આખી દુનિયાને ભરડામાં લેનારા કોરોના બાદ હવે દુનિયા પર નવા વાઈરસનું જોખમ તોળાઈ રહ્યું છે. હાલમાં કતરમાં ફિફા વર્લ્ડકપ 2022નો ફીવર છવાયેલો છે, પણ આ ફીવરની સાથે સાથે જ બીજું એક જોખમ પણ તોળાઈ રહ્યું છે આ મેચ જોવા ગયેલાં લોકો પર. આ નવા જોખમનું નામ છે કેમલ ફ્લુ. આ નવા ફ્લુ અંગે નવી એડવાયઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં એવું જણાવવામાં આવ્યું અખાતના દેશો કે જ્યાં ઊંટનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે ત્યાં આ નવા વાઈરસનો ફેલાવો થવાનું જોખમ વધુ છે. આ વાઈરસને કોરોના જેવો જ માનવામાં આવી રહ્યો છે, તો આવો જાણીએ આ નવા વાઈરસના લક્ષણો શું છે-
કેમલ ફ્લુ એ એક પ્રકારનો વાઈરસ છે જે ઉંટમાંથી માનવીમાં ફેલાય છે. જે દેશમાં ઉંટની સંખ્યા વધુ છે એ દેશમાં આ વાઈરસ ફેલાવવાનું જોખમ વધુ રહેલું છે. સામાન્યપણે અખાતના દેશોમાં ઉંટનો ઉપયોગ માલ-સામાનની હેરફેર અને દૂધ તેમ જ માંસ માટે કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં આ બીમારી ફેલાવવાનું જોખમ સૌથી વધુ રહેલું છે. કતારમાં હાલમાં ફૂટબોલ વર્લ્ડકપ ચાલી રહ્યો છે અને લાખોની સંખ્યામાં ફૂટબોલપ્રેમીઓ મેચ જોવા આવ્યા છે, એટલે ત્યાં આ વાઈરસના ફેલાવવાનું જોખમ વધુ રહેલું છે.
2012માં પહેલી વખત સાઉદી અરેબિયામાં આ વાઈરસ જોવા મળ્યો હતો. આ એક પ્રકારનો શ્વસન સંબંધિત બીમારી જ છે અને તે પણ કોરોના જેવી જ એક મહામારી છે, પરંતુ તેને કોરોના કરતાં પણ વધુ જોખમી માનવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (હુ) દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે માણસથી માણસમાં પણ આ વાઈરસ ફેલાઈ શકે છે અને મુખ્યત્વે તો નજીકના સંપર્કથી આ વાઈરસ ફેલાય છે.
આ વાઈરસથી કઈ રીતે બચી શકાય એ વિશે હુની એડવાઈઝરીમાં એવું જણાવવામાં આવ્યું છે કે આ બીમારીની કોઈ દવા કે વેક્સિન ઉપલબ્ધ નથી એટલે આવી પરિસ્થિતિમાં લોકોએ ઊંટથી દૂર જ રહેવું જોઈએ. આ ઉપરાંત કાચુ માંસ ખાવાનું ટાળવું જોઈએ, તેમ જ પર્સનલ હાઈજિનનું ખાસ ધ્યાન રાખવું જરુરી છે. જો તમે કોઈ પ્રાણીને અડકો છો તો ત્યાર બાદ હાથ સ્વચ્છ રીતે ધોવા જરુરી છે.