(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીના નેતા અજિત પવારે શુક્રવારે જણાવ્યું હતું કે શ્રદ્ધા વાલકરની હત્યાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઈએ અને દોષીને આકરામાં આકરી સજા કરવી જોઈએ.
તેમણે એમ પણ કહ્યું હતું કે ફરજમાં બેદરકારી દર્શાવવા માટે કોઈ પોલીસના જવાન દોષી જણાય છે કે નહીં તેની તપાસ થવી જોઈએ.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે જણાવ્યું હતું કે વાલકરે પૂનાવાલા સામે પાલઘર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમાં આફતાબ તેની હત્યા કરી શકે છે એવો ડર વ્યક્ત કર્યો હતો. આમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા અને તેમણે આ બાબતે ભૂલની તપાસ કરવા જણાવ્યું હતું.
અમિત શાહના નિવેદન અંગે પુછવામાં આવતાં અજિત પવારે શુક્રવારે પુણેમાં જણાવ્યું હતું કે એકબીજા સામે આક્ષેપો કરવાને બદલે જો કોઈ પોલીસ અધિકારી કે પછી પોલીસનો કોન્સ્ટેબલ ફરજમાં બેદરકારી દર્શાવવા માટે દોષી છે કે નહીં તેની તપાસ હાથ ધરવી જોઈએ.
તેમણે એમ પણ કહ્યું હતું કે સમાજમાં એવો સંદેશ જવો જોઈએ કે આવા કૃત્યમાં આકરામાં આકરી સજા કરવામાં આવશે. જેથી બીજી વખત કોઈ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે.