હાલમાં જ RBIએ ભારતીય ચલણની સૌથી મોટી નોટ ગણાતી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ હવે લોકો પાસે રહેલી 2000 રૂપિયાની નોટને બેંકોમાં પાછી જમા કરાવવી પડશે અને આ માટે નાગરિકોને 30મી સપ્ટેમ્બર 2023ની સુધીનો સમય આપવામાં આવ્યો છે. હવે 2000 રૂપિયાની નોટની બાદબાકી બાદ દેશની સૌથી મોટી ચલણી નોટ 500 રૂપિયાની જ રહેશે. આ સાથે દેશમાં 500 રૂપિયાની નોટનું ચલણ પણ પર્યાપ્ત છે. આવી પરીસ્થિતિમાં લોકોએ 500 રૂપિયાની અસલી અને નકલી નોટની ઓળખ કરવી જોઈએ.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 500 રૂપિયાની નોટની આગળની બાજુએ મહાત્મા ગાંધીનો એક ફોટો છે અને એની સાથે સાથે જ રિઝર્વ બેંકના ગવર્નરની સહી પણ કરવામાં આવેલી હોય છે. દેશની સાંસ્કૃતિક વારસાની ઝાંખી દર્શાવતી આ નોટની પાછળની બાજુએ ‘લાલ કિલ્લા’નું ચિત્ર પણ છે. જ્યારે નોટનો બેઝ કલર સ્ટોન ગ્રે છે, તે અન્ય ડિઝાઈન અને ભૌમિતિક પેટર્ન પણ દર્શાવે છે જે નોટની આગળ અને પાછળની રંગ યોજના સાથે સંરેખિત છે.
આ રીતે ઓળખવી 500 રૂપિયાની નકલી નોટ
મૂળ 500 રૂપિયાની નોટની કેટલીક આગવી વિશેષતાઓ છે અને એ અનુસાર જો આ વિશેષતા કોઈ 500 રૂપિયાની નોટમાં ના જોવા મળે તો એ નોટ નકલી હશે. તેનાથી તમે 500 રૂપિયાની નકલી નોટની ઓળખ કરી શકો છો. 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કરવાના આરબીઆઈના નિર્ણય બાદ સામાન્ય નાગરિકોએ 500 રૂપિયાની અસલી અને નકલી નોટ વચ્ચેના અંતરને સમજવું ખૂબ જ જરૂરી બની ગયું છે. આવી છે 500 રૂપિયાની અસલી નોટની ખાસિયત મૂળ રૂ. 500ની નોટનું સત્તાવાર કદ 66 mm x 150 mm નક્કી કરવામાંa આવ્યું છે.
– નોટની વચોવચ મહાત્મા ગાંધીનો ફોટો જોવા મળે છે.
– દેવનાગરીમાં મૂલ્યવર્ગ 500 લખેલું હશે.
– માઇક્રો લેટર્સમાં ભારત અને ‘India’ લખેલું જોવા મળે છે.
– મૂલ્યવર્ગ 500 રૂપિયા હશે.
– નોટની ફ્રંટ સાઇડમાં વ્હાઇટ સ્પેસને પ્રકાશમાં જોશો તો ત્યાં પણ પર 500ની છબી જોવા મળશે.
– આ ઉપરાંત ભારત અને ‘RBI’ લખેલી પટ્ટી પણ જોવા મળે છે. નોટને ઝુકાવવા પર પટ્ટીનો રંગ હળવો બ્લૂ થઈ જાય છે.
– ગેરંટી કલમ, ગવર્નરની સહી સાથે વચન કલમ અને મહાત્મા ગાંધીના ચિત્રની જમણી બાજુએ આરબીઆઈનું પ્રતીક.
– મહાત્મા ગાંધીનું પોટ્રેટ અને ઈલેક્ટ્રોટાઈપ (500) વોટરમાર્ક હશે.
– ઉપર ડાબી અને નીચે જમણી બાજુએ ચડતા ફોન્ટમાં અંકો સાથે નંબર પેનલ હશે.
– નીચે જમણી બાજુએ રંગ બદલાતી શાહી (લીલાથી વાદળી)માં રૂપિયાના પ્રતીક (₹500) સાથેનું મૂલ્ય.
– જમણી બાજુ અશોક સ્તંભનું પ્રતીક હશે.
નોટની પાછળની તરફની વિશેષતા વિશે વાત કરીએ તો એ નીચે પ્રમાણે છે-
– નોટની ડાબી બાજુ પર નોટ છાપવાનું વર્ષ લખેલું હશે.
– આ ઉપરાંત સ્લોગન સાથે સ્વચ્છ ભારતનો લોગો પણ છપાયેલો જોવા મળે છે.
– એક ભાષા પેનલ હશે.
– લાલ કિલ્લાનો મોટિફ હશે.
– દેવનાગરી ભાષામાં મૂલ્યવર્ગ અંક 500 અંકિત કરેલું હશે.