નાગપુરઃ ટાડા (ટેરરિસ્ટ એન્ડ ડિસરપ્ટિવ એક્ટિવિટીઝ (પ્રીવેન્શન) એક્ટ) અન્વયે દોષી પુરવાર કરવામાં આવેલા કેદીઓને પેરોલ આપવાનો બોમ્બે હાઈ કોર્ટની નાગપુરે બેન્ચે મહત્ત્વનો ચુકાદો સોમવારે આપ્યો હતો.મહારાષ્ટ્રમાં નિયમો અન્વયે આતંકવાદ સંબંધિત ગુનેગારોને પૈરોલ આપવાનો અધિકાર નથી, એમ કોર્ટે નોંધ્યું હતું.ન્યાયાધીશ એસબી શુકરે અને ન્યાયાધીશ એમડબલ્યુ ચંદવાનીની ખંડપીઠે બીજી ડિસેમ્બર, 2022ના અમરાવતી સેન્ટ્રલ જેલમાં આજીવન સજા
ભોગવનારા ગુનેગાર હસન મેહંદી શેખની અરજીને ફગાવી નાખી હતી,જેમાં કેદીએ તેની બીમાર પત્નીને જોવા માટે નિયમિત રીતે પેરોલની માગણી કરી હતી. શેખને ‘ટાડા’ (Terrorist and Disruptive Activities (Prevention) Act) અન્વયે વિભિન્ન ગુના હેઠળ દોષી પુરવાર કર્યો હતો. જેલના અધિકારીઓએ તેની અરજીને ફગાવી નાખી હતી અને કહ્યું હતું કે એ જેલ (બોમ્બે ફર્લો અને પેરોલ)ના નિયમોની જોગવાઈ અન્વયે પેરોલ માટે યોગ્ય નથી. ત્યાર બાદ આરોપીએ બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
હાઈ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે નિયમોમાં એક ખાસ જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ટાડા અન્વયેના ગુનેગારને પેરોલના નિયમિત રીતે લાભ માટે યોગ્ય નથી. અલબત્ત, કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે એ કેદીઓને નિયમિત રીતે પેરોલ પર છોડવામાં પ્રતિબંધ છે, જે આતંકવાદી ગતિવિધિઓ અંતર્ગત દોષી પુરવાર થયા છે. ટાડા આતંકવાદ સંબંધિત
પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે. કોર્ટે કહ્યું હતું કે અરજદારને ટાડા અન્વયે ગુનેગાર માનવામાં આવ્યો છે, તેથી નિયમિત રીતે પેરોલનો હકદાર નથી.
શેખે પોતાની અરજીમાં 2017ના હાઈ કોર્ટના એક ચુકાદાને આધાર બનાવ્યો હતો, જેમાં કહ્યું હતું કે જો કોઈ ગુનેગાર ટાડા અન્વયે દોષી પુરવાર થાય તો નિયમિત રીતે પેરોલનો હકદાર રહેશે. જોકે, હાઈ કોર્ટે એની અરજીને સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે સંબંધિત કેસમાં કેદી રાજસ્થાનનો હતો અને તેથી મહારાષ્ટ્રમાં કેદીઓના નિયમો અન્વયે તેના દાયરામાં આવતા નથી.