અમરેલી શહેરની શાંતા બા જનરલ હોસ્પિટલમાં અંધાપા કાંડ મામલે તપાસ કમિટીએ એક મહિના બાદ પણ રિપોર્ટ હજુ સુધી આરોગ્ય પ્રધાનને સોંપ્યો નથી. શાંતા બા જનરલ હોસ્પિટલમાં અંધાપા કાંડને લઈ રાજય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા હતા. જો કે આદેશ બાદ પણ તપાસ કમિટીએ રીપોર્ટ સોંપ્યો નથી. આ કાંડ બાદ કરોડોના ખર્ચે બનેલી અમરેલી શાંતબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી હતી. અહીં મોતીયાના દરદીઓના ઓપરેશન દરમિયાન બાદ દરદીને હંમેશા માટેનો અંધાપો આવી ગયો હતો. તેમને આંકોમાં ઈન્ફેક્શન થયું હતું અને ડોક્ટરોની ટીમ પણ તેમને સાજા કરી શકી ન હતી.
દર્દીઓના સગાઓ ન્યાય મેળવવા માટે રોજ હોસ્પિટલના ધક્કે ચડ્યા છે, પરંતુ કોઇ જવાબ મળતો ન હોવાથી સર્વ સમાજ અને દર્દીઓએ કલેકટર કચેરીએ આવેદન પત્ર આપી ન્યાયની માંગણી કરી હતી. આ ઘટના બાદ દર્દીઓને અન્ય શહેરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક દર્દીઓને રાજકોટ અને ભાવનગર ખસેડાયા હતા, તો 4 જેટલા દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કમિટિમાં સ્વાભાવિક રીતે આરોગ્ય ખાતાના અધિકારીઓ અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ હોય છે. જો તેઓ પ્રધાનની સૂચનાનોપણ અમલ ન કરતા હોય તો પછી સામાન્ય નાગરિકોને તો શું પ્રતિસાદ આપતા હશે તે સવાલ છે.