કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. નાગપુરમાં આવેલી તેમની ઓફિસમાં બે વખત ફોન કરીને ધમકી આપવામાં આવી હતી, જેને પગલે પોલીસતંત્ર તપાસમાં લાગી ગયું છે. પોલીસના જણાવ્યા અનુસાર આજે સવારે 11.30 થી 12.30 વાગ્યાની વચ્ચે ધમકીભર્યા કોલ આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, આજે સવારે 11:30 થી 12:30 ની વચ્ચે નીતિન ગડકરીના નાગપુર ખાતેના જનસંપર્ક કાર્યાલય પર બે ધમકીભર્યા ફોન આવ્યા હતા. ફોન પર ખંડણીની માંગણી કરી ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ અમને ખંડણી નહીં આપે તો કેન્દ્રીય પ્રધાન ગડકરીને જાનથી મારી નાખવામાં આવશે. આ સાથે દાઉદનું નામ પણ લેવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ધમકી ભર્યા ફોન આવ્યા બાદ ગડકરીના જનસંપર્ક કાર્યાલયે પોલીસને આ અંગે જાણ કરી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ગડકરીની ઓફિસ પહોંચી ગયા હતા અને તપાસ શરુ કરી હતી. આ કેસમાં અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, નીતિન ગડકરીને ધમકીભર્યો કોલ કર્ણાટકના હુબલીથી કરવામાં આવ્યો હતો. કોલનો નંબર અને તસવીર પોલીસ સાથે શેર કરવામાં આવી છે.