મુંબઈ: એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રમુખ પદેથી શરદ પવારે રાજીનામું પાછું ખેંચી લીધા પછી આજે પક્ષના પ્રદેશ પ્રમુખને ઇડીએ પૂછપરછ માટે બોલાવતા મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના મહારાષ્ટ્ર રાજ્ય અધ્યક્ષ જયંત પાટીલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. શરદ પવારના નજીકના સાથી જયંત પાટીલને ED દ્વારા શુક્રવારે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. IL&FS કેસમાં પાટીલની પૂછપરછ થવાની છે.
આ અગાઉ IL&FS સંબંધિત મની લોન્ડરિંગ તપાસમાં, રાજ ઠાકરેની પણ ઇડી દ્વારા કોહિનૂર કન્સ્ટ્રક્શનને આપવામાં આવેલી લોનના સંબંધમાં પૂછપરછ કરવામાં આવી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ (IL&FS) સંબંધિત કથિત અનિયમિતતાઓની તપાસ કરી રહ્યું છે.
તપાસ કોહિનૂર સીટીએનએલમાં IL&FS જૂથના ઇક્વિટી રોકાણને લગતી છે. કોહિનૂર સીટીએનએલ દાદરમાં કોહિનૂર સ્ક્વેર ટાવરનું નિર્માણ કરી રહ્યું છે.
આ કેસમાં EDએ જયંત પાટીલની પૂછપરછ કરવાની છે. જયંત પાટીલ શરદ પવારની નજીક છે. તપાસ એજન્સીએ તેમને શુક્રવારે સવારે 10 વાગ્યે બોલાવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ નવા સમાચારને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા રાજ્યના રાજકારણમાં ગરમાવો વધ્યો છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.