(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: ગૅંગસ્ટર્સ, ડ્રગ માફિયા અને આતંકવાદી સંગઠનોની કડીઓ સંબંધી કેસોની તપાસ માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના અધિકારીઓએ મંગળવારે આઠ રાજ્યના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. એનઆઈએના અધિકારીઓએ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં દરોડા પાડ્યા હતા.
કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાં રહેતા હરવિન્દરસિંહ સંધુ ઉર્ફે રિન્દાને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ત્રાસવાદી જાહેર કર્યાના કેટલાક દિવસ પછી એનઆઈએના તંત્રે દરોડાસત્ર શરૂ કર્યું છે. મંગળવારે દરોડાસત્ર માટે કારણભૂત કેસોમાં એક કેસ રિન્દાને સંબધિત છે. દિલ્હી તથા દેશના અન્ય પ્રાંતોમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ ઊભું કરવા અને એ પ્રવૃત્તિઓમાં યુવાનોને જોડવા તથા મહત્ત્વની વ્યક્તિઓની હત્યાના કાવતરાના કેસ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કેટલીક અપરાધી ટોળકીઓ સામે નોંધ્યા હતા. એનઆઈએના તંત્રે ગયા વર્ષે એ કેસો ફરી નોંધ્યા હતા.
કચ્છના મુંદરા બંદર પરથી ઝડપાયેલા અત્યારસુધીના સૌથી મોટા ડ્રગ્સ કાંડ અંગે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ૧૫ જેટલા આરોપીઓ અને સાત જેટલી કંપનીઓ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી લશ્કરે તોયબા, જૈશ-એ-અહેમદ જેવાં આતંકી સંગઠનોને દેશભરમાં ફેલાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ ડ્રગ્સના વેચાણથી આર્થિક ભંડોળ પૂરું પાડી રહ્યા તેવા દેશની સુરક્ષા માટે ચિંતાજનક ખુલાસા કર્યા છે એ વચ્ચે પંજાબના વિવાદાસ્પદ ગાયક સિદ્ધુ મુસેવાલાની સરાજાહેર કરપીણ હત્યાના મુખ્ય માસ્ટરમાઈન્ડ અને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને નીરજ બવાનાની ટેરર ફંડિંગ અને હથિયારોની તસ્કરી મામલે એનઆઈએ દ્વારા પૂછપરછ બાદ હાલ દેશના ગુજરાત, પંજાબ, હરિયાણા દિલ્હી અને રાજસ્થાન સહિત કુલ ૮ રાજ્યોમાં ૭૦ જેટલી જગ્યાઓએ એકસાથે વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે નાપાક પાકિસ્તાનને અડકીને આવેલા સીમાવર્તી કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાંથી બિશ્નોઇ ગેંગના સાગરીત અને આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના સભ્ય મનાતા કુલવિંદર સિદ્ધુ નામના શખ્સની અટકાયત કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
અગાઉ સિદ્ધુ મુસેવાલા હત્યા પ્રકરણમાં પણ કેનેડા સ્થિત બિશ્નોઈ ગેંગના તાર કચ્છમાં પહોંચ્યા હતા જેમાં મુસેવાલાની થાર જીપ પર ઓટોમેટિક મશીનગનથી ફાયરિંગ કરનારા બે હત્યારાઓ મુંદરા અને માંડવીના બારોઇમાંથી ઝડપી લેવાયા હતા.
લોરેન્સના કુખ્યાત સહયોગીઓની મદદ કરવા બદલ કુલવિંદર સામે અનેક કેસ પણ થયેલા છે. જો કે આ મામલે હજુ કોઇ ચોક્કસ માહિતી જણાવવામાં આવી નથી, પરંતુ કચ્છમાંથી જે રીતે દેશભરમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્નો થઇ રહ્યા હતા તેમાં ગાંધીધામની આ વ્યક્તિની સંડોવણી હોવાનું બહાર આવી શકે તેમ છે. માત્ર રાષ્ટ્રીય તપાસ એજન્સી જ નહીં પરંતુ કેટલીક સ્થાનિક એજન્સીઓ પણ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આતંકી ભંડોળ એકત્ર કરવા માટે ચલાવવામાં આવી રહેલો ડ્રગ્સનો વેપલો માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્ર્વ માટે મોટી સમસ્યા છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતમાં ડ્રગ્સનો વ્યાપાર ૪૫૫ ટકા વધ્યો છે. યુએન ઑફિસ ઓફ ડ્રગ એન્ડ કંટ્રોલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૬માં સમગ્ર વિશ્વમાં સપ્લાય કરવામાં આવતા કુલ ૬ ટકા ગાંજો એટલે કે લગભગ ૩૦૦ ટન ગાંજો એકલા ભારતમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૭માં આ જથ્થો વધીને ૩૫૩ ટન થયો હતો, જયારે ૨૦૧૭માં ૩.૨ ટન જેટલું ચરસ જપ્ત કરવામાં આવ્યું હતું.
—————-
ગુજરાતમાં ઈન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ ત્રાટક્યું
નવી દિલ્હી: પૅકેજિંગ ક્ષેત્રની અગ્રણી કંપની યુફ્લેક્સે કરેલી કથિત કરચોરીને મામલે કંપની વિરુદ્ધ ચાલી રહેલી તપાસના ભાગરૂપ આવકવેરા ખાતાએ મંગળવારે ગુજરાત સહિત અનેક રાજ્યમાં આવેલા કંપનીના કાર્યાલયો સહિતના વિવિધ સ્થળે દરોડા પાડ્યા હતા, એમ અધિકારીઓએ કહ્યું હતું.
ગુજરાત, દિલ્હી, નોએડા (ઉત્તર પ્રદેશ), જમ્મુ-કાશ્મીર, પ. બંગાળ, તમિળનાડુ, કર્ણાટક સહિત કંપનીના જુદા જુદા ૬૦થી ૭૦ સ્થળે દરોડા પાડવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
જોકે, કંપનીએ આ અંગે અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી. કંપનીના ઈ-પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર યુફ્લેક્સ ભારતની સૌથી મોટી ફ્લેક્સિબલ પૅકેજિંગ મટીરિયલ ઍન્ડ સોલ્યુસન્સ તેમ જ અગ્રણી ગ્લોબલ પોલિમર સાયન્સિસ કોર્પોરેશન કંપની છે. (એજન્સી)