક ગામ-શહેરની થઈ ગઈ છે.
માત્ર ભોપાલમાં છેલ્લા 30 વર્ષમાં લગભગ 3000 કરતા વધારે વૃદ્ધોએ વૃદ્ધાશ્રમમાં દમ તોડ્યો છે. તેમના સંસ્કારમાં પણ કોઈ પોતાનુ આવ્યું નથી. એવું પણ નથી કે ગરીબ કે અસક્ષમ માતા-પિતા જ આ વદ્ધાશ્રમોમાં રહે છે. છ સંતાનની માતા અને આઈએએસ અધિકારીનાં પત્નીએ અહીં દમ તોડ્યો હતો, તો અહીંના અપના ઘરમાં રહેનારી એક મહિલા ભારત ભવનની કલાકાર રહી ચૂકી છે અને હાલમાં એક આઈએએસ અધિકારીના માતા છે. અહીંના પેઈડ વૃદ્ધાશ્રમમાં સરસ્વતી પ્રકાશનના સંચાલક પણ જીવની ઢળતી સાંજ ગુજારી રહ્યા છે.
અહીંના વૃદ્ધાશ્રમોના સંચાલકોનું માનીએ તો સંતાનો કે સંબંધીઓ તેમને જીવતેજીવ મળવા નથી આવતા, પરંતુ તેમનું દેહાંત થઈ જાય ત્યારે તેમની અસ્થિઓ લેવા જરૂર આવે છે, જેથી પોતે પિતૃદોષથી બચી શકે. સંયુક્ત કુટુંબ પ્રથા તૂટી અને વિભક્ત કુટુંબો આવ્યા. નાનું કુટુંબ સુખેથી રહે તેમ આપણે માનતા થયા, પણ માતા-પિતાને જ્યારે આપણી હૂંફની, લાગણીની જરૂર હોય ત્યારે તેમને આ રીતે નોધારા છોડી દેવા એ કોઈપણ વ્યવસ્થાનો ભાગ ન હોય શકે અને તે માટેનું એકપણ કારણ વાજબી ઠેરવી ન શકાય.
હોઈ શકે ઉંમર વધતા જડતા વધી જાય, સ્વભાવ ખરાબ થાય, મનમેળ ન રહે, કચકચ થતી રહેતી હોય, આથી સંતાન પોતાના પરિવાર સાથે અલગ રહે. આ સારી તો નહીં, પરંતુ સુવિધાજનક વ્યવસ્થા છે. સંતાન સાથે ન હોય પણ આસપાસમાં હોય, સમયાંતરે ખબર-અંતર લેવા આવે, જરૂર પડ્યે પડખે રહે તે પણ માતા-પિતા માટે મોટી રાહત હોય છે. પરંતુ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં ભગવાન ભરોસે મોકલી દેવા એ કોઈ સંસ્કૃતિ કે સભ્યતાને છાજે નહીં. માતા-પિતાને ભગવાન માનીને પૂજવાની પરંપરામાં માનનારા આપણા દેશમાં વૃદ્ધોની આવી અવદશા શરમજનક તો છે જ, પણ સાથે ચિંતન માગી લે તેવી છે.