કૉંગ્રેસની ગુલામીની માનસિકતાને પણ વખોડી
(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિથી ગુલામીની માનસિકતા દૂર થશે અને દેશની ખ્યાતિ ફરી પ્રસ્થાપિત થશે.
તેમણે જણાવ્યું હતું કે નવી શિક્ષિણ નીતિ દ્વારા દેશમાં ભાવિ પેઢીની ભવિષ્યલક્ષી શિક્ષણ વ્યવસ્થા રચવામાં આવી છે.
વડા પ્રધાને આ સાથે ભૂતકાળની (કૉંગ્રેસની) સરકારોની ટીકા કરતા જણાવ્યું હતું કે અગાઉની (કૉંગ્રેસની) સરકારોએ દેશની ખોવાયેલી ભવ્યતા પાછી લાવવા કંઈ કર્યું ન હતું અને આ માટે તેમની ગુલામીની માનસિકતા કારણભૂત હતી.
મોદીએ રાજકોટ ખાતે ગુરુકુળના અમૃત મહોત્સવની ઉજવણીમાં વીડિયો લિંક દ્વારા ભાગ લીધો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમારી સરકાર ૨૦૧૪થી સત્તામાં આવી છે અને ત્યારથી આઈઆઈટી, આઈઆઈએમ, મેડિકલ કોલેજ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા વધી રહી છે.
મોદીએ ભારતની ગુરુકુળ શિક્ષણપ્રથાની પ્રશંસા કરતા કહ્યું હતું કે દેશમાં જ્ઞાન મેળવવું તે સૌથી આખરી લક્ષ્ય હતું અને શિક્ષણના ક્ષેત્રમાં દેશની પરંપરા અને ભવ્યતાને પાછી લાવવામાં સંતો અને આધ્યાત્મિક ગુરુઓએ મદદ કરી છે.
વડા પ્રધાને વધુ ઉમેર્યું હતું કે ભારતના ઊજળા ભવિષ્ય માટે આપણી હાલની શિક્ષણ નીતિ અને શૈક્ષણિક સંસ્થાઓએ મોટી ભૂમિકા નિભાવવાની છે. દેશની આઝાદીના અમૃતકાળમાં અમે શિક્ષણને લગતા તમામ પાસાંમાં ઝડપી કામ કરી રહ્યા છીએ. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આપણી જવાબદારી હતી કે આપણે શિક્ષણના ક્ષેત્રમા ભારતની ભવ્યતાને પાછી લાવીએ, પરંતુ ગુલામોની માનસિકતાના દબાણમાં પહેલાની સરકારોએ આ દિશામાં કોઈ કામ કર્યું નથી અને અમુક બાબતોમાં તેઓ ઊંધી દિશામાં આગળ વધ્યા હતા. આ સ્થિતિમાં આપણા સંતોએ દેશ તરફની જવાબદારી નિભાવી હતી અને ગુરુકુલ આનું એક જીવંત ઉદાહરણ છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે જાતીય સમાનતા જેવા શબ્દોનો જન્મ ન હતો થયો ત્યારે મહિલા શિક્ષણનવિદો પુરુષો સાથે દલીલો અને સંવાદ કરતા હતા. તે અંધકારવાળા સમયમાં ભારતે માનવતાનો દીવો પ્રગટાવ્યો અને વિજ્ઞાન અને આધુનિકતાના કિરણો ફેલાવ્યા હતા. તે સમયની ગુરુકુળ વ્યવસ્થાએ મૈત્રેયી અને ગાર્ગી જેવી મહિલા શિક્ષણવિદોને અવકાશ આપ્યો હતો. તે સમયે જ્યારે અન્ય દેશો તેમના રાજાના નામથી ઓળખાતા હતા ત્યારે આપણો દેશ તેના ગુરુકુળથી જાણીતો હતો. શોધ અને સંશોધનો ભારતનીય જીવનશૈલીના ભાગ હતા અને આના પરિણામે આપણે દેશમાં સાંસ્કૃતિક વૈવિધ્ય અને સમૃદ્ધ જોઈ રહ્યા છીએ.
વડા પ્રધાને જણાવ્યું હતું કે સારી શિક્ષણ વ્યવસ્થા સાથે ઉછરેલા નાગરિકો અને યુવાનો જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરશે, જ્યારે આપણે ૨૦૪૭માં ભારતની આઝાદીના સો વર્ષ ઊજવતા હોઈશું ત્યારે દેશ ઘણો જ વિકસિત હશે.