Homeટોપ ન્યૂઝનવા વર્ષની ઉજવણી :પ્રવાસીઓની સુરક્ષા માટે ૬,૦૦૦થી વધુ જવાન તહેનાત રહેશે

નવા વર્ષની ઉજવણી :પ્રવાસીઓની સુરક્ષા માટે ૬,૦૦૦થી વધુ જવાન તહેનાત રહેશે

લાસ્ટ પેજ સુરક્ષા ૨૦૨૨નું વર્ષ વિદાય થવાની પૂર્વસંધ્યાએ મુંબઈના સૌથી જાણીતા ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે મુલાકાતીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેમાં સુરક્ષાના ભાગરૂપે ગેટવે ખાતે પોલીસની સુરક્ષા વધારી હતી, જ્યારે ગેટવે પરિસરમાં ફરનારા લોકોનું પોલીસ દ્વારા ચેકિંગ (ઈન્સેટમાં) પણ કરવામાં આવ્યું હતું.
(અમય ખરાડે)
—–
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિદાય થઈ રહેલા વર્ષ ૨૦૨૨ અને નવા વર્ષ નિમિત્તે પ્રવાસીઓની સુરક્ષાની સાથે મુંબઈ સબર્બન રેલવેમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે ઉદ્દેશને ધ્યાનમાં રાખીને રેલવેમાં લગભગ ૬,૦૦૦ જવાનને તહેનાત રાખવામાં આવ્યા છે, એમ રેલવે પોલીસે જણાવ્યું હતું. નવા વર્ષના સેલિબ્રેશન માટે નવી મુંબઈ, પનવેલ, ભાયંદર-વસઈ વિરાર, થાણે/કલ્યાણ/ડોંબિવલીમાંથી હજારો લોકો મુંબઈ આવે છે, જેથી મોડી રાત સુધી લોકોની અવરજવર રહે છે, તેથી આ સમયગાળામાં કોઈ અણબનાવ બને નહીં તેની તકેદારી રાખવામાં આવશે. પ્રવાસીઓની સુરક્ષા માટે ખાસ કરીને મુંબઈ રેલવેમાં પોલીસના જવાનોની સાથે સાથે બે ડેપ્યૂટી પોલીસ કમિશનર, ચાર આસિસ્ટંટ પોલીસ કમિશનર, ૧૧૪ પોલીસ અધિકારી સહિત હોમ ગાર્ડ અને મહારાષ્ટ્ર સિક્યોરિટી ફોર્સ પર્સોનલ (એમએસએફપી)ને તહેનાત કરવામાં આવ્યા છે. સરકારી પોલીસની સાથે રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મહિલા પ્રવાસીઓની સુરક્ષા માટે નિર્ભયા ટીમને ખાસ કરીને તહેનાત રાખવામાં આવશે, જેમાં ખાસ કરીને મહિલા કોન્સ્ટેબલની સાથે સિવિલ ડ્રેસમાં વિશેષ પોલીસ ફોર્સ પર મહત્ત્વના રેલવે સ્ટેશનો પર નજર રાખશે. ૩૧ ડિસેમ્બર નિમિત્તે મહિલા કોચમાં પોલીસ કોન્સ્ટેબલને ખાસ કરીને રાતના નવ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી તહેનાત રહેશે. મુંબઈ સબર્બન રેલવેનું સૌથી મોટું નેટવર્ક છે, જેમાં પશ્ર્ચિમ રેલવેમાં ચર્ચગેટથી વિરાર અને મધ્ય રેલવેમાં સીએસએમટીથી ખપોલી/કસારા અને હાર્બર/ટ્રાન્સ હાર્બર લાઈનમાં સીએસએમટી/પનવેલ અને થાણે/પનવેલ વચ્ચે લોકલ ટ્રેન દોડાવાય છે, જ્યારે રોજના સરેરાશ ૬૬ લાખથી વધુ પ્રવાસી ટ્રાવેલ કરે છે.
———
નવા વર્ષની પૂર્વસંધ્યાએ ‘ઑપરેશન ઓલ
આઉટ’: ૨૯ ફરાર આરોપી ઝડપાયા
મુંબઈ: નવા વર્ષની પૂર્વસંધ્યાએ મુંબઈ પોલીસે ઑપરેશન ઓલ આઉટ હાથ ધરીને વિવિધ ગુનામાં ફરાર ૨૯ આરોપીને ઝડપી પાડ્યા હતા.
ગુરુવારે રાતે ૧૧ વાગ્યાથી શુક્રવારે મળસકે ૩ વાગ્યા સુધી હાથ ધરાયેલા ઑપરેશન ઓલ આઉટ દરમિયાન તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
૨૨૩ સ્થળે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ૧,૪૭૧ રેકોર્ડ પરના આરોપીની તપાસ કરવામાં આવી હતી અને ૨૭૧ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ૧૩૧ લોકો સામે બિનજામીનપાત્ર વોરન્ટનો અમલ કર્યો હતો અને વિવિધ ગુનામાં તેમની ધરપકડ
કરવામાં આવી હતી.
૧૭૮ સ્થળે તપાસ કરવામાં આવી હતી. ૮,૬૯૦ ટૂ-વ્હીલર અને ફોર વ્હીલરની પણ તપાસ કરાઇ હતી. ૨,૩૦૦ વાહનો સામે મોટર વેહિકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન ડ્રન્ક એન્ડ ડ્રાઇવ બદલ ૬૦ લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. (પીટીઆઇ)
———
નવા વર્ષનું સ્વાગત બેસ્ટની ઓપન ડેક બસમાં કરો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવા વર્ષનું સ્વાગત મુંબઈગરા બેસ્ટની ઓપન ડબલ ડેકર બસમાં ફરીને કરી શકશે. બેસ્ટ દ્વારા શનિવારે મોડી રાતના આ ઓપન બસ દક્ષિણ મુંબઈના રૂટ પર દોડાવવામાં આવવાની છે. આ વખતે અઠવાડિયા પહેલાથી જ લોકો ક્રિસમસ સહિત નવા વર્ષની ઉજવણી કરવાના મૂડમાં જણાઈ રહ્યા છે. પર્યટકોની ભીડને જોતા બેસ્ટ ઉપક્રમે મુંબઈના વિવિધ ભાગમાં ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ગયા વર્ષ કરતા બમણી એટલે કે ૫૦ વધારાની બસ દોડાવવાની છે. તો પર્યટકોમાં આકર્ષણરૂપ બની રહેલી ખુલ્લી ઓપન ડેકર બસને પણ શનિવારે દોડાવવામાં આવવાની છે. પર્યટકોની માગણીને ધ્યાનમાં રાખીને બેસ્ટની ડબલ ડેકર ઓપન બસ શનિવાર, ૩૧ ડિસેમ્બરના રાતથી પહેલી જાન્યુઆરી, ૨૦૨૩ના વહેલી સવાર સુધી દોડાવવામાં આવશે. તેથી નવા વર્ષના સ્વાગત અને નવા વર્ષનો સૂર્યોદય મુંંબઈગરા અને પર્યટકો બેસ્ટની ખુલ્લી બસથી કરી શકશે.
——–
આજે લોકલ ટ્રેનો ૨૪ કલાક દોડાવાશે
મુંબઈ રેલવેમાં ૧૨ લોકલ સાથે માથેરાનમાં વિશેષ ટ્રેનો દોડાવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ૩૧મી ડિસેમ્બરના શનિવારના પ્રવાસીઓની અવરજવરની સુવિધા માટે બેસ્ટ પ્રશાસન દ્વારા વિશેષ બસ દોડાવવાની સાથે સબર્બન રેલવેમાં વિશેષ લોકલ ટ્રેન દોડાવવામાં આવશે, જ્યારે હિલ સ્ટેશન માથેરાનમાં ત્રણ દિવસ માટે વિશેષ ટ્રેન નેરલથી માથેરાન વચ્ચે દોડાવવામાં આવશે, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
શનિવારે વિદાય થઈ રહેલા વર્ષની સાથે નવા વર્ષના સેલિબ્રેશન માટે મુંબઈગરા ગેટવે ઓફ ઈન્ડિયા અને અન્ય ટૂરિસ્ટ સ્પોટ હરવાફરવા જતા હોવાથી તેમની સુવિધા આજે રાતના વિશેષ લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે. પશ્ર્ચિમ રેલવેમાં પ્રવાસીઓની સુવિધા માટે ચર્ચગેટથી વિરાર અને વિરારથી ચર્ચગેટ વચ્ચે આઠ વિશેષ ટ્રેન
દોડાવવામાં આવશે. પશ્ર્ચિમ રેલવેમાં ચર્ચગેટથી રાતના ૧.૧૫, ૨.૦૦, ૨.૩૦ અને ૩.૨૫ વાગ્યે વિરાર માટે ટ્રેન રવાના કરવામાં આવશે, જ્યારે વિરારથી રાતના ૧૨.૧૫, ૧૨.૪૫, ૧.૪૦ અને ૩.૦૫ વાગ્યે ચર્ચગેટ રવાના કરવામાં આવશે. મધ્ય રેલવેમાં સીએસએમટી અને કલ્યાણ અને કલ્યાણ-સીએસએમટી વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. આજે સીએસએમટીથી રાતના ૧.૩૦ વાગ્યે વિશેષ લોકલ ટ્રેન કલ્યાણ રવાના કરવામાં આવશે, જ્યારે કલ્યાણથી રાતના ૧.૩૦ વાગ્યે સીએસએમટી માટે રવાના કરવામાં આવશે. એ જ રીતે હાર્બર લાઈનમાં સીએસએમટીથી રાતના ૧.૩૦ વાગ્યે પનવેલ અને પનવેલથી રાતના ૧.૩૦ વાગ્યે સીએસએમટી માટે વિશેષ લોકલ ટ્રેન દોડાવવામાં આવશે. દરમિયાન મુંબઈ નજીકના જાણીતા હિલ સ્ટેશન માથેરાનમાં પ્રવાસીઓની સુવિધા માટે ૩૧મી ડિસેમ્બરથી બીજી જાન્યુઆરી વચ્ચેના ત્રણ દિવસ દરમિયાન વિશેષ ટ્રેનની સર્વિસ ઉપલબ્ધ રહેશે, જેમાં નેરલથી માથેરાન અને માથેરાનથી નેરલની વચ્ચે ટ્રેનો દોડાવાશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -