નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે મેસ્સી અને તેના સાથીઓની ધરપકડ કરી છે અને તેમની ધરપકડ ચોરીના આરોપસર કરવામાં આવી છે. આ ધરપકડની સાથે અન્ય 55 ચોરીઓનો ખુલાસો પણ થયો છે. આ વાંચીને તમે ચોક્કસ જ ગુંચવાઈ ગયા હશો અને ગુંચવણ કરતાં વધુ તમે ચોંકી ગયા હશો. પણ આ હકીકત છે. દિલ્હી પોલીસના ચિતરંજન પાર્ક પોલીસ સ્ટેશનના એસએચઓ ઈન્સ્પેક્ટર રિતેશની આગેવાની હેઠળ મેસ્સીની તેના સાથીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર દિલ્હી પોલીસના સીઆર પાર્ક પોલીસ સ્ટેશને પિંકુ નામના ચોરની તેની ગેન્ગ સાથે ધરપકડ કરી છે. પિંકુ ગેન્ગનો સરદાર છે અને તે ફૂટબોલ પ્લેયર લિયોનેસ મેસ્સીનો ડાયહાર્ડ ફેન છે એટલે તેણે પોતાનું હુલામણુ નામ મેસ્સી રાખ્યું છે. મેસ્સી તેના સાથીઓ સાથે આખા દિલ્હીમાં મોબાઈલ ફોનની તફડંચી કરવામાં માહેર છે.
દિલ્હીના સાઉથ અને સાઉથ ઈસ્ટ વિસ્તારના ભીડભાડવાળા એરિયાની બજારોમાંથી મેસ્સી અને તેની કાબેલ ટીમ મોંઘાદાટ મોબાઈલની તફડંચી કરતાં હતા. આ ગેન્ગની ધરપકડ સાથે જ નવી દિલ્હી પોલીસે 56 કેસ પર વર્ક આઉટ કર્યું છે, તેમની પાસેથી 56 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.