રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદના ઘેરામાં આવી છે. સિવિલ હોસ્પિટલ તંત્ર અને તબીબોની બેદરકારીને કારણે એક થેલેસેમિયાગ્રસ્ત સગીરાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મૃતક સગીરાના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે ખોટું લોહી ચડાવવાને કારણે દીકરીનું મોતની નીપજ્યું છે. જયારે હોસ્પીટલ તંત્રએ આરોપ નકારી કાઢ્યા છે.
આ પહેલા પણ રાજકોટ સિવિલ હોસ્પીટલમાં થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓના મૃત્યુના બનવો બન્યા છે. ત્યારે ફરીથી તંત્ર અને તબીબોની બેદરકારીને કારણે એક નિર્દોષ સગીરાનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ ગઈ કાલે સોમવારે વહેલી સવારે વિધિ પરમાર નામની થેલેસેમિક સગીરાને LR ના બદલે Rcc બ્લડ ચડાવતા રીએકશન આવતા તેનું મોત થયું હતું. આ ઉપરાંત સારવાર દરમિયાન પરિવારજનોને હોસ્પિટલ તંત્ર દ્વારા ખૂબ હેરાન કરવામાં આવ્યા હતા. લોહી ચડાવ્યા બાદ યુવતીને રિએક્શન આવતા તબીબોએ ધ્યાન આપ્યું ન હતું જેને કારણે સગીરાનું મૃત્યુ નિપજ્યું હતું.
હોસ્પિટલમાં LR મશીન ન હોવાને કારણે RCC બ્લડ ચડાવાય છે. RCC બ્લડને કારણે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રિએક્શન આવે છે.
મૃતક સગીરાના પરિવારજનોનોએ રાજકોટ સિવિલ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ મૂક્યો છે. તેમના કહ્યા અનુસાર, હોસ્પિટલમાંથી 3 બોટલ લોહી ચડાવ્યા બાદ વિધિના શરીર પર ચકામા પડ્યા હતા. ડોક્ટરે કહ્યુ કે આ રિએક્શન છે. અમે આટલા સમયથી લોહી ચઢાવતા હતા, પરંતું દીકરીને આટલી હદે ક્યારેય રિએક્શન આવ્યુ ન હતું. સર્જિકલ વિભાગમાં બતાવ્યુ, તો એક્સ-રે અને સોનોગ્રાફી કરાવવા કહ્યું. દીકરી ચાલી શકતી ન હતી, છતાં ત્રણ માળ ચઢીને ઉપર ગયા. બહુ રિકવેસ્ટ કરી તેના બાદ તેની સોનોગ્રાફી કરી આપી. ડોક્ટર આવ્યા નહિ, તો અમે ફોનમાં રિપોર્ટ મોકલ્યા પછી રિપોર્ટ જોવામાં પણ વાર કરી.
પરિવારે જવાબદાર લોકો સામે કડક પગલા લેવા માંગ કરી છે.