હેડિંગ વાંચીને તમે ચોક્કસ જ ચકરાવે ચડી ગયા હશો કે ભાઈ એક તો દૂધવાળો અને એમાં પણ કેમીકલ એન્જિનયર? કઈ રીતે પોસિબલ છે આ. આ એન્જિયર દૂધવાળો નવી મુંબઈમાં છે અને તેણે સોશિયલ મીડિયા પર હાલમાં બધાનું જ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.
એન્જિનિયરિંગ કરનાર આ યુવક મસાલા દૂધ વેચીને નેમ અને ફેમ બંને કમાવી રહ્યો છે. નિલેશ કડુ નામનો આ યુવક નવી મુંબઈના કામોઠે ખાતે રહે છે. પાંચ વર્ષ સુધી નોકરી કર્યા બાગ આખરે નિલેશે આ મસાલા દૂધ વેચવાનું શરુ કર્યું હતું. મોબાઈલ વેન પર નિલેશ ગરમાગરમ દૂધ, રબડી સહિતના દુગ્ધજન્ય પદાર્થોનું વેચાણ કરે છે.
નવી મુંબઈના કામોઠે અને ખારઘરમાં મસાલા દૂધનો બિઝનેસ કરી રહેલો નિલેશ આ માટે દૂધ છેક પુણે અને સાંગલીથી મંગાવે છે. નિલેશ આ દૂધને તૈયાર કરવા માટે ખાસ આઠથી નવ પ્રકારના મસાલાનો ઉપયોગ કરે છે અને આ બધામાં ખજૂર અને કેસર એ બે મહત્ત્વના ઘટકો છે. અહીં તમે ઠંડુ અને ગરમ એમ બંને પ્રકારના દૂધની મજા માણી શકો છો.
નિલેશે વધુને વધુ લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે મસાલા દૂધ પીવાથી થતા ફાયદાઓનું એક મોટુ બોર્ડ પણ પોતાની ગાડી પર લગાવ્યું છે. મસાલા દૂધ જ કેમ વેચો છો એવો સવાલ પૂછતાં નિલેશે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં મુંબઈમાં ખૂબ જ ઓછી જગ્યાએ મસાલા દૂધ લોકોને પીવા મળે છે અને આ જ કારણ છે કે મને મસાલા દૂધ વેચવાનો આઈડિયા આવ્યો હતો.
મારી પાસે મુંબઈ, થાણે, પનવેલ અને નવી મુંબઈના જુદા જુદા વિસ્તારમાંથી લોકો માત્ર મસાલા દૂધ પીવા માટે આવે છે, એવું તેણે વધુમાં ઉમેર્યું હતું.