શ્રીનગર: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) એ બુધવારે કાશ્મીર ખીણમાં આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી બદલ ત્રણ વ્યક્તિની મિલકતો જપ્ત કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે એજન્સીએ આતંકવાદી સંગઠનો, તેમના આનુષંગિકો, એજન્ટો અને ઓવર-ગ્રાઉન્ડ વર્કર્સ સામે કાશ્મીરમાં તમામ સ્થળોએ આતંકવાદી શકમંદો અને આરોપીઓની મિલકતો પર દરોડા પાડીને તેની તકેદારી વધારી છે.
એનઆઇએએ હિઝબુલ મુજાહિદ્દીન (હિમુ) અને જૈશ-એ-મોહમ્મદ (જેઇએમ) જેવાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના સભ્યો અથવા કેડર સાથે સંકળાયેલા આતંકવાદી પ્રવૃત્તિઓના બે અલગ-અલગ કેસોમાં ત્રણ આરોપીઓની સ્થાવર મિલકતો જપ્ત કરી છે.
એનઆઇએએ જણાવ્યું હતું કે પ્રથમ કેસમાં શોપિયાં જિલ્લાના હરમનમાં બે આરોપીઓ – દૌલત અલી મુગલ અને ઈશાક પાલાની સ્થાવર મિલકતો જપ્ત કરવામાં આવી હતી.
પાલા, હાલમાં સેન્ટ્રલ જેલ આગ્રામાં બંધ છે, તે હિમુ/અલ-બદર સંગઠનનો આતંકવાદી હતો, જ્યારે મુગલ પ્રતિબંધિત હિમુનો ઓવરગ્રાઉન્ડ વર્કર હતો અને હાલમાં તે જામીન પર બહાર છે.
એનઆઇએએ કહ્યું કે મુગલે આરોપી લોન અને ભટને એલઓસી પાર કરવા માટે કુપવાડા ખાતે લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો.
એનઆઇએ દ્વારા ૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ આ બંનેને ચાર્જશીટ કરવામાં આવી હતી અને એનઆઇએની સ્પેશિયલ કોર્ટ જમ્મુ દ્વારા ૬ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ આરોપો ઘડવામાં આવ્યા હતા.
એનઆઈએ સ્પેશિયલ કોર્ટના આદેશ પર ટાંચવામાં આવેલી મિલકતોમાં જમીન, કુપવાડાના મણિગાહ ગામમાં સ્થિત મુગલનું એક બે માળનું મકાન અને શોપિયાંમાં અલોરા ગામમાં પાલાની માલિકીના બે રૂમના રૂપમાં સ્થાવર મિલકતનો સમાવેશ થાય છે.
એજન્સીએ કહ્યું કે તેણે ફેબ્રુઆરી ૨૦૧૮માં કેસની તપાસ શરૂ કરી હતી અને ઓવર-ગ્રાઉન્ડ વર્કર્સ/આતંકવાદીઓના હિમુ મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો.
આ કેસમાં ધરપકડ કરાયેલા અને ચાર્જશીટ કરાયેલા અન્ય લોકોમાં ડેનિશ ગુલામ લોન, સુહેલ અહમદ ભટ, ફિરોઝ અહમદ લોનનો સમાવેશ થાય છે, જ્યારે હિઝબુલ મુજાહિદ્દીનનો ટોચનો આતંકવાદી રિયાઝ અહમદ નાયકુ સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યો ગયો હતો.
બીજા કેસમાં, એજન્સીએ આરોપી ફયાઝ અહમદ મગ્રેની સ્થાવર મિલકત જપ્ત કરી હતી, જે જેઇએમના ઓવર-ગ્રાઉન્ડ વર્કર્સ અને હાલમાં હરિયાણાની જિલ્લા જેલમાં બંધ છે.
આ મિલકતમાં લેથપોરા, પુલવામા ખાતે જમીન પર બાંધવામાં આવેલી છ દુકાનોનો સમાવેશ થાય છે.
એનઆઇએએ કહ્યું કે મેગ્રેને ૧ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ સીઆરપીએફના ગ્રુપ સેન્ટર લેથપોરા, પુલવામા પર ફિદાયીન હુમલાને અંજામ આપવા માટે જેઇએમના સ્થાનિક/પાકિસ્તાની આતંકવાદીઓ સાથે મળીને કાવતરું ઘડવા બદલ ચાર્જશીટ કરવામાં આવી હતી.
હુમલા દરમિયાન, બે આતંકવાદીઓ ફરદીન અહમદ ખાંડે અને મંજૂર અહમદ બાબા, એક પાકિસ્તાની અબ્દુલ શકૂર સાથે સીઆરપીએફ ગ્રુપ સેન્ટર લેથપોરાની અંદર માર્યા ગયા હતા. અન્ય મુખ્ય કાવતરાખોર આતંકવાદીઓ, મુદસ્સીર ખાન અને સજ્જાદ ઉર્ફે મુફ્તી વકાસ (પાકિસ્તાની), અનુગામી એન્કાઉન્ટરમાં માર્યા ગયા.
એનઆઇએએ ફેબ્રુઆરી ૨૦૧૮માં કાશ્મીરમાં આતંક અને હિંસાનાં કૃત્યો કરવા માટેના ગુનાહિત કાવતરાની તપાસ શરૂ કરી હતી.
તપાસમાં જેઇએમના ઓવર-ગ્રાઉન્ડ વર્કર્સના મોડ્યુલનો પર્દાફાશ થયો. મેગ્રે ઉપરાંત, આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓની ઓળખ નિસાર અહમદ તાંત્રે, સૈયદ હિલાલ અંદ્રાબી અને ઇર્શાદ અહમદ રેશી તરીકે કરવામાં આવી હતી, એજન્સીએ જણાવ્યું હતું કે, તે બધાને પછીથી ચાર્જશીટ કરવામાં આવી હતી.