અરવિંદ વેકરિયા
ગત સપ્તાહે ચંદ્રવદન ભટ્ટ, એક કલાકાર તરીકે એક સુંદર વાત કહી છે કે.. “બેટા, પ્રેમ કરીને પરણતી નહિ, પણ પરણેલાને પ્રેમ કરતાં શીખજે આ ગુજરાતી ફિલ્મ પાનેતરનો ડાયલોગ હતો, જે ગુજરાતી નાટક ઉપરથી તૈયાર કરવામાં આવેલી. એ ફિલ્મનું દીકરી વિદાયનું ગીત લખ્યું હતું જૂની રંગભૂમિના જાણીતા લેખક સ્વ: પ્રફુલ્લ દેસાઈએ. આ માહિતી મને એમના સુપુત્રી અને જાણીતા અદાકારા રક્ષા દેસાઈએ ફોન પર આપી. ઉપરાંત ચંદ્રવદન ભટ્ટ ભીષ્મપિતામહ હતા એની પુત્રી અમરિકામાં સ્થાયી થયેલા મુકતા ભટ્ટ, (વિજય દત્ત નાં પત્ની)એ પણ ફોન પર જણાવવ્યું કે વિજય દત્ત ચંદ્રવદન ભટ્ટના શિષ્ય હતા અને આ ગુરુ-શિષ્યનો સંબંધ ઠેઠ સુધી રહેલો, આ જાણ આપની માટે… હવે આગળ…
“ચંદ્રવદન ભટ્ટે મને તો કહી દીધું કે કોઈ છોકરી તારા ધ્યાનમાં હોય તો કહેજે. બસ! આ એક પાત્ર ખૂટે છે. મેં માંડ-માંડ કહ્યું, સ્યોર.
છોકરી બાબતનું એક કારણ છે, ફરિયાદ નથી. અનુભવ છે. કોઈની કદર કરીએ તો એ આપણી કદર કરશે જ એ નક્કી નથી હોતું. મને અનુભવ એવો થયો કે છોકરી શબ્દ આવે એટલે છ ફૂટ છેટે રહેવાનું મેં નક્કી કરી નાખેલું. હા, કલાકાર અને દિગ્દર્શકનાં સંબંધ પૂરતું અને માત્ર કામ પુરતું બોલવાનું. વધુ એમાં ઊંડા ઊતરવાનું એક અનુભવે મને બંધ કરાવી દીધું હતું. બૂરાઈ કેવી પણ હોય એના અંતિમ સંસ્કાર તો અચ્છાઈ જ કરે છે. હું એક નાટક કરતો હતો. “સાળી સદ્ધર… જે વિષે અગાઉ હું લખી ચુક્યો છું. એમાં એક સ્ત્રી-પાત્ર હતું, નામ નહિ જણાવું. એ અમારી ટીમમાં સામેલ હતી. અફવા બહુ બુરી બલા છે, હું મારા વાચકને કહેવા માગું છું કે અફવા ઉપર જરા પણ ધ્યાન ન આપશો. ક્યારેક સગા કાને સાંભળેલું કે ક્યારેક તો ખુદની નજરથી જોયેલું પણ ખોટું પડતું હોય છે તો અફવાને સાંભળીને સ્વીકારવી જ નહિ અને એ આગળ બીજા કોઈને પહોંચતી કરવી એ તો સદંતર ખોટું જ છે. તો વાત હતી એ સ્ત્રી-પાત્રની, જે મારા નાટક ‘સાળી સદ્ધર..’ માં એક કલાકાર તરીકે છેલ્લા પંદરેક દિવસથી રિહર્સલ કરી રહી હતી. કોઈ અજાણ્યા વિઘ્નસંતોષીએ મારી પત્ની ભારતીને ફોન કરી ન માન્યામાં આવે એવી વાત કરી. પોતાનું નામ તો ન કહ્યું,અને માહિતી આપી ફોન પણ મૂકી દીધો.તે વખતે આઈ.કોલર નહોતા, જાણ ખાતર. ફોનમાં એટલું કહ્યું કે અરવિંદ ભાઈને સંભાળજો. આ (?) કલાકારાને એઇડ્સ’ છે બસ! ભારતીના દિલો-દિમાગમાં જાતજાતના વિચારો આવવા શરૂ થઇ ગયા જે સ્વાભાવિક
જ હતું. તે દિવસે હું મારું મુંબઈનું કામ પતાવી સાંજે રિહર્સલ માટે વિઘરામ હોલ પહોંચ્યો. જોયું તો ભારતી સૌથી પહેલા આવીને બેસી ગઈ હતી. મને તરત મગજમાં ખોટા વિચારો આવવા માંડ્યા જે સહજ હતું. ભારતી..અત્યારે… અહીં? ઘરે કહી બન્યું હશે? મેં ભારે મને પૂછ્યું, કેમ ભારતી આમ અહીં અચાનક? એટલું જ પૂછ્યું કે એનું રડવાનું શરૂ થઇ ગયું. હું ચિંતામાં જોતો રહ્યો. સાગરના મોતી શોધવા સહેલા છે પણ પત્નીના મનને સમજવું અઘરું છે એ વાતની પ્રતીતિ તે દિવસે મને થઇ. બધા કલાકારો હજી આવ્યા નહોતા. મેં એને પાણી આપી જરા શાંત કરી. પછી કહ્યું, : શાંત થઇ જા, શાંતિથી નિરાંતે માંડીને વાત કર..તું રડે એ મને ગમેં? આપણે પતિ-પત્નીએ સંબંધ એવા બનાવ્યા છે કે દિલથી જીવીએ છીએ, ડીસીપ્લીનથી નહિ, શાંત થા પછી વાત કર. આટલું કહી હું એની સામે બેઠો.
થોડો સમય મૌનમાં પસાર થયો.અમે બંને વિઘરામ હોલના એક ખૂણામાં બેઠાં હતાં એટલે અમારી પતિ-પત્નીની વાતમાં નાક ખોસવા કોઈ કલાકાર આવ્યા નહિ. તેઓ બધા એક બીજા ખૂણામાં ગોઠવાયને પોતાનું કામ કરવા લાગ્યા.
ત્યાં ‘એ’ કલાકારા આવી. મને ભારતીએ આંગળી ચીંધી એને બતાવી. મેં કહ્યું, એ ……. છે. તો એનું શું છે? હિંમત કરી ભારતી માંડ-માંડ બોલી કે મને એક અજાણ્યો ફોન આવેલો અને કહ્યું હતું કે અરવિંદભાઈને …………..એનાથી સંભાળજો, એને ‘એઇડ્સ’ થયો છે. હું અવાક થઇ ગયો. મેં કહ્યું, જો ભારતી, એ માત્ર ખોટી વાત સિવાય એમાં કોઈ તથ્ય ન હોય શકે. જો એક વાત સમજ કે ખામી જોનાર વ્યક્તિને ક્યારેય ખાસિયત દેખાતી નથી. ભારતી મને કહે, જુઓ.. મને તમારા માટે શંકા નથી છતાં ચેતી જવું સારું. સડકોની જેમ આવનારી પરિસ્થિતિ માટે એવું લખાણ નથી હોતું કે.. આગળ ભયજનક વળાંક છે. તમે એને નાટકમાંથી દુર કરી દો, નહીતો ઘેર બેઠા હું રોજ મનોમન બળતી રહીશ.મેં એને સાંત્વના આપતા કહ્યું, મને કોઈ કારણ તો મળવું જોઈએ ને એને દૂર કરવાનું? તને ફોન કોણે કર્યો એ આપણને ખબર નથી. તે જે શોકિંગ ખબર આપી એ ખબરની કોઈને ખબર નથી જો એવું કઈ હોત કોઈએ તો આ ખબર આપી મને ચેતવ્યો હોત કે નહિ? ભારતી મને કહે, હું એ બધી વાતો કરવા નથી આવી. આવેલા ફોનની વાતે મને ભર તડકે દોડાવી. મનમાં કેટલી બળતરા થતી હતી એ માત્ર હું જ જાણું છું. બીજાના છાયડામાં ઊભા રહેવાથી તમે તમારો પડછાયો ખોઈ બેસો પણ પોતાના પડછાયા માટે ખુદ તડકામાં ઉભા રહેવું પડે. વાત સાચી હશે કે ખોટી, પણ હું અત્યારે તમારા છાયડામાં ચેતવવા આવી. બાકી આ વાતના તડકાની ગરમીમાં હું ખોટા ખોટા વિચારોથી સળગી રહી છું.
મેં એને આશ્વાસન આપી મારા કામની પ્રાથમિકતા સમજાવી. કલાકારાને દૂર કરવાની ભારતીને હૈયાધારણ આપી એને ઘરે મોકલી. ભારતી કલાકારોથી પરિચિત હતી એટલે બધાને ‘આવજો’ કહી નીકળીં અને ‘પેલી’ની સામે નજર સુદ્ધા ન મેળવી અને જતી રહી.
મારી હાલત વિચિત્ર થઇ ગઈ હતી. પરિસ્થિતિથી વાકેફ હોય એ જ સામેવાળાની સ્થિતિ સમજી શકે. આવી’ વાત ફોન ઉપર કરનાર કોણ હશે? પેલીનો દુશ્મન કે મારો કોઈ વેરી?…. મારો ફોન નંબર એણે ક્યાંથી મેળવ્યો હશે? ખરેખર આવું હશે? મારું બીજું મન હવે એ વાત વિચારવા લાગ્યું, એક કલાકાર તરીકે એની સાથે સંબંધ પણ સારો હતો. આ વાત પછી જો હું એને નાટકમાંથી કાઢી નાખું એટલે સંબંધોના લીસ્ટ માંથી એક સંબંધને છેકો જ મારવાનો ને? જિંદગીમાં બધું મળી શકે છે પરંતુ સમય સાથે ખોવયેલ સંબંધ પાછો નથી મળતો. વાત છોકરીની નીકળી એટલે જરા લંબાઈ ગઈ. પણ થયેલો અનુભવ જણાવી દીધો એટલે હાશકારો થયો. હા, એક વાત બની. હું ‘એ’ કલાકારને કેમ નાં પાડીશ એની ચિંતા આપમેળે ટળી ગઈ. ‘એ’ને જ દેશમાં જવાનું થયું. એ દસેક વાર સોરી’ બોલી અને ચાલી ગઈ. જમાનો ‘ખોટા’ અને ‘ફોટા’ નો જ થઇ ગયો છે.હવે તો એ કલાકારા એ લગ્ન પણ કરી લીધા છે. બે દીકરીઓ થઇ અને એ બંને પણ પરણીને એમના સંસારમાં સુખી છે….પણ પેલો ફોન કોણે કર્યો હશે એ રહસ્ય તો રહસ્ય જ રહી ગયું. એક વિચાર એવો પણ આવ્યો કે કદાચ નાટકમાં ‘એ’ કામ ન કરે એવું ફોન કરનાર ઈચ્છતો હોય, કોઈ સંબંધમાં હોય એટલે એવું કારણ આપવાનું વિચાર્યું હોય કે જે સાંભળીને સામે વાળો હલી જાય અને ‘એ’ને હાલી જવાનું કહી દે, કોને ખબર ! એ વાતમાં કોઈ તથ્ય જ ન નીકળ્યું કારણ એ પછી ‘એ’ કલાકારે ઘણા નાટકો કર્યા. નિમિત્ત કોઈ પણ હોય પરંતુ નિર્ણય હંમેશા કુદરતનો જ હોય છે એ ફરી એકવાર પુરવાર થયું.
આ તો ભટ્ટ સાહેબે ‘છોકરી’ શોધવાનું કહ્યું એમાં જુનો અનુભવ શેર કરી નાખ્યો અને લોકો કેવા હોય છે એની વાત પણ કરી દીધી.
હું ઘરે પહોંચ્યો. ચંદ્રવદન ભટ્ટના રિહર્સલની વાતો ભારતી સાથે શેર કરી. કહ્યું કે મને ભટ્ટ સાહેબે કોઈ છોકરી ધ્યાનમાં હોય તો જણાવવા કહ્યું છે. મને કહે કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કહેજે કહી હું હસ્યો. ભારતી મને કહે. એમાં ગાંડાની જેમ હસો છો શું? મેં કહ્યું કે ‘હું છોકરી ક્યાંથી શોધું?’
મારા ધ્યાનમાં એક છોકરી છે કોઈક યુવક માટે ક્ધયા શોધી હોય એવા અવાજમાં ભારતી બોલી.
હું પ્રશ્ર્નાર્થ નજરે ભારતીને જોઈ રહ્યો.
વાદળોની મિત્રતામાં આટલું શીખ્યા અમે,
જ્યાં મન થયું ત્યાં જઈને હેતથી વરસ્યા અમે.
————–
ટીચર: સાત રીંગણાને દસ લોકો વચ્ચે કેવી રીતે વહેંચશો?
વિદ્યાર્થી: ઓળો બનાવીને !