નવી દિલ્હી: ભારતમાં કોવિડ-૧૯ તેના અંતિમ તબક્કામાં પ્રવેશી રહ્યો છે, તેથી આગામી ૧૦-૧૨ દિવસ સુધી કેસમાં ઉછાળો જોવા મળશે, ત્યાર પછી તેમાં ઘટાડો જોવા મળશે એમ સત્તાવાર સાધનોએ બુધવારે જણાવતા કહ્યું હતું કે અત્યારે કેસ ખૂબ વધી રહ્યાં છે પણ હૉસ્પિટલમાં દાખલ કરવા પડે એવા કેસ ઓછાં છે અને હજીય ઓછાં જ રહેશે.
અત્યારે કોવિડ કેસમાં વધારો થઈ રહ્યો છે, તે એક્સબીસી.૧.૧૬ને કારણે છે, જે ઓમિક્રોનનો એક ભાગ છે. આ વર્ષના ફેબ્રુઆરીમાં એકસબીબી.૧.૧૬ના કેસમાં ૨૧.૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે માર્ચ મહિનામાં ૩૫.૮ ટકા સુધી વધ્યો હતો. જોકે, દરદીઓને હૉસ્પિટલમાં દાખલ કરવાના કે મૃત્યુદરમાં કોઈ જ પ્રકારનો વધારો નોંધાયો નથી, એમ સત્તાવાર પ્રવકતાએ જણાવ્યું હતું.
ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણના કેસ જે ઝડપી વધી રહ્યાં છે, તેના કારણે લોકોમાં ડર દેખાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવાયા મુજબ ભારતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૭,૮૩૦ નવા કેસ નોંધાયા છે. ત્યાર પછી દેશમાં કુલ એક્ટિવ કેસ ૪૦,૨૧૫ થઈ ગયા છે. મંગળવારે દેશમાં ૫,૮૮૦ કેસ નોંધાયા હતા. ત્યારબાદ ૨૪ જ કલાકમાં કેસમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
રાષ્ટ્રીય કોવિડ-૧૯ રિકવરી રેટ ૯૮.૭૨ ટકા નોંધાયો છે. કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૪,૪૨,૦૪,૭૭૧ થઈ છે અને મૃત્યુદર ૧.૧૯ ટકા નોંધાયો છે. સ્વાસ્થ્ય ખાતાએ જાહેર કરેલા આંકડા મુજબ રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ દેશમાં અત્યારસુધીમાં ૨૨૦.૬૬ કરોડ લોકોએ કોવિડની રસી લીધી છે.
દિલ્હીમાં કોવિડના કેસોમાં વધારો થતાં સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટમાં માસ્ક પહેરવાનું, હેન્ડ સેનેટાઈઝરનો સતત ઉપયોગ કરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું જણાવ્યું છે. દિલ્હી સરકારે જાહેર કરેલા સ્વાસ્થ્ય બુલેટીનમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લાં ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૯૮૦ નવા કેસ સામે આવ્યા છે અને પોઝિટિવીટી રેટ ૨૫.૯૮ ટકા નોંધાયો છે. છેલ્લાં ૨૪ કલાકમાં દિલ્હીમાં કોરોનાને કારણે બેના મૃત્યુ થયા છે.
હરિયાણાના ગુરુગ્રામ જિલ્લા પ્રશાસને મંગળવાર, તા. ૧૨મી એપ્રિલથી બધાં જ સાર્વજનિક સ્થળો, સરકારી કચેરીઓ, મોલ, ખાનગી ઑફિસોમાં જ્યાં ૧૦૦થી વધારે લોકો ભેગાં થતાં હોય ત્યાં સામાન્ય લોકોએ ફેસ માસ્ક પહેરવા જરૂરી કરી દીધાં છે. પ્રશાસન અધિકારીઓના જણાવ્યા મુજબ, આ નિર્ણય છેલ્લાં કેટલાક અઠવાડિયામાં ગુરુગ્રામમાં કોવિડ-૧૯ના કેસમાં અચાનક થયેલા વધારાને ધ્યાનમાં રાખીને લેવાયો છે. (પીટીઆઈ)
————
કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન ફરી શરૂ કરાશે
નવી દિલ્હી: કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગતાં સીસી ઈન્સ્ટિટયૂટ ઑફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ના સીઈઓ આદર પૂનાવાલાએ બુધવારે જણાવ્યું હતું કે કંપની કોવિડ-૧૯ની રસી કોવિશિલ્ડનું ઉત્પાદન
ફરી શરૂ કરશે.
કંપની પાસે કોવોવેક્સ રસીના ૬૦ લાખ બુસ્ટર ડોઝ છે અને વયસ્કોએ બુસ્ટર ડોઝ જરૂરથી લેવા જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું. કોવિડ-૧૯ રસીની અછત છે એવા અહેવાલ વાંચીને તેમણે જણાવ્યું હતું કે ઉત્પાદકો તેના માટે તૈયાર છે, પણ તેની જરાય માગ નથી.
અગમચેતીના પગલાં રૂપે અમે એ કર્યું છે જેથી લોકોને પોતાની પસંદગીની કોવિશિલ્ડ જોઈતી હોય તો એ પણ મળી શકે એમ પૂનાવાલાએ પીટીઆઈ સાથેની વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે અમે આ રસીનું ઉત્પાદન ફરી શરૂ કરી રહ્યા છીએ.
કંપનીએ ડિસેમ્બર ૨૦૨૧માં કોવિશિલ્ડનું ઉત્પાદન બંધ કર્યું હતું. ૧૮ વર્ષ અને તેની કરતાં વધુ ઉંમરની વ્યક્તિઓ માટે બુસ્ટર ડોઝ તરીકે કોવોવેક્સને મંજૂરી મળી છે. અમારા પાસે ૬૦ લાખ ડોઝ તૈયાર છે, પણ અત્યારે માગ જરાય નથી, એમ જણાવતા પૂનાવાલાએ કહ્યું હતું કે કોવિન એપ પર કોવોવેક્સ બુસ્ટર હવે મળી શકે છે. (પીટીઆઈ)