શિક્ષણથી માત્ર સાક્ષરતા લાવવી કે સંખ્યાત્મક રીતે શિક્ષણનો ફેલાવો કરવો એટલો જ ધ્યેય ન હોઇ શકે પણ વિદ્યાર્થીઓમાં તાર્કિક શક્તિનો વિકાસ થાય, તેમની સંશોધનાત્મક શક્તિ જાગે તે જરૂરી છે. જીવનમાં આવતી સમસ્યાનો ઉકેલ લાવવા તે સક્ષમ બને, તેનો સામાજિક અને ભાવાત્મક વિકાસ થાય તેવું શિક્ષણ હોવું જોઇએ
કવર સ્ટોરી -ડૉ. કલ્પના દવે
(ભાગ-૧)
ભારતીય તત્ત્વચિંતક નીતિશાસ્ત્રના જ્ઞાતા ગુરુ ચાણક્ય કહે છે:-
विद्या ददाति विनयं विनयात याति पात्रताम।
पात्रताम धनं आप्नोति धनात धर्मस्ततः सुखम।
આ સંસ્કૃત ઉક્તિમાં વિદ્યાનું માનવજીવનમાં કેટલું મહત્ત્વ છે, તે કહ્યું છે. વિદ્યા માનવીને સુસંસ્કૃત બનાવે છે. વિદ્યા આપણને વિનય આપે છે. વિનયને લીધે તમારામાં કાર્યશક્તિ માટે, માનવ વ્યવહાર માટે કે રોજગાર
માટેની પાત્રતા મળે છે. આ પાત્રતા થકી આપણને ધન, વૈભવ તથા આનંદ પણ મેળવી શકાય છે.
ખરેખર તો એવું છે કે શૈક્ષણિક ડિગ્રી મેળવી લઇએ એટલે શિક્ષણ પતી ગયું એમ નથી, શિક્ષણ તો આપણા જીવનની નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ‘એજ્યુકેશન ઇઝ ધ કન્ટિન્યૂસ પ્રોસેસ ઓફ લાઇફ’.
ભારત સરકારના કેન્દ્રીય મંત્રાલયે ૨૦૧૯માં નવી શિક્ષણનીતિનો મુસદ્ો રજૂ કર્યો અને તે સર્વાનુમતે પસાર થયો, ત્યારબાદ ૨૦૨૦માં ‘નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીચર્સ એન્ડ ટ્રેનિંગ’ (એન.સી.ઇ.આર.ટી.) અને શિક્ષણ તજજ્ઞો દ્વારા તેનું માળખું તૈયાર કરવામાં આવ્યું. હવે રાજ્યસ્તરે શિક્ષણ મંડળમાં તેના જે-તે સ્થાનિક ભાષામાં તરજુમા તૈયાર કરી જરૂરી નિર્દેશો મોકલવામાં આવ્યા છે. રાજકીય સ્તરે શિક્ષણને વેગવાન બનાવવા ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષકોનું પ્રશિક્ષણ કાર્ય પણ ચાલુ છે. હવે જૂન-૨૦૦૩માં આ નવી નીતિનું અમલીકરણ થનાર છે. આ લેખમાળાનો મુખ્ય હેતુ નવી શિક્ષણ નીતિના મહત્ત્વના મુદ્ા વિશે યુવાવર્ગ તથા વાલીઓને માર્ગદર્શક માહિતી આપવાનો જ છે.
આપણી રાષ્ટ્રીય નવી શિક્ષણનીતિ-૨૦૨૦માં ભારતની યુવાપેઢીને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો મુખ્ય ઉદ્ેશ રહેલો છે.
આ માત્ર પોલિસી કે નીતિ નથી આ એક અભિનવ જીવનદૃષ્ટિ પણ છે. ભારતની ભાવિપેઢીના ઉચ્ચતમ વિકાસ માટેનો પંથ છે. ભારતીય શિક્ષણ પદ્ધતિને વૈશ્ર્વિક અભિગમ આપવાનો રાજમાર્ગ છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦માં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની અનુમતિ મળી ગઇ, તે પછી કોરોનાની મહામારીને લીધે તેના અમલીકરણમાં થોડો વિલંબ જરૂર થયો, હવે જૂન, ૨૦૨૩માં સમગ્ર દેશમાં તેનો અમલ કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય તરફથી દરેક રાજ્યસ્તરે નવી શિક્ષણ નીતિ અંગેના મુસદ્ા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ રાષ્ટ્રીય સ્તરે એક અભિનવ અભિયાન છે. જે ભાવિપેઢીમાં ભારતીયતાનાં મૂલ્યોને ઉજાગર કરીને વૈશ્ર્વિક દૃષ્ટિ કેળવવામાં ઉપયોગી થશે, તથા સર્વશિક્ષા અભિયાન દ્વારા એક સક્ષમ અને આત્મનિર્ભર યુવાપેઢી તૈયાર થઇ શકશે. રાષ્ટ્રીય નવી શિક્ષણનીતિ-૨૦૨૦ અંતગર્ત કેટલાક મહત્ત્વના ઉદ્ેશ જોઇએ.
‘જ્ઞાન-વિજ્ઞાન વિમુક્તયે’ના મૂળ ધ્યેયને મૂર્તિમંત કરીને ભારતની યુવાપેઢીને લોકલથી ગ્લોબલ સ્તર સુધીનું ગુણવત્તા સભર શિક્ષણ આપવું, શિક્ષણ એટલે માત્ર બૌદ્ધિક વિકાસ નહીં પણ બાળકમાં સામાજિક સુસંગતતા, ભાવાત્મક નૈતિક મૂલ્યોનો પણ વિકાસ થાય. તેના આંતરિક વિકાસ વડે તેના વ્યક્તિત્વનો શ્રેષ્ઠ વિકાસ થઇ શકે.
આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં ભારતની નવી શિક્ષણનીતિને અમલમાં મૂકીને એક સક્ષમ ભારત, આત્મનિર્ભર ભારતની દિશામાં નવપ્રસ્થાન કરી રહ્યું છે.
આ અગાઉની શિક્ષણનીતિઓનું વિહંગાવલોકન કરીએ તો સમયની માગ પ્રમાણે તેમાં પરિવર્તન તો થયાં છે, પણ ૧૯૯૨ પછી લગભગ ત્રણ દાયકા બાદ વિસ્તૃત અભિગમ ધરાવતા આમૂલ પરિવર્તન આપણી નવી શિક્ષણનીતિમાં જોવા મળશે. પૂર્વ પ્રાથમિક-પ્રાથમિક સ્તરેથી ઉચ્ચ શિક્ષણના તમામ સ્તરે એક સમાન સ્તરના ગુણવત્તા સભર શિક્ષણની હિમાયત કરવામાં આવી છે.
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન અંગ્રેજોએ મુંબઇ, કોલકાતા જેવા શહેરમાં યુનિવર્સિટી સ્થાપી અને ઉચ્ચ શિક્ષણના દ્વાર ખુલ્યા, જ્ઞાનની નવી દિશા મળી. પણ આ શિક્ષણનો હેતુ અંગ્રેજ શાસનમાં મદદરૂપ થાય તેવા કારકુન ઉભા કરવાનો હતો.
એ સમયે મહાત્મા ગાંધીએ માતૃભાષા દ્વારા શિક્ષણની તથા રોજગાર માટે બુનિયાદી તાલીમ પર ભાર મૂક્યો હતો. ઇ. સ. ૧૯૨૦માં અમદાવાદમાં ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. અને આજે એક શતક પછી શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન થઇ
રહ્યું છે.
સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી નિરક્ષરતા તથા ગરીબી દૂર કરવાની તાતી જરૂર હતી, વળી ઔદ્યોગિક વિકાસ માટે એને અનુરૂપ ઔદ્યોગિકલક્ષી શિક્ષણને મહત્ત્વનું સ્થાન હતું. અમીર-ગરીબના ભેદભાવ દૂર કરી સામાજિક એકતા સાધવાનો ધ્યેય હતો. મને યાદ છે કોઇ એક સિનેમાની આ પંક્તિ ‘ છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની, નયે દૌરમેં લિખેંગે મિલકર નઇ કહાની- હમ હિન્દુસ્તાની.’
ત્યારબાદ ૧૯૬૮માં કોઠારી કમિશને આધુનિક ઝોક આપ્યો અને ૧૯૭૫માં જૂની એસ.એસ.સી. (ધોરણ ૧૧) અને ૪ વર્ષ ઉચ્ચ શિક્ષણના સ્થાને ૧૦ વર્ષ શાળાનું શિક્ષણ પછી બે વર્ષ ઉચ્ચમાધ્યમિક શિક્ષણ તથા ત્રણ વર્ષ સ્નાતક ઉચ્ચ શિક્ષણ અને અનુસ્તાનક શિક્ષણની નીતિ અમલમાં આવી.
૧૯૬૮માં કૉમ્પ્યુટર ક્રાંતિને કારણે ફરી નવી શિક્ષણનીતિ અમલમાં આવી. જેમાં ટેક્નિકલ એજ્યુકેશન કેન્દ્રસ્થાને હતું, આ જ શિક્ષણનીતિને ૧૯૯૨માં વધુ વિકસિત રૂપ અપાયું. શિક્ષકો માટે ૧૦ દિવસના તાલીમ વર્ગ યોજાયા. જેમાં આ લેખિકા પણ સહભાગી થયા હતા, ત્યાર બાદ અન્ય શિક્ષકોની ટ્રેનિંગમાં રીસોર્સ શિક્ષણ કાર્યમાં પણ યોગદાન આપ્યું હતું. સરકાર તથા શિક્ષણ પ્રશાસન તરફથી ઉત્તમ શિક્ષણ માટે પ્રયત્નો થાય છે, તેમ છતાંય ઘણીવાર શિક્ષણનીતિ શ્રેષ્ઠ હોવા છતાંય તેનું અમલીકરણ તથા વ્યાપ પ્રત્યેક સ્તરે અસરકારક થતો નથી.
૨૦૦૯માં એજ્યુકેશન ફોર ઓલના કાયદા અંતર્ગત શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર સૌને છે, એ અભિયાનનો આરંભ થયો અને ગ્રામ્ય વિસ્તારોમાં કંઇક અંશે સફળતા મળી. ક્ધયાશિક્ષણ પ્રતિ જાગૃતિ લાવવાના પ્રયાસ થયા.
હવે સર્વ સ્તરે સર્વ શિક્ષા અભિયાનનો ઉદ્ેશ લઇને આપણે નવપ્રસ્થાન ભણી જઇ રહ્યા છીએ. આજે આપણે ૨૧મી સદીની નઇ કહાણી લખવાની છે. આજે ટેક યુગમાં ડિજિટલ યુગનો વિસ્ફોટ થયો છે. તેને અનુરૂપ શિક્ષણ હોવું જોઇએ. સ્પેસ સાયન્સ, મેડિકલ સાયન્સ, માસ કોમ્યુનિકેશન તથા સંશોધનના નવા ક્ષેત્ર સાથે કદમ મિલાવે તેવી યુવાપેઢી ઘડવાની છે. અનેક વૈશ્ર્વિક પડકારો ઝીલે તથા ભારતીયતાનાં મૂલ્યોનું રક્ષણ થઇ શકે એવો દૃષ્ટિકોણ આજની શિક્ષણનીતિમાં અનિવાર્ય ગણાય છે, લોકલથી ગ્લોબલ (વૈશ્ર્વિક સ્તરનું) શિક્ષણની જરૂરિયાત ઊભી થઇ છે.
હવે આ દૃષ્ટિએ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’નાં મુખ્ય લક્ષણો ટૂંકમાં જોઇએ.
નવી શિક્ષણનીતિ-૨૦૨૦ (એન.ઇ.પી.) અંતર્ગત થનારા મુખ્ય પરિવર્તનમાં શાળાશિક્ષણ તથા ઉચ્ચશિક્ષણ સંદર્ભે અગાઉ જે ૧૦+૨+૩ ની પેટર્ન હતી તેને સ્થાને હવે પ+૩+૩+૪ ની પેટર્ન (તરાહ) અમલમાં આવશે. શાળાશિક્ષણની વિગતે ચર્ચા કરતાં આપણે તેને હવે પછીના હપ્તામાં જોઈશું. આ સ્ટ્રકચરલ ફેરફાર અને તેની સાથે સંકળાયેલાં મૂલ્યો જ નવી શિક્ષણનીતિનું હાર્દ કહી શકાય.
૧). સ્પર્ધાત્મક યુગ સાથે માત્ર ટકી નથી રહેવાનું પણ ભારતે અગ્રેસર રહેવા સક્ષમ થવાનું છે.
૨). સ્થાનિક શિક્ષણથી માંડીને રાષ્ટ્રીય સ્તરે તથા શિક્ષણના દરેક સ્તરે ગુણવત્તાસભર સમાન શિક્ષણ ઉપલબ્ધ કરાવવું.
૩). બાળકના શ્રેષ્ઠ વિકાસ માટે પ્રાથમિક સ્તરનું શિક્ષણ માતૃભાષામાં આપવાની હિમાયત, તથા સ્થાનિક ભાષામાં પ્રાપ્ત કરવાની તક પ્રાપ્ત થશે.
૪). સંપૂર્ણ શિક્ષાઅભિયાન અને સર્વગ્રાહી શિક્ષણના લક્ષ્યને સિદ્ધ કરવા દરેક ગ્રામ-જિલ્લામાં કે આદિવાસી ક્ષેત્ર કે પછાત વિસ્તારોમાં પણ શિક્ષણકાર્ય વેગવાન બનાવવું, અધૂરા શિક્ષણ માટે સહાય કરવી.
૫). પ્રી સ્કૂલથી માંડીને ઉચ્ચસ્તર સુધીનું શિક્ષણ દેશમાં સર્વવ્યાપી અને સહજતાથી મળે એવી શિક્ષણની સમાન તકો ઊભી કરવી.
૬). સાક્ષરતાનો દર ઊંચો લાવવો.
૭). શિક્ષણ પ્રાપ્તિમાં જે અવરોધ હોય તે દૂર કરવા. એના માટે નેશનલ એસેસમેન્ટ સર્વે કરવામાં આવ્યો હતો, તથા એનું નિરાકરણ નવી નીતિમાં સમાવિષ્ટ છે.
સ્વવિકાસથી કુટુંબ અને સામાજિક વિકાસ સાધી શકાય અને આપણું યુવાધન આપણા દેશમાં જ શ્રેષ્ઠ શિક્ષણ મેળવે તેવી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવાની આ યોજના છે.
N.E.P. WOULD TRANSFORM THE EDUCATION SECTOR IN THE COUNTRY AS IT FOCUSES ON MAKING EDUCATION. IT WOULD BE MORE AFFORDABLE, ACCESSIBLE, QUALITABLE & INCLUSIVE.
શિક્ષણથી માત્ર સાક્ષરતા લાવવી કે સંખ્યાત્મક રીતે શિક્ષણનો ફેલાવો કરવો એટલો જ ધ્યેય ન હોઇ શકે પણ વિદ્યાર્થીઓમાં તાર્કિક શક્તિનો વિકાસ થાય, તેમની સંશોધનાત્મક શક્તિ જાગે તે જરૂરી છે. જીવનમાં આવતી સમસ્યાનો ઉકેલ લાવવા તે સક્ષમ બને, તેનો સામાજિક અને ભાવાત્મક વિકાસ થાય તેવું શિક્ષણ હોવું જોઇએ.
બીજું શિક્ષણ એ પ્રયોગલક્ષી શિક્ષણ હોવું જોઇએ કે જેથી વિદ્યાર્થીના કૌશલ્યનો વિકાસ સાધી શકાય.
રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ના આમુખમાં દીર્ઘદૃષ્ટિ ધરાવતા આપણા પોતાના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે ‘દરેક દેશ પોતાની શિક્ષણ પદ્ધતિને પોતાનાં રાષ્ટ્રીય મૂલ્યોની સાથે જોડીને તેમાં બદલાવ કરીને લક્ષ્યની દિશામાં આગળ વધે છે. ધ્યેય એ હોય છે કે દેશની શિક્ષણ પદ્ધતિ પોતાની વર્તમાન અને આવનારી પેઢીને ભવિષ્ય માટે તૈયાર કરે.’
બે કે ત્રણ દાયકા પહેલાં આજની જેમ તંત્રજ્ઞાન બધે ન હતું, ઇન્ટરનેટ ન હતા કે મોબાઇલ કે ઓ.ટી.પીની માયાજાળ ન હતી. આજે ઘરેઘરે લેપટોપ, કોમ્પ્યુટર અને દરેકના હાથમાં મોબાઇલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણમાં એ ઉપયોગી પણ છે અને યોગ્ય રીતે ઉપયોગમાં ન લેવાય તો હાનિકારક પણ થઇ શકે. શિક્ષકો, વાલીઓએ તંત્રજ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોજન સમજાવવું પડશે.
તંત્રજ્ઞાનનો સમુચિત ઉપયોગ અને નવી શિક્ષણનીતિને સફળ બનાવવા શૈક્ષણિક સંસ્થાનોની સાથે માતા-પિતાએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવવાની રહેશે. વિદ્યાર્થીને શિક્ષણ બોજારૂપ નહીં પણ એક આનંદદાયક લાગે તે માટે સહિયારો પ્રયત્ન કરવો પડશે, આપણે શિક્ષણ પરિવર્તનની આ નીતિને વિધેયાત્મક રીતે સફળ બનાવવાની છે, આપણી ભાવિપેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે મેરા ભારત મહાનને સાર્થ રૂપ આપવા માટે.
આ લેખમાળાનો મુખ્ય ઉદ્ેશ યુવાવિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓને નવી શિક્ષણનીતિ અંગે મહત્ત્વની માહિતી આપવાનો છે. પ્રથમ લેખમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિના કેટલાક મહત્ત્વના મુદ્ા આપણે જોયા હવે શાળાંત શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણના મહત્ત્વનાં પરિવર્તનો આગળ જોઇશું.