(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ફેડરલ રિઝર્વની મિનિટ્સની જાહેરાત બાદ અમેરિકન અને એશિયન બજારોના ઉછાળા સાથે પ્રારંભમાં ઊછળીને મધ્યસત્રમાં ભારે અફડાતફડીમાંથી પસાર થયા બાદ અંતે સેન્સેક્સ નેગેટીવ ઝોનમાં ગબડ્યો હતો. ક્રૂડ ઓઇલના ભાવના ઘટાડાને કારણે સેન્સેકસને થોડો ટેકો મળ્યો હતો પરંતુ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલીને કારણે સેન્ટિમેન્ટ ખોરવાયેલું રહ્યું હતું.
નિફ્ટીએ ૧૮,૦૦૦ની સપાટી ગુમાવી હતી. સત્ર દરમિયાન ૬૦૭.૬૧ પોઇન્ટ અથવા તો એક ટકાના ઘટાડા સાથે ૬૦,૦૪૯.૮૪ પોઇન્ટની સપાટીએ અથડાઇને અંતે સેન્સેક્સ ૩૦૪.૧૮ પોઇન્ટ અથવા તો ૦.૫૦ ટકાના ઘટાડા સાથે ૬૦,૩૫૩.૨૭ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૫૦.૮૦ પોઇન્ટ અથવા તો ૦.૨૮ ટકાના ઘટાડા સાથે ૧૭,૯૯૨.૧૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયું હતું.
એકંદર ૧૧૦૦ પોઇન્ટની અફડાતફડી: શેરબજારમાં બુધવારના સત્રમાં ભારે અફડાતફડી જોવા મળી રહી છે. દિશાવિહિન બજારમાં ૧૧૦૦ પોઇન્ટની ઊથલપાથલ નોંધાઇ છે. સેન્સેક્સ ૨૨૦ પોઇન્ટ ઊંચે જઇને ૬૦૦ પોઇન્ટ નીચે પટકાયા બાદ અંતેે ૩૦૦ પોઇન્ટ પાછો ફરીને પાછલા બંધ સામે ૩૦૦ પોઇન્ટ નીચી સપાટીએસ્થિર થયો છે. સવારે સેન્સેક્સ ૨૨૦ પોઈન્ટ્સ વધીને ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૮૧૨૦ની સપાટીએ પહોંચી ગયો હતો. બુધવારે અમેરિકાના બજારો વધ્યા બાદ આજે સવારે એશિયાના અન્ય બજારોમાં પણ તેજી જોવા મળી હતી. યુએસ ફેડની મિનિટ્સમાં આક્રમક વલણ જાળવી રાખવાના સંકેત વચ્ચે પણ અમેરિકાના બજારો વધ્યા હતા. એશિયાના બજારોમાં આજે હેંગસેંગમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો.
બજાજ ફિનસર્વ, ઇન્ફોસિસ, આઇટીસી, કિલિચ ડ્રગ્સ: બજાજ ફાઇનાન્સ ૭.૨૧ ટકાના કડાકા સાથે ટોપ લૂઝર બન્યો હતો. ઘટાડો નોંધાવનારા અન્ય શેરોમાં બજાજ ફિનસર્વ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસિસ, ટાઇટન, પાવરગ્રીડ, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, ટેક મહિન્દ્રા, વિપ્રો અને ભારતી એરટેલનો સમાવેશ હતો. જ્યારે ટોચના વધનારા શેરામાં આઇટીસી, હિંદુસ્તાન યુનિલીવર, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, નેસ્લે અને લાર્સન એન્ડ ટૂબ્રોનો સમાવેશ હતો. કિલિચ ડ્રગ્સનો શેર અફડાતફડીના હવામાનમાં પણ આગળ વધ્યો હતો. તાજેતરમાં જ ઇથોપિયામાં ઉત્પાદન એકમ સ્થાપનાર આ ફાર્મા કંપનીનો શેર સત્ર દરમિયાન રૂ. ૧૫૪.૨૫ સુધી ઊંચે જઇને અંતે ૦.૨૬ ટકાના સુધારા સાથે રૂ. ૧૫૩.૪૦ની સપાટીએ સ્થિર થયો હતો. આ શેરની વાર્ષિક ઊંચી સપાટી રૂ. ૨૭૨.૫૦ અને નીચી સપાટી રૂ. ૧૪૪.૩૦ છે. ઇનક્રેડ ફાઇનાન્સિયલના એનસીડી: ઇનક્રેડ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડે સિક્યોર્ડ, રિડીમેબલ નોન-ક્ધવર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)ના રૂ. ૩૫૦ કરોડ સુધીના ભરણા સાથે નવમી જાન્યુઆરીએ મૂડી બજારમાં પ્રવેશે છે અને બંધ થવાની તારીખ ૨૭ જાન્યુઆરી છે. ઈશ્યુ હેઠળ પ્રસ્તાવિત એનસીડીને ક્રિસિલ રેટિંગ્સ લિમિટેડ દ્વારા એ પ્લસ અથવા તો સ્થિર રેટિંગ આપવામાં આવ્યું છે. ચોથી સિરીઝ માટે વાર્ષિક યિલ્ડ ૧૦.૦૨ ટકા સુધીની છે. એનસીડીનું ટ્રેડિંગ ડીમટીરિયલાઈઝ્ડ સ્વરૂપમાં થશે