મધ્ય નાઇજીરિયામાં મંગળવારના રોજ મુસ્લિમ સમુદાયના પશુપાલકો અને ખ્રિસ્તી ખેડૂતો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. આ લોહિયાળ અથડામણમાં 30થી વધુ લોકો માર્યા ગયા છે. એક સ્થાનિક અધિકારીએ આ જાણકારી આપી.
નાઇજીરીયામાં, મોટાભાગના મુસ્લિમો ઉત્તર વિસ્તારમાં રહે છે, જ્યારે ખ્રિસ્તીઓ દક્ષિણમાં રહે છે. આ બે સમુદાયો વચ્ચે અવારનવાર નાની-મોટી અથડામણ થયા કરે છે. અહીંના લોકો વર્ષોથી ધાર્મિક હિંસાનો ભોગ બની રહ્યા છે.
સેન્ટ્રલ નાઇજીરિયાના અધિકારીએ આપેલી માહિતી મુજબ મંગળવારે થયેલી હિંસામાં 30 લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. પશુપાલકો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. આમાં પશુપાલકો મુસ્લિમ સમુદાયના હતા અને ખેડૂતો ખ્રિસ્તી ધર્મના હતા.
પોલીસે જણાવ્યું કે હિંસા મંગુ જિલ્લાના બાવોઈના અલગ-અલગ ગામોમાં થઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે અંદાજે સવારે 11:56 મિનિટે ઈમરજન્સી કોલ મળ્યો, જેમાં જાણ કરવામાં આવી કે ગોળીબાર થયો છે.ઘટના બાદ આ વિસ્તારમાં સુરક્ષા અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને જે અસરગ્રસ્ત વિસ્તારમાં 24 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
ઉત્તર પશ્ચિમ અને મધ્ય નાઇજીરિયામાં હત્યા, સામૂહિક અપહરણ અને લૂંટની ઘટનાઓ વારંવાર બને છે. અહીં ભારે હથિયારોથી સજ્જ ટોળકી અવારનવાર ગામડાઓને લૂંટવાનું કામ કરે છે. આ વર્ષે એપ્રિલમાં, બેનુ રાજ્યના એક ગામમાં બંદૂકધારી ટોળાએ હુમલો કર્યો ત્યારે લગભગ 50 લોકો માર્યા ગયા હતા.