જમ્મુ કાશ્મીર લેવાનું તો શું બલુચિસ્તાન, પંજાબ અને સિંધ ગુમાવવાની નોબત આવી શકે છે પાકિસ્તાનને
ઈસ્લામાબાદ/નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવ્યા પછી પાકિસ્તાનમાં રાજકીય સંકટ ઊભું થયું છે. ઈસ્લામાબાદ, પેશાવર, પંજાબ, રાવલપિંડી સહિત અન્ય શહેરમાં ઈમરાન ખાનના ટેકેદારોએ હિંસા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, જેમાં દેશના આર્થિક સંકટથી પરેશાન લોકો પણ આ પ્રદર્શનોમાં જોડાયા હોવાનું કહેવાય છે. જોકે, હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ ચેતવણી આપતા કહ્યું હતું કે આ સંજોગોમાં ભારતીય લશ્કરે સતર્ક રહેવાનું જરુરી છે. સ્થાનિક રાજકીય મુદ્દાઓને લઈ લોકોનું ધ્યાન ભટકાવવા માટે ભારતની સાથે પાકિસ્તાન કારગિલ જેવું યુદ્ધ કરી શકે છે.

ભ્રષ્ટાચારના આરોપમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ઈમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાનમાં ચારેબાજુ અરાજકતા ફેલાઈ છે, જેમાં પીટીઆઈ સમર્થક વિરોધ પ્રદર્શન કરીને હિંસા કરતા અનેક લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે ત્યારે આ સંજોગોમાં ભારતે પણ સતર્ક રહેવાનું જરુરી રહેશે. આ મુદ્દે અમેરિકન પ્રોફેસર મુક્તદર ખાને કહ્યું હતું કે હાલના સંજોગોમાં તો ભારત સરકારે પાકિસ્તાનના આંતરિક વિગ્રહને લઈ સતર્ક રહેવાનું જરુરી રહે છે. આ સંજોગોમાં પાકિસ્તાન સરકાર પોતાની આબરુ બચાવવા માટે ભારત સાથે કારગિલ જેવું યુદ્ધ શરુ કરી શકે છે.
ઈમરાન ખાનની ધરપકડ અંગે સવાલ કરતા કહ્યું હતું કે રવિવારે જ ઈમરાન ખાનની એક રેલીમાં આઈએસઆઈના અધિકારીઓ અને જનરલ ફૈસલ નસીર પર તેની હત્યાની કોશિશ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમના જીવને જોખમ અને ભૂતકાળના બે હુમલામાં ફૈસલ નસીરને જવાબદાર ગણાવ્યા હતા.

પોતાની યૂટયુબ ચેનલ પર તેમણે કહ્યું હતું કે હાલના સંજોગોમાં પાકિસ્તાનની સરકાર પાસે બે વિકલ્પ છે, જેમાં એક તો સરમુખત્યારશાહીથી હિંસાને દબાવી નાખે અને સત્તા પોતાના હાથમાં રાખે. બીજો વિકલ્પ છે કે પોતાની શાખ બચાવવા માટે કદાચ ભારત સાથે યુદ્ધ કરી શકે છે, તેથી ખાસ કરીને ભારત સરકાર અને આર્મીએ આ મુદ્દે સતર્ક રહેવાનું હિતાવહ રહેશે. પાકિસ્તાનની આંતરિક સ્થિતિને લઈ લોકો કહે છે કે ભારતે આ તકનો લાભ લઈને પાકિસ્તાન પર હુમલો કરીને પીઓકેને પોતાના હિસ્સામાં લઈ લેવું જોઈએ, પરંતુ આ મુદ્દે તેમણે કહ્યું હતું કે એ ભારતની સંસ્કૃતિ નથી.

ધરપકડના વિરોધમાં પાકિસ્તાનની શેરીઓ, રસ્તાઓ પર બહાર નીકળનારામાં એવા લોકો પણ છે, જે પાકિસ્તાનની અત્યારની આર્થિક/નાણાકીય પરિસ્થિતિથી પરેશાન છે. ખાવાપીવાની વસ્તુઓ મળતી નથી. આ સંજોગોમાં પાકિસ્તાન ભારત પાસેથી કાશ્મીર શું લે, પરંતુ તેના હાથમાંથી બલુચિસ્તાન, પંજાબ અને સિંધ પણ અલગ થવાની ધારણા છે. પાકિસ્તાનના ટુકડા થાય તો નવાઈ નહીં, એવું સૂત્રોએ જણાવ્યું હતું.