Homeમેટિનીસ્ટાર ગર્લ્સનો નવો ‘અવતાર’

સ્ટાર ગર્લ્સનો નવો ‘અવતાર’

સારા અલી ખાન, જ્હાન્વી કપૂર, અનન્યા પાંડે, ન્યાસા દેવગન જેની કંપની એન્જોય કરે છે એ સ્ટાઈલિશ સેલિબ્રિટી છે કોણ?

કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી

એક સમય હતો જ્યારે જુવાનિયાઓને સપનામાં મધુબાલા, સુરૈયા, વૈજયંતિમાલા વગેરે દેખાતી. પછી હેમા માલિની ડ્રીમ ગર્લ અને શ્રીદેવી નયનો મેં સપના, સપનોં મેં સજની બની. માધુરી એક દો તીન કરતી ક્યારે ખ્વાબની દુનિયામાં ઘૂસી ગઈ ખબર જ ન પડી. પછી ઘણી સ્ટાઈલિશ, સેક્સી હિરોઈનો આવી, પણ સપનામાં આવતી બંધ થઈ ગઈ. ટેલિવિઝનના વધતા પ્રભાવથી એ ડ્રોઈંગરુમનો હિસ્સો બની અને આજે સોશિયલ મીડિયાના પાવરને કારણે અને તેમના બિન્ધાસ્ત અને બેધડક એટિટ્યૂડને કારણે એમના વિશેની ઘેલછામાં થોડી ઓટ આવી છે. હવે આકર્ષણ હિરોઈન કરતા એમની લાઈફસ્ટાઈલ વિશે વધુ જોવા મળે છે. એકવીસમી સદીની ક્ધયાઓને પોતાની રીતે લાઈફ એન્જોય કરવામાં વધુ રસ છે. આજની સ્ટાર ગર્લ્સ સારા અલી ખાન, જ્હાન્વી કપૂર, અનન્યા પાંડે, ન્યાસા દેવગન, મિહિકા રામપાલ પોતે જ સોશિયલ મીડિયામાં બોલ્ડ ઍન્ડ બ્યુટીફુલ ફોટોગ્રાફ્સ શેર કરી રહી હોવાથી આજના યંગ બોય્ઝમાં એમના માટે પહેલા જોવા મળતી એવી ઘેલછા નથી જોવા મળતી. આ વાતાવરણમાં એક યુવાન સેલિબ્રિટી માટે અચરજ અને કુતૂહલ જોવા મળી રહ્યું છે. યંગસ્ટર્સના ફેવરિટ ઈન્સ્ટાગ્રામ પર સારા ઍન્ડ કંપનીના ઓરી નામના યુવાનની કંપની એન્જોય કરતા ફોટોગ્રાફ્સ વાઈરલ થઈ રહ્યા છે. કોણ છે આ ‘અવતાર પુરુષ’ જેની કંપનીમાં આ સ્ટાર ગર્લ્સ ખીલી ઊઠે છે એવો સવાલ અનેક જણના દિમાગમાં દોડી રહ્યો છે.
એ યંગસ્ટરનું નામ છે ઓરહાન અવતારમણી. શોર્ટ ઍન્ડ સ્વીટમાં ઓરી. સોશિયલ એક્ટિવિસ્ટની ઓળખ ધરાવતા ઓરહાનને ઘણી બોલિવૂડ સેલિબ્રિટી ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. ઓરીનો ભપકો જોવા જેવો છે. આ યંગસ્ટરે જ્હાન્વી, સારા, ન્યાસા અને અન્ય ફ્રેન્ડ્સ સાથેના ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. કોઈ ફોટોગ્રાફ્સમાં ઓરી લંડનમાં પાર્ટી કરતો નજરે પડે છે તો ક્યાંક એમ્સ્ટર્ડેમની નહેર પાસે પણ એ સ્ટાર ગર્લ્સ સાથે જલસા કરતો દેખાય છે. ઓરી સાથેના ન્યૂયોર્કના બીચ પરના ફોટોગ્રાફ્સ જ્હાન્વીએ થોડા સમય પહેલા શેર કર્યા હતા. જ્હાન્વી અને ઓરી ક્લોઝ ફ્રેન્ડ કહેવાય છે. જોકે, એમના બ્રેકઅપની વાત પણ સાંભળવા મળી હતી. અલબત્ત આજના યંગસ્ટર્સ દોસ્તી – બ્રેકઅપ અને મેકઅપ એવું ઝપાટાબંધ કરતા હોય છે કે બુધવારે, નવા વર્ષના દિવસે દિવાળી પાર્ટીના કેટલાક અફલાતૂન ફોટોગ્રાફ્સ જ્હાન્વીએ શેર કર્યા એમાં ઓરહાન સાથેની તસવીર વિશેષ ધ્યાન ખેંચનારી બની. એક મિનિટ. ઓરહાન અવતારમણી સારા અલી ખાન અને એના ભાઈ ઈબ્રાહિમ ખાનનો પણ ક્લોઝ ફ્રેન્ડ છે. સારા ખાનના કોલંબિયા યુનિવર્સિટીના ગ્રેજ્યુએશન ડે વખતે પણ ઓરી હાજર હતો. એના પરથી એ ત્યાં ભણ્યો હોવો જોઈએ એવી અટકળ બાંધવામાં આવી છે. ગયા વર્ષે સૈફ અલી ખાન અને કરીના કપૂરના ક્રિસ્મસ ડિનરમાં ઓરી હાજર હતો, યસ. પિક્ચર અભી બાકી હૈ વાચક બિરાદર. અવતારમણી અમિતાભ બચ્ચનની દૌહિત્રી નવ્યા નવેલી નંદા, ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાંડે અને સંજય કપૂરની પુત્રી શાન્યા કપૂર સાથે પણ જલસા પાર્ટી કરતો જોવા મળે છે. આ સિવાય અજય – કાજોલની પુત્રી ન્યાસા અને મિહિકા રામપાલ ઓન જ્હાન્વીના કહેવાતા બોયફ્રેન્ડ સાથે પાર્ટી એન્જોય કરતા હોય એવો ફોટોગ્રાફ પણ ઈન્ટરનેટ પર થોડા સમય પહેલા ધૂમ મચાવી રહ્યો હતો. ઓરહાનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સેલિબ્રિટીઓ સાથેની તસવીરો છલકાય છે. મિસ્ટર અવતારમણીના સિત્તેર હજાર ફોલોઅર્સ છે અને પ્રિયંકા ચોપડા અને આલિયા ભટ્ટ સુધ્ધાં એને ફોલો કરે છે. ઓરહાન અવતારમણી સૌથી વધુ સ્ટાઈલિશ બીએફએફ – બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર તરીકે નામના ધરાવે છે. હર ફ્રેન્ડ જરૂરી હોતા હૈના યુગમાં આજના યંગસ્ટર્સ માટે મિત્રવર્તુળ વિશેષ મહત્ત્વ ધરાવે છે એ વાત જાણીતી છે. આજના બાળકો પણ પોતાને કયા રસ્તે આગળ વધવું છે એ જાતે નક્કી કરવાનો આગ્રહ રાખે છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં બાળકોની કારકિર્દી વિશે પૂછવામાં આવતા કાજોલે કહ્યું હતું કે ‘મારા બાળકો જે કંઈ કરવા માગતા હશે એમાં હું તેમને મદદરૂપ થઈશ. જેમાં એમને આનંદ આવતો હોય એ એમને કરવા દઈશ.’ આ વાત કરિયર ઉપરાંત અંગત જીવનને પણ સ્પર્શે છે એ આજની હકીકત છે.
ઓરહાન એની ફેશન માટે પણ જાણીતો છે. ફેશન શૉમાં પણ એની હાજરી હોય છે. આજના યંગસ્ટર્સને તેની ડિઝાઈન અને કલરનું આકર્ષણ છે. હોલિવૂડની આ સિવાય એનો મુસાફરીનો શોખ પણ એટલો જ ચર્ચાનો વિષય છે. ક્યારેક લંડનમાં સ્ટારકિડ સાથે પાર્ટી કરતો દેખાય છે તો ક્યારેક પોતાના હેલિકૉપ્ટરમાં પ્રાઇવેટ ટૂર પર નીકળી પડે છે. ટૂંકમાં કહીએ તો લિવ લાઈફ કિંગ સાઈઝ – રાજા જેવા ઠાઠથી રહેવું એ ઓરીનો જીવનમંત્ર છે. સોશિયલ મીડિયાના એના એકાઉન્ટ પર નજર કરશો તો એની લાઈફસ્ટાઈલ જોઈ તમને હેરત થશે એની ગેરંટી.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -