(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાની શિરડી મુલાકાત બાદ જ્યોતિષીની મુલાકાત લીધી હતી અને હવે આ મુલાકાત મજાકનો વિષય બની છે. એનસીપીએ શુક્રવારે એકનાથ શિંદેની હાંસી ઉડાવતાં કહ્યું હતું કે અંધશ્રદ્ધા તેમને મદદ કરી શકશે નહીં, કેમ કે તેમનું ભવિષ્ય નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હાથમાં છે.
શિવસેનાના બળવાખોર જૂથનું નેતૃત્વ કરીને એકનાથ શિંદેએ જૂનમાં મહાવિકાસ આઘાડીની સરકારને ગબડાવીને રાજ્યમાં સત્તા ગ્રહણ કરી હતી.
અહેવાલો મુજબ શિંદે એક જ્યોતિષીને મળવા ગયા હતા અને ત્યાં તેમણે પોતાના ભાવિ વિશે સવાલો કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ તેમનું મુખ્ય પ્રધાન તરીકેનું ભવિષ્ય તો ભાજપના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હાથમાં છે એમ એનસીપીના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ જણાવ્યું હતું.
રાજ્યમાં સત્તા આવ્યા બાદ છેલ્લા કેટલાક મહિનામાં જોવા મળ્યું છે કે કોણ રાજ્યની સરકાર ચલાવી રહ્યો છે, એમ પણ ક્રાસ્ટોએ કહ્યું હતું.