Home એકસ્ટ્રા અફેર દારૂબંધીની નીતીશની જીદ બિહારને ડૂબાડશે

દારૂબંધીની નીતીશની જીદ બિહારને ડૂબાડશે

0
દારૂબંધીની નીતીશની જીદ બિહારને ડૂબાડશે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

બિહારમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ થયો છે. લાલુપ્રસાદ યાદવના ગઢ મનાતા છપરામાં થયેલા લઠ્ઠાકાડમાં ઝેરી દારૂ પીવાને કારણે છેલ્લા અહેવાલ આવ્યા ત્યાં સુધીમાં ૩૯ લોકોનાં મોત થયાં હતાં ને બીજા ૩૦ દર્દી સારવાર હેઠળ હતા. સારવાર હેઠળ હતા તેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક હજુ વધી શકે છે. આ લઠ્ઠાકાંડના કારણે થયેલાં મૃત્યુનો આંક વાસ્તવિક રીતે ઊંચો પણ હોઈ શકે છે કેમ કે આ વિસ્તારમાં ઘણા મૃતદેહોના ગુપ્ત રીતે અંતિમસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.
પોલીસ પહેલાં તો લઠ્ઠાકાંડની વિગતો છૂપાવવામાં પડેલી તેથી ઝેરી દારૂ પીને મરેલા લોકોના ફટાફટ અગ્નિસંસ્કાર કરીને મૃતદેહોનો નિકાલ કરી દેવાયો હતો. આ રીતે કેટલાં લોકોના અંતિમસંસ્કાર કરી દેવાયા એ પોલીસ જાણે. ઝેરી દારૂનો આ ગેરકાયદેસર ધંધો જ્યાં લઠ્ઠાકાંડ થયો એ મશરક વિસ્તારની પોલીસની મિલીભગતને કારણે ચાલતો હતો. દારૂ પૂરો પાડનારે હપ્તા બાંધી આપેલા તેથી પોલીસ મૌન હતી.
પોલીસની રહેમનજર હેઠળ દારૂની હોમ ડિલિવરી કરાતી હતી એવું કહેવાય છે. ફોન કરતાં જ દારૂ ઘરે પહોંચી જતો તેથી પોલીસે પોતાનાં કરતૂત છૂપાવવા મોટી સંખ્યામાં બારોબાર લાશોનો નિકાલ કરી દીધો હોવાનું મનાય છે. જેમને પહેલાંથી જ કોઈ બીમારી હતી એ લોકોની હાલત દારૂ પીધા પછી વધુ ખરાબ થઈ ગઈ હતી તેથી પોલીસે તેમને તો બારોબાર રોગીમાં ખપાવીને અંતિમસંસ્કાર કરા નાંખ્યા છે.
દારૂ પીધા પછી મોટા ભાગના પિદ્ધડોની હાલત ખરાબ થઈ ગઈ હતી અને એ બધા શ્ર્વાસ પણ લઈ શકતા નહોતા. કેમિકલની અસર એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે પીડિતોને બચાવવાનો કોઈ મોકો નહોતો મળ્યો એવું ડૉક્ટરો કહે છે. ઘણા કિસ્સામાં તો પરિવારના સભ્યોને પણ પોતાના સ્વજનને ઝેરી દારૂની અસર થઈ હોવાની ખબર નહોતી તેથી એ લોકો બેભાનાવસ્થામાં રોડ પર કે ગમે ત્યાં પડી રહ્યા હતા. કલાકો લગી ઘરે ના આવ્યા પછી પરિવારે તપાસ કરી ત્યારે પત્તો મળ્યો. માંડ માંડ હૉસ્પિટલમાં લાવ્યા ત્યાં સુધીમાં તો ઝેર આખા શરીરમાં ફેલાઈ ગયું હતું તેથી બચી ના શક્યા.
ડૉક્ટરોએ પોતે કહ્યું છે કે, એમ્બ્યુલન્સમાં જ અનેક દર્દીઓનાં મોત થયાં હતાં. આ રીતે કેટલાં લોકો મર્યાં તેની ખબર નથી ને પોલીસને પોતાનું પાપ છાપરે ચડીને પોકારે તેમાં રસ નથી. આ કારણે લઠ્ઠાકાંડથી થયેલાં મોતનો સરકારી આંકડો અને વાસ્તવિક આંકડો અલગ હોઈ શકે અને વાસ્તવિક આંકડો ઘણો મોટો હોઈ શકે છે. એક અંદાજ પ્રમાણે સો કરતાં વધારે લોકો આ લઠ્ઠાકાંડમાં મોતને ભેટ્યા છે.
બિહારનો આ લઠ્ઠાકાંડ આઘાતજનક છે પણ તેના કરતાં વધારે આઘાતજનક આ મુદ્દે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે અપનાવેલું વલણ છે. ભાજપે આ મુદ્દાને ચગાવ્યો છે ને વિધાનસભામાં હંગામો કરી દીધો છે. બુધવારે ભાજપે વિધાનસભાને માથે લીધેલી તેથી નીતીશ એવા બગડ્યા કે, બધી મર્યાદા છોડીને ભાજપના ધારાસભ્યોને આઘાત લાગે એવી ભાષામાં ઝાટકી નાંખ્યા.
ભાજપના ધારાસભ્યો ગૃહમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા તેનાથી અકળાયેલા નીતીશ કુમારે ભાજપના ધારાસભ્યોને દારૂડિયા કહ્યા ને બીજી પણ ઘણી વાતો કરી. બિહાર વિધાનસભામાં નીતિશે કરેલી રાડારાડનો વીડિયો વાયરલ થયેલો જ છે. એ જોવાથી નીતીશ કેવા ભડકેલા તેનો અંદાજ આવી જશે. નીતિશે સવાલ પણ કર્યો કે, તમે મારી સાથે સરકારમાં હતા ત્યારે દારૂબંધીની તરફેણમાં હતા ને આજે કેમ ઝેરી દારૂ પીનારેઓને વળતર અપાવવાની માંગ કરી રહ્યા છો? ગુજરાતના બોટાદમાં થોડા સમય પહેલાં થયેલા લઠ્ઠાકાંડની પણ નીતીશે યાદ અપાવીને કહ્યું કે, તમારા વડા પ્રધાનના રાજ્યમાં લોકો લઠ્ઠો પીને મરે છે ત્યારે તમે ચૂપ રહો છો ને અત્યારે બૂમાબૂમ કરવા નીકળી પડ્યા છો.
વિપક્ષના નેતા વિજય સિંહાએ નીતીશ કુમારને ગૃહમાં માફી માંગવા કહ્યું તો નીતીશ વધારે અકળાયા ને બરાડા પાડીને ભાજપના ધારાસભ્યોને તતડાવવામાં કોઈ કસર ના છોડી. ગુરૂવારે પણ નીતીશ ભડકેલા જ હતા. નીતીશ કુમાર વિધાનસભા પહોંચ્યા ત્યારે ભાજપના નેતાઓ તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા તેથી બગડેલા નીતીશે કહ્યું કે, ભાજપ સરકારમાંથી નીકળી ગયો છે, તેથી જ તે આટલો આક્રમક છે. બાકી બિહારમાં દારૂબંધી પહેલાં પણ મોત થતાં હતાં પણ ભાજપ સત્તામાં હતો ત્યારે કશું બોલતો નહોતો. દેશભરમાં ઝેરી દારૂથી લોકો મૃત્યુ પામે છે તેથી એ કંઈ નવી વાત નથી. નીતિશે એવી વાત પણ કરી કે, જે દારૂ પીશે એ મરવાનો જ છે.
નીતીશ કુમારની વાતો આઘાતજનક છે. બિહારના મુખ્યમંત્રી તરીકે તેમણે આ લઠ્ઠાકાંડની નૈતિક જવાબદારી સ્વીકારવાના હોય. તેના બદલે એ ભાજપ સામે વડચકાં ભરી રહ્યા છે. નીતીશ કહી રહ્યા છે કે, દારૂ પીશે એ મરશે જ ને એ વાત આઘાતજનક છે. લોકો દારૂ પીશે તો મરશે પણ પોલીસ શું કરશે? બિહારમાં દારૂબંધી છે તેથી ગેરકાયદેસર રીતે દારૂ ના વેચાય એ જોવાની પોલીસની ફરજ છે. પોલીસ એ ફરજ કેમ બજાવતી નથી એ જગજાહેર છે. આ સંજોગોમાં પોલીસને કામ કરતી કરવાની નીતીશની ફરજ છે. નીતીશ એ ફરજ બજાવતા નથી ને બીજી બધી વાતો કરે છે. આ વાતો કરવાના બદલે તેમણે પોતાની ફરજ બજાવવી જોઈએ.
નીતીશ આ બધી વાતો કરે છે કેમ કે દારૂબંધીને તેમણે અંગત પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બનાવ્યો છે. નીતીશ કુમારે ૨૦૧૬માં ભાજપનાં ડોઘલાં ડૂલ કરીને ફરી સત્તા સંભાળી કે તરત દારૂબંધી જાહેર કરેલી. નીતીશ કુમારે વચન આપેલું કે બિહારની પ્રજા પર ફરી સત્તા આપશે તો પોતે રાજ્યમાં દારૂબંધી દાખલ કરશે. સત્તા મળ્યાના અઠવાડિયામાં જ નીતીશે બિહારમાં ૧ એપ્રિલ ૨૦૧૬થી સંપૂર્ણ દારૂબંધીના અમલની જાહેરાત કરી નાંખી હતી.
નીતીશ દારૂબંધી તો લાવ્યા પણ એ ચાલી નથી, બિહારને આવકનો તો ફટકો પડ્યો જ પણ દારૂનો ગેરકાયદેસર કારોબાર પણ બરાબર ફૂલ્યોફાલ્યો છે. તેના કારણે દારૂબંધી પાછી લેવાનો દેકારો લાંબા સમયથી ચાલે છે પણ નીતીશ મમતે ચડ્યા છે. એ ગમે તે રીતે દારૂબંધીને સફળ બનાવવા માંગે છે તેની આ મોંકાણ છે. આ જીદ બિહારને સાવ ડૂબાડી દેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here