બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે તેમના ગૃહ જિલ્લા નાલંદામાંથી 2024ની લોકસભા ચૂંટણી લડવાની તેમની સંભાવના વિશેના પ્રશ્નોને ટાળ્યા હતા. જેડીયુ નેતા 2005માં નાલંદા બેઠક પરથી સાંસદ અને લોકસભા સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ બિહારના મુખ્ય પ્રધાન બન્યા હતા.
નાલંદા સીટ પરથી નીતીશ કુમારની પાર્ટી સતત જીતી રહી છે. નાલંદાના વર્તમાન સાંસદ કૌશલેન્દ્ર કુમાર સતત ત્રણ વખત તે બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યા છે. તેમણે શનિવારે કહ્યું હતું કે જો નીતીશ કુમાર નાલંદા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડે છે તો તેઓ તેમની સીટ છોડવા માટે તૈયાર છે.
રવિવારે જ્યારે પટનામાં પત્રકારોએ કૌશલેન્દ્રના સીટ છોડવાના નિવેદન પર નીતીશ કુમારને સવાલ કર્યો તો તેમણે કહ્યું હતું કે- ” છોડો ને. તમે શા માટે ચિંતા કરો છો?
2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષને એકજૂટ કરવાની અને ભૂતપૂર્વ સહયોગી ભાજપને હરાવવાની વાત કરનાર JDU નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ “મન કી બાત”ના 100મા એપિસોડના પ્રસારણ પર ટિપ્પણી કરવામાં સંકોચ અનુભવતા જણાયા હતા. ગયા વર્ષે એનડીએથી અલગ થયા ત્યારથી નીતીશ કુમાર સતત વિપક્ષને એક કરવાની કવાયતમાં લાગેલા છે. તાજેતરમાં નીતીશે રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ જેવા વિરોધ પક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
24 એપ્રિલે તેઓ કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને મળ્યા હતા. બંનેએ આ બેઠકને સકારાત્મક ગણાવી હતી. એ જ દિવસે સાંજે નીતીશ કુમાર લખનૌમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને મળ્યા હતા. તેમની સાથે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પણ હાજર હતા.