થાણે: મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે શનિવારે કહ્યું હતું કે એક્સબીબી.૧.૧૬ વેરિયેન્ટ જે અત્યારે પ્રવર્તમાન છે તે ચિંતાજનક નથી. લોકોએ કેસમાં થઈ રહેલા વધારાથી ગભરાઈ જવાની આવશ્યકતા નથી. અત્યારની કોરોનાની લહેર ૧૫મી મેના રોજ સ્થાનિક તબક્કા પર પહોંચશે. ત્યાર પછી કોરોના કેસમાં ઘટાડો શરૂ થશે.
મહારાષ્ટ્રમાં શનિવારે ૮૫૦ નવા કોરોના કેસ નોંધાયા હતા અને તેમાંથી ૧૭૭ મુંબઈમાં નોંધાયા હતા. કોરોનાને કારણે ચારનાં મોત થયાં હતાં જેમાંથી બે મુંબઈમાં થયા હતા. આ કેસમાંથી ૬૮૧ કેસ કોરોનાના ઓમિક્રોન એકસબીબી.૧.૧૬ વેરિયેન્ટના છે. રાજ્યમાં અત્યારે આ વેરિયેન્ટને કારણે કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. થાણેમાં ૯૦૦ બેડની સુપરસ્પેશ્યાલિટી સિવિલ હૉસ્પિટલનું ખાતમુહુર્ત શનિવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે કરવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે અત્યારની હૉસ્પિટલની જગ્યાએ જ આ વિશાળ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બાંધવામાં આવશે. નવી હૉસ્પિટલમાં એર-એમ્બ્યુલન્સ સહિતની બધી જ સુવિધા હશે.