મુંબઈઃ મેટ્રો 2A અને 7 મેટ્રોના પ્રવાસીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. આ રૂટ મુંબઈગરા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યાર બાદથી જ પશ્ચિમ રેલવે પરના પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નવી મેટ્રો શરુ થયા બાદથી અને એ પહેલાંની આંકડાકીય માહિતી સામે આવી છે. આ આંકડાકીય માહિતીને જોતા અંધેરી-દહીંસર વચ્ચે પશ્ચિમ રેલવેમાં લોકલમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા ઘટી છે.
વધારે પડતાં ભીડવાળી લોકલ ટ્રેન અને રસ્તા પરનો ટ્રાફિક ઓછો કરવાના હેતુથી મેટ્રોનો આ નવો રૂટ શરુ કરવામાં આવ્યો હતો અને ઉદ્ઘાટનના અમુક જ દિવસમાં પરિણામ દેખાવવા લાગ્યા છે.
પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલા 12મી જાન્યુઆરીથી 19મી જાન્યુઆરી વચ્ચેના આંકડા પ્રમાણે દહીંસર સ્ટેશન પર 5,18,517 પ્રવાસી હતા અને 20થી 26 જાન્યુઆરી વચ્ચે આ સંખ્યા 1,70,679થી ઘટીને 3,47,838 જેટલી થઈ ગઈ હતી. 12થી જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાનના આંકડા પણ આપવામાં આવ્યા છે. દહીંસર ખાતે કુલ 8,66,355 પ્રવાસીઓ હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો લાઈનનું ઉદ્ઘાટન કર્યું અને 20મી જાન્યુઆરીથી આ રૂટ સર્વસામાન્ય નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
એ જ રીતે અંધેરી સ્ટેશન પર 12મી જાન્યુઆરીથી 19મી જાન્યુઆરી વચ્ચે 16,73,112 પ્રવાસી હતા અને 20મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી વચ્ચે આ સંખ્યા ઘટીને 11,99,666 જેટલી થઈ ગઈ હતી અને છ દિવસમાં 4,73,446 પ્રવાસીઓ ઘટી ગયા હતા. અંધેરી ખાતે 12મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી વચ્ચે પ્રવાસીઓની સંખ્યા કુલ 28,72,778 જેટલી હતી. ટૂંકમાં કહેવાનું થાય તો મેટ્રોના પ્રવાસીઓ જ્યાં એક તરફ વધી રહ્યા છે તો બીજી બાજુ પશ્ચિમ રેલવે પર પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી છે.