હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ નેપાળમાં થયેલાં ગોઝારા પ્લેન ક્રેશની જ ચર્ચા થઈ રહી છે. પોખરા નજીક થયેલાં આ પ્લેન ક્રેશમાં પાંચ ભારતીય સહિત 68 પ્રવાસી અને 4 ક્રુ મેમ્બર્સના મૃત્યુ થયા હતા. નેપાળ સરકારે પણ આ દુર્ઘટના પાછળના કારણો શોધવા માટેના પ્રયાસો શરુ કરી દીધા છે અને નેપાળ સરકારની મદદ કરવા માટે ફ્રાંસથી 9 જણની એક એક્સપર્ટ ટીમ નેપાળ પહોંચી છે.
પરંતુ નેપાળમાં આ કંઈ પહેલી વખત નથી થયું અને નેપાળ સિવિલ એવિએશનની વાત માનીએ તો નેપાળમાં પહેલી વખત 1955માં પ્લેન ક્રેશ થયું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી ત્યાં 104 દુર્ઘટનાઓ થઈ ચૂકી છે, જેમાં 914 લોકોના મૃત્યુ થયા છે. પોખરામાં થયેલું આ પ્લેન ક્રેશ નેપાળમાં અત્યાર સુધી થયેલું ત્રીજું સૌથી મોટું પ્લેન ક્રેશ છે.
આ પહેલાં મે, 2022માં ટારા એયરક્રાફ્ટ મુસ્તાંગમાં ક્રેશ થયું હતું અને 20 કલાક બાદ પ્લેનનું કાટમાળ મળી આવ્યું હતું. એ વખતે મૃતદેહ શોધવા માટે સેવન સમિટ ટ્રેક્સની ટીમની મદદ લેવામાં આવી હતી અને આ ટીમના આગેવાન મિંગમા શેરપાએ જણાવ્યું હતું કે રેસ્ક્યુ ઓપરેશન વખતે તેમને યોગ્ય ઉપકરણોના અભાવને કારણે ખાસી એવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
જોકે, પોખરામાં થયેલું પ્લેન ક્રેશ એ આખું અલગ જ ઉદાહરણ છે અને એ સમયે મુસ્તાંગ જેવી વિકટ પરિસ્થિતિ નહોતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્સ્પર્ટ થુલે રાઈએ જણાવ્યું હતું કે પોખરા એ નેપાળનું મોટું શહેર છે અને અહીં આ પ્લેન ક્રેશ બે એયરપોર્ટની વચ્ચે થયું હતું. એટલે અહીં રેસ્ક્યુ ટીમોને હંમેશા જ સ્ટેન્ડબાય મોડ પર રાખવી જોઈએ.
નેપાળ પ્લેન ક્રેશના કારણોની તપાસ કરીએ તો તેના ચોક્કસ કારણો જાણી શકાયા નથી, પણ એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ દુર્ઘટના પ્લેનમાં આવેલી કોઈ ટેક્નિકલ ખામીને કારણે થઈ શકે છે. એટીસીએ વિમાનને લેન્ડિંગ માટેની પરવાનગી આપી દીધી હતી અને પ્લેન પણ વિઝિબિલિટી સ્પેસમાં આવી ગયું હતું. ત્યાર બાદ આ અકસ્માત થયો હતો.