બિહારના ભાગલપુરની એક શાળામાં મધ્યાહ્ન ભોજન ખાધા પછી લગભગ 200 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ગુરુવારે બની હતી.
શાળાનો એક વિદ્યાર્થી આ ખોરાક ખાધા બાદ તુરંત બીમાર પડ્યો હતો. ધીમે ધીમે શાળાના બીજા વિદ્યાર્થીઓ પણ બીમાર પડવા માંડ્યા હતા. શાળા પ્રશાસને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી અને વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આઠમા ધોરણના વિદ્યાર્થીની પ્લેટ પર એક મૃત ગરોળી મળી આવી હતી. જ્યારે વિદ્યાર્થીઓ ફરિયાદ કરવા પ્રિન્સિપાલ પાસે ગયા ત્યારે તેમને જાણ કરવામાં આવી કે તે રીંગણ છે, ગરોળી નથી. વિદ્યાર્થીઓનો આરોપ છે કે શાળાના સત્તાવાળાઓ દ્વારા તેમને બળજબરીથી ખોરાક ખવડાવવામાં આવ્યો હતો.
શિક્ષણ વિભાગે આ મામલાની નોંધ લીધી છે અને પોલીસે કહ્યું છે કે જો દોષિત સાબિત થશે તો શાળાના આચાર્ય અને અન્યો સામે કાર્યવાહી કરવામાં આવશે.
આવી જ એક ઘટનામાં બિહારના ભોજપુરની એક શાળામાં મધ્યાહન ભોજન ખાધા બાદ 50 જેટલા વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા.