રાજધાની દિલ્હીમાં નિક્કી યાદવ હત્યા કેસમાં વધુ એક સનસનીખેજ ખુલાસો સામે આવ્યો છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. લગ્નના બે દિવસ બાદ આરોપી ઢાબા પર નિક્કીની લાશ જોવા ગયો હતો. સાહિલ એ જાણવા માંગતો હતો કે કોઈએ ફ્રિજ ખોલ્યું હતું કે કોઈએ ઢાબાની મુલાકાત લીધી હતી કે કેમ. બીજી તરફ નિકીના મૃતદેહનું બુધવારે દીનદયાળ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ડોક્ટરોએ જણાવ્યું કે નિક્કીનું મોત ગળું દબાવવાને કારણે થયું છે. પોસ્ટમોર્ટમમાં મૃતદેહ પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. નિક્કીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ બે કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું. પોલીસ આરોપી સાહિલની સતત પૂછપરછ કરી રહી છે.
નિક્કી યાદવ (23) હત્યા કેસના આરોપી સાહિલ ગેહલોત (24)એ બુધવારે પોલીસ પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. આરોપીએ જણાવ્યું કે તે લગ્નના બે દિવસ બાદ ઢાબા પર નિક્કીની લાશ જોવા ગયો હતો. તે જાણવા માંગતો હતો કે કોઈએ ફ્રિજ ખોલ્યું હતું કે કોઈ ઢાબા પર ગયું હતું. મૃતદેહ જોયા પછી તે ઘરે જતો અને હસવા લાગ્યો અને તેની પત્ની સાથે વાત કરવા લાગ્યો હતો.
દિલ્હી પોલિસે જણાવ્યું હતું કે આરોપી સાહિલ દ્વારા આપવામાં આવેલા નિવેદનો, સીસીટીવી ફૂટેજ અને સાહિલના મોબાઈલના લોકેશન વગેરેની તપાસ કરવામાં આવી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે નિક્કી અને સાહિલ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જવા માટે ISBT, કાશ્મીરી ગેટ પહોંચ્યા હતા, પરંતુ પરિવારના સભ્યોના ફોન આવ્યા બાદ સાહિલ ઘરે જવા લાગ્યો હતો. આના પર નિક્કીએ તેની સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. જ્યારે આરોપી રાજી ન થયો તો નિક્કીએ તેના માતા-પિતાની વિરુદ્ધ બોલવા માંડ્યું હતું, જેને કારણે સાહિલે પિત્તો ગુમાવ્યો હતો અને કેબલ વડે નિકીની ગળું દબાવી હત્યા કરી હતી. તેણે મૃતદેહને ડ્રાઈવરની બાજુની સીટ પર બેસવાની મુદ્રામાં ગોઠવીને સીટ બેલ્ટ બાંધ્યો અને તેને ઢાબા પર લઈ ગયો હતો.
આરોપી જ્યાં પણ ગયો ત્યાંના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે. આ માટે ક્રાઈમ બ્રાન્ચની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે અને તેઓ નિક્કીને જ્યાંથી લઈ જવામાં આવી હતી તે જગ્યાના ફૂટેજ ચેક કરી રહી છે. પોલીસ સાહિલના મોબાઈલના લોકેશનની પણ તપાસ કરી રહી છે. આ સિવાય તે તેની નિક્કી અને સાહિલના લોકોની પૂછપરછ કરીને પુરાવા એકત્ર કરી રહી છે.
બુધવારે સાંજે 5:48 કલાકે પોલીસ એમ્બ્યુલન્સમાં મૃતદેહ લઈને ગામમાં પહોંચી હતી. માત્ર 22 મિનિટની અંદર ગામના ગમગીન વાતાવરણમાં નાના ભાઇએ મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા.
પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરોના જણાવ્યા અનુસાર, નિક્કીનું ડેટા કેબલ વડે ગળું દબાવવામાં આવ્યું હતું. મૃતદેહને ચાર દિવસથી વધુ સમય સુધી ફ્રીજમાં રાખવામાં આવ્યો હોવાથી તે ધીમે ધીમે સડી રહ્યો હતો.