Homeઆપણું ગુજરાતચલણમાંથી ક્યાં ગૂમ થઈ ગઈ 2000ની નોટ?

ચલણમાંથી ક્યાં ગૂમ થઈ ગઈ 2000ની નોટ?

તમે છેલ્લે 2000 રૂપિયાની ગુલાબી કડકડતી નોટ ક્યારેયજોઈ હતી? યાદ આવે છે કઈ પણ? જરા યાદ કરો એ દિવસો કે જ્યારે તમે એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ કાઢ્યા બાદ તેના વટાવવા માટે ઠેર ઠેર ભટકતા હતા… આ બધા સવાલોના જવાબમાં તમે કહેશો ખાસો વખત થઈ ગયો આ વાત ને તો… કારણ કે હમણાં કેટલાય સમયથી આ પિંક નોટ હાથમાં આવી જ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં 2000 રૂપિયાની ગુલાબી નોટનું સર્ક્યુલેશન ખૂબ જ ઓછું થઈ ગયું છે. આપણી કરન્સીની સૌથી મોટી નોટ ગણાતી 2000 રૂપિયાની નોટ વિશે હાલમાં જ સરકારે સંસદમાં પણ જાણકારી આપી હતી. આ ઉપરાંત પોતાના વાર્ષિક રિપોર્ટમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ નોટના સર્ક્યુલેશનમાં આવેલી કમીનું કારણ જણાવ્યું હતું.

માર્ચ 2023માં લોકસભામાં સાંસદ સંતોષકુમારે નાણા પ્રધાન નિર્મલા સીતારમણને 2000 રૂપિયાની નોટ અંગે સવાલ પૂછતાં કહ્યું હતું કે શું રિઝર્વ બેંકે બેંકો પર 2000 રૂપિયાની નોટને એટીએમમાંથી જારી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે? જો એવું છે તો સરકારે તેની જાણકારી આપવી જોઈએ. આ સાથે જ તેમણે એવું પણ પૂછ્યું હતું કે શું રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટોનું છાપકામ બંધ કરી દીધુ છે?

આ બંને સવાલોના જવાબ આપતા નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ATMમાં 2000 રૂપિયાની નોટ ભરવા કે ન ભરવા બાબતે બેંકોને કોઈ પણ પ્રકારના નિર્દેશ અપાયા નથી. બેંક કેશ વેન્ડિંગ મશીનોને લોડ કરવા માટે પોતે જાતે જ પસંદ કરે છે. તેઓ જરૂરિયાતની સમીક્ષા કરે છે અને એ પ્રમાણે નિર્ણય લે છે. નાણા પ્રધાને વધુમાં એવું પણ કહ્યું હતું કે RBIના વાર્ષિક રિપોર્ટ મુજબ વર્ષ 2019-20 બાદથી 2000 રૂપિયાની નોટનું છાપકામ થયું જ નથી.

જોકે, આ પહેલી વખત નથી કે 2000 રૂપિયાની નોટ બાબતે સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો હોય. આ અગાઉ ડિસેમ્બર 2022માં ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુશીલકુમાર મોદીએ પણ ગત વર્ષ ડિસેમ્બરમાં સર્ક્યુલેશનમાંથી ગાયબ થઈ રહેલી 2000 રૂપિયાની નોટો વિશે સવાલ પૂછ્યો હતો. તેમણે સરકારને પૂછ્યું હતું કે માર્કેટમાં ગુલાબી રંગની 2000ની નોટના દર્શન દુર્લભ થઈ ગયા છે. એટીએમથી પણ નીકળતી નથી. જેના લીધે લોકોમાં એવી અફવા ફેલાઈ થઈ છે કે હવે આ 2000 રૂપિયાની નોટ કાયદેસર નથી.

રિઝર્વ બેંક દ્વારા પણ પોતાના વાર્ષિક રિપોર્ટમાં 2000 રૂપિયાની નોટ બાબતે મહત્વની અને મોટી જાણકારી આપવામાં આવી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વાર્ષિક રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2019-20, નાણાકીય વર્ષ 2020-21, અને નાણાકીય વર્ષ 2021-22માં 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. આ જ કારણસર બજારમાં 2000 રૂપિયાની નોટોનું સર્ક્યુલેશન ઘટી ગયું છે. નોંધનીય છે કે નવેમ્બર 2016માં થયેલી નોટબંધી બાદ 2000 રૂપિયાની નોટને રિઝર્વ બેંકે બહાર પાડી હતી.

8મી નવેમ્બર 2016ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ 500 અને 1000 રૂપિયાની તમામ ચલણી નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી અને આ કરન્સીની જગ્યાએ રિઝર્વ બેંકે 500 અને 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડી હતી. રિઝર્વ બેંકનું માનવું હતું કે 2000 રૂપિયાની નોટ એ નોટની વેલ્યૂની ભરપાઈ સરળતાથી કરી દેશે જેમને ચલણમાંથી બહાર કરવામાં આવી. રિપોર્ટ મુજબ 2000 રૂપિયાની નોટને ઈશ્યુ કરવાથી બાકી નોટોની જરૂરિયાત ઓછી પડી હતી.

દેશમાં 2000 રૂપિયાની નોટ સૌથી વધુ ચલણમાં વર્ષ 2017-18માં રહી હતી. આ દરમિયાન બજારોમાં 2000ની 33630 લાખ નોટ ચલણમાં હતી. જેનું કુલ મૂલ્ય 6.72 લાખ કરોડ રૂપિયા હતું. 2021માં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં એ જાણકારી આપી હતી કે છેલ્લા બે વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છપાઈ નથી.

હકીકતમાં RBI સરકાર સાથે વાતચીત કર્યા બાદ નોટોના છાપકામ અંગે નિર્ણય લે છે. એપ્રિલ 2019 બાદથી કેન્દ્રીય બેંકે 2000 રૂપિયાની એક પણ નોટ છાપી નથી. જો કે 2000 રૂપિયાની નોટ હજુ પણ સંપૂર્ણ રીતે કાયદેસર છે. એટલે કે ચલણમાં છે. તેના છાપકામ અંગે કોઈ પણ પ્રકારની તાજા જાણકારી હાલમાં સામે નથી આવી રહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -