બિહારમાં દારૂબંધી લાગુ હોવા છતાં ઝેરી દેશી દારૂ પીવાને કારણે થયેલા મોતને લઈને સરકાર સવાલોના ઘેરામાં છે. બિહાર વિધાનસભાના શિયાળુ સત્રમાં ભાજપ મુખ્યપ્રધાન નીતિશ કુમારને સતત ઘેરી રહી છે અને જવાબ માંગી રહી છે. બીજેપી નીતિશ કુમારના રાજીનામાની પણ માંગ કરી રહી છે. આ દરમિયા આજે સીએમ નીતિશ કુમારે કહ્યું કે, “દેશભરમાં ઝેરી દારૂના કારણે લોકોના મોત થયા છે. બિહારમાં દારૂબંધી સફળ છે. જે વ્યક્તિ નકલી દારૂ પીશે એ મરશે જ.”
બિહારમાં દારૂબંધી અંગે ઉઠાવવામાં આવેલા સવાલ અંગે નીતિશ કુમારે કહ્યું કે તમામ પક્ષોના લોકોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. એક-એક વ્યક્તિએ શપથ લીધા હતા. સમાજમાં તમે ગમે તેટલા સારા કામ કરો તો પણ કોઈ ને કોઈ ખોટું કરશે જ. ગુનાખોરી રોકવા માટે કાયદા બન્યા છે, પરંતુ તેમ છતાં હત્યાઓ થાય છે.
નીતિશ કુમારે મીડિયાને વધુમાં જણાવ્યું કે આજે બિહારમાં મોટી સંખ્યામાં લોકોએ દારૂ પીવાનું બંધ કરી દીધું છે. મહિલાઓએ કહ્યું કે જેમના પતિ પહેલા દારૂ પીતા હતા તેમણે દારૂ છોડી દીધો છે, હવે તેઓ બહારથી શાકભાજી લાવે છે. બાળકોને ભણવા મોકલે છે. ઘણા લોકોએ દારૂ બંધી સ્વીકારી છે.