નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી કરવાના હોવાથી વિપક્ષી દળો કાર્યક્રમનો બહિષ્કાર કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પત્રકાર પરિષદમાં કહ્યું કે નવું સંસદ ભવન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીનો પુરાવો છે.
અમિત શાહે કહ્યું કે, પીએમ મોદી 28 મેના રોજ સંસદની નવનિર્મિત ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરશે. લગભગ 60,000 શ્રમયોગીઓએ રેકોર્ડ સમયમાં આ નવી ઈમારત બનાવવા માટે યોગદાન આપ્યું છે. આ પ્રસંગે પીએમ તમામ શ્રમ યોગીઓનું સન્માન પણ કરશે.
વિપક્ષ પીએમ દ્વારા ઉદ્ઘાટનનો બહિષ્કાર કરી રહ્યો છે એ અંગે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, રાજકારણ એકતરફ ચાલ્યા રાખે છે, આની સાથે રાજનીતિ ન ભેળવો. દરેક વ્યક્તિ તેમની વિચારવાની ક્ષમતા અનુસાર વર્તે છે અને કાર્ય કરે છે. અમે બધાને આમંત્રણ આપ્યું છે.
આ પહેલા આજે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ વિપક્ષી દળોને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી હતી અને તેમને આ કાર્યક્રમમાં સામેલ થવા જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, ‘હું તેમને કહેવા માંગુ છું કે આ એક ઐતિહાસિક ઘટના છે. આ રાજકારણનો સમય નથી. બહિષ્કાર કરવો અને નવો મુદ્દાઓ બનાવવો એ સૌથી દુર્ભાગ્યપૂર્ણ છે. હું તેમને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા અને આ ઐતિહાસિક સમારોહમાં જોડાવા માટે અપીલ કરું છું.”
નોંધનીય છે કે ઓગણીસ વિપક્ષી પાર્ટીઓએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાના નિર્ણયની જાહેરાત કરી છે. વિપક્ષી પાર્ટીઓના મતે પીએમ મોદીને બદલે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ. વિરોધ પક્ષોએ કહ્યું કે, “આ કૃત્ય રાષ્ટ્રપતિના હોદ્દાનું અપમાન કરે છે, અને બંધારણના શબ્દો અને ભાવનાનું ઉલ્લંઘન કરે છે,”