ચીન સિવાય જાપાન, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ અને અમેરિકામાં જોવા મળેલા કોરોના વાઈરસના નવા વેરિયન્ટે ભારતની ચિંતામાં વધારો કરી દીધો છે અને એને લઈને સરકાર હવે એકદમ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સ્વાસ્થ મંત્રાલય દ્વારા ભારતમાં કોવિડ-9ના નવા વેરિયન્ટના સંક્રમણને વધુ ફેલાતા અટકાવવા માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે અને કેન્દ્ર સરકારે પણ બધા રાજ્યોને જિનોમ સિક્વન્સિંગ વધારવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ આદે કેન્દ્રીય આરોગ્ય ખાતાના પ્રધાન મનસુખ માંડવિયા એક સમીક્ષા બેઠક કરશે અને કોરોનાના સંક્રમણ પર ચર્ચા કરશે. કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિયન્ટ અને તેના અનેક સબ-વેરિયન્સે દુનિયાભરમાં કહેર વરસાવ્યો હતો, અને હવે ઓમિક્રોનનો સબ વેરિયન્ટ બીએફ.7 ચીનમાં લોકોને ચપેટમાં લઈ રહ્યો છે. નિષ્ણાતોના મતે બીએફ.7ના સંક્રમણમાં આવેલી વ્યક્તિમાં લક્ષણો દેખાવાનો સમય એટલે કે ઈનક્યુબેશન પીરિયડ ખૂબ ઓછો છે. વેક્સિન લેનારા લોકોને ખૂબ જ સરળતાથી આ વાઈરસ ચપેટમાં લઈ શકે છે. આ ઉપરાંત જૂના વેરિયન્ટના સંક્રમણ બાદ પેદા થયેલી ઈમ્યુનિટીને ખૂબ જ સરળતાથી તોડી નાખે છે. નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે આ નવા વેરિયન્ટથી સંક્રમિત એક દર્દી 10થી 18 લોકોમાં ચેપ ફેલાવી શકે છે.