Homeપુરુષનયન ચત્રારિયા: ગુજરાતના પેડમેન

નયન ચત્રારિયા: ગુજરાતના પેડમેન

સ્કૂલની છોકરીઓને માસિકધર્મની સમજ સાથે આપે છે મફત સેનેટરી નેપ્કિન

કવર સ્ટોરી-પૂજા શાહ

માસિકધર્મ સ્ત્રીના જીવનનો અને શરીરનો એક અત્યંત મહત્ત્વનો કુદરતી તબક્કો છે, જે આમ તો માત્ર એક શારીરિક પ્રક્રિયા છે, પરંતુ તેનો મોટો હાઉ ઊભો કરી દેવામાં આવ્યો છે અને તેને ધર્મ સાથે જોડી આજના સમયમાં પણ કેટલીય ગેરમાન્યતાઓ ઊભી કરવામાં આવી છે. આ માસિકધર્મને લગતી પાયાની સમજ મોબાઈલને લીધે કે અમુક સ્કૂલોમાં અપાતા શિક્ષણને લીધે છોકરીઓને મળે છે, પરંતુ આજે પણ આ વિષય અછૂતો છે અને ખાસ કરીને અંતરિયાળ ભાગોમાં આ વિશે બે મહિલાઓ પણ ખુલ્લા મને વાત કરતી નથી ત્યારે આવા ગામડાઓમાં એક યુવાન જાય અને મહિલાઓ સાથે આ વિશે વાત કરે ત્યારે કેવું લાગે…જેવું લાગે તેવું. મારે તો આ દીકરીઓને સમજ આપવી છે અને તેઓ હાઈજેનિક સેનેટરી પેડ્સનો ઉપયોગ કરે તેવા આશયથી એક ૪૨ વર્ષનો યુવાન નીકળી પડ્યો. આ યુવાન છે ગુજરાતના સાબરકાઠાંના પાલનપુરના શિક્ષક નયન ચત્રારિયા. ત્યારે આવો જાણીએ નયન પાસેથી તેની પેડમેન બનવાની સફર વિશે…
હું પાલનપુરનો જ વતની છું અને અહીંની એક સ્કૂલમાં આર્ટ ડિપાર્ટમેન્ટનો હેડ છું. ડ્રોઈંગ-મ્યુઝિક સહિતના આર્ટને લગતા વિષયો બાળકોને શીખવું છું અને સાથે અલગ અલગ પ્રોગ્રામ્સમાં એંકરિંગ કરું છું. આવા એક પ્રોગ્રામ દરમિયાન હું એક સ્કૂલમાં ગયો. ત્યાં એક નાની બારેક વર્ષની છોકરી રડતી હતી. મેં તેને પૂછ્યું ત્યારે તેણે સંકોચ સાથે લોહી પડવા અંગે વાત કરી. મેં ત્યાં હાજર શિક્ષિકાઓને જાણ કરી. તેમણે કહ્યું કે અમે આમ થાય ત્યારે છોકરીઓને ઘેર મોકલી દઈએ છીએ, પરંતુ આ ઘેર જઈ રહી નથી. મેં તેને સમજાવી અને શાંત પાડી. આ ઘટનાએ મારા મનમાં વિચાર રમતો કરી દીધો કે આ રીતે છોકરીઓ દર મહિને પાંચ-પાંચ દિવસ ઘરે રહે તો કેમ ચાલે. વળી, આજકાલ આપણા ખોરાક અને અન્ય કારણોને લીધે છોકરીઓ નાની ઉંમરે મેન્સિસમાં આવી જાય છે. શહેરોમાં તો હજુ માતા પોતાની પુત્રીને આ વિશે કહે છે અથવા તો સહેલીઓમાં પણ ચર્ચા થતી હોય છે, પરંતુ ગામડાંમાં આમ બનતું નથી. આથી નાની છોકરીઓ માટે આ ખૂબ અકળાવનારો, શરમજનક તબક્કો બની રહે છે અને આ નાસમજીને લીધે સ્વચ્છતા અને સ્વાસ્થ્યનું ધ્યાન રહેતું નથી. મેં નક્કી કર્યું કે હું આ બાળકીઓ-છોકરીઓ સુધી વાત પહોંચાડીશ અને તેમની વાત સાંભળીશ. મેં પહેલા ગામડાના અમુક વિસ્તારોથી શરૂ કર્યું. પણ પછી મને થયું કે એક સાથે ઘણા લોકો સુધી વાત પહોંચાડવી હશે તો સ્કૂલ સૌથી શ્રેષ્ઠ જગ્યા રહેશે. તેથી મેં સ્કૂલોનો સંપર્ક કર્યો. પહેલા તો સ્કૂલ તરફથી પરવાનગી મેળવવામાં તકલીફ પડતી હતી. આથી મેં માત્ર રિસેસના સમયમાં નાના નાના સમૂહોને સમજાવવાનું નક્કી કર્યું. તે બાદ સ્કૂલો તરફથી સમર્થન મળ્યું. હું છોકરીઓ સાથે તેમની માતાને પણ બોલાવતો. હું ગાયક છું, જાદુગરના ખેલ બતાવું છું. મેં મારી કલાકારીનો ઉપયોગ કરી ખૂબ જ હળવી શૈલી અને તેઓ સમજી શકે તેવી ભાષામાં તેમની સાથે આ વિશે વાત કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં છોકરીઓ અને તેમની માતાઓમાં ખચકાટ કે અણગમો હોય છે, પરંતુ ધીમે ધીમે તેઓ મારી સાથે જોડાઈ છે. તેમને હું સમજાવું છું કે વધારે પડતા ખાતરના ઉપયોગને લીધે આપણા ખોરાકને અસર થઈ છે અને તેથી બાળકીઓને પિરિયડ્સ વહેલા આવે છે. આ સમયે જો તમે ઘરમાં પડેલા કોઈપણ કપડાંનો વારંવાર ઉપયોગ કરશો તો તે તેમના માટે જોખમકારક પુરવાર થશે. આથી તમે પેડ્સનો ઉપયોગ કરો. તેઓ પેડ્સ મોંઘા પડતા હોવાની ફરિયાદો કરતા હોય છે. ત્યારે હું કહું છું કે તમે રોજ માવા-મસાલામાં પૈસા નાખો છો. જો તમે માત્ર એક દિવસનો એક માવો જે રૂ. ૧૫નો આવે છે તે ઓછો ખાસો તો પણ મહિને ૪૫૦ રૂપિયા બચાવી શકશો અને તેનાંથી આખા પરિવારની સ્ત્રીઓ માટે પેડ્સ ખરીદી શકશો. જોકે, હું માત્ર અહીંથી ન રોકાયો. લોકોમાં જાગૃતિનો અભાવ જોતા મેં મારી સાથે પેડ્સ રાખવાનું નક્કી કર્યું, જે હું સ્કૂલની છોકરીઓને મફતમાં આપતો હતો. આ સાથે માસિકધર્મ દરમિયાન છોકરીઓ સાથે આભડછેટ રાખવાની માન્યતા વિરુદ્ધ પણ હું લડત આપું છું. આ માટે પાખંડ નામની એક વેબસિરીઝમાં મેં એક ખાસ એપિસોડ પણ ઉમેર્યો છે. આવા જ એક લેક્ચરને યાદ કરતા તેઓ કહે છે કે એક ગામમાં હું આ અંગે સમજાવી રહ્યો હતો અને એક મહિલા દોડીને મારી પાસે આવ્યા અને મારા પગમાં પડી ગયા. રડતાં રડતાં તેમણે કહ્યું કે હું મારી દીકરી સાથે આજ સુધી આવો જ વ્યવહાર કરતી હતી, પણ હવે નહીં કરું. નયને બીજું એક પણ સરાહનીય કામ કર્યું છે. તેમને સંતાનમાં માત્ર એક દીકરો જ છે. પોતે દીકરીનો પિતા હોત તો આ સમયની સ્થિતિને વધારે સારી રીતે સમજી શકેત તેવા આશયથી તેમણે એક દીકરીને પણ દત્તક લીધી છે. નયનની આ અનોખી સેવામાં તેમના પત્ની-પરિવારનો સંપૂર્ણ સાથ તેમને મળી રહ્યો છે. મફત સેનેટરી પેડ આપવા માટે તે પોતાના સોશિયલ મીડિયા નેટવર્ક પર મદદની ટહેલ નાખે છે અને સૌ યથાશક્તિ મદદ કરે છે. અત્યાર સુધીમાં નયનભાઈ ૭૧ જેટલા ગામડા ફરી ચૂક્યા છે અને ૫૫ જેટલી સ્કૂલોમાં જઈ ચૂક્યા છે. ફિલ્મમાં હીરો કરે ત્યારે પણ અઘરું લાગતું આ કામ રિયલ લાઈફમાં કરવું ખૂબ જ અઘરું છે, પરંતુ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તે વાત નયનભાઈ જેવા ખરા અર્થમાં શૂરવીરો સાચી સાબિત કરતા હોય છે.
ખરા અર્થમાં સ્ત્રીઓના શરીરમાં આવતા પરિવર્તનો વિશેની માહિતી પુરુષોને હોવી અતિઆવશ્યક છે કારણ કે પિતા, ભાઈ,પતિ, પુત્ર કે મિત્રના રૂપમાં તે હંમેશાં પુરુષનો સાથ ઝંખતી હોય છે. સ્ત્રીના આ ખાસ દિવસો દરમિયાન તેની સાથે થતાં વ્યવહારથી તેની માનસિકતા ઘડાય છે અને ખાસ કરીને સ્વચ્છતાનો ખ્યાલ રાખવાથી તેના આરોગ્યને નુકસાન થતું અટકે છે. માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ મહિલા જ સ્વસ્થ સમાજનો પાયો નાખી શકે છે. જોકે, ભારતમાં આજે પણ માસિકધર્મને લઈને શિક્ષિત સમાજ પણ સંકુચિતતા ધરાવે છે ત્યારે ગામડાની મહિલાઓને જાગૃત કરવાની એક શિક્ષકની આ સેવા સેંકડો છોકરીઓના જીવનમાં ઉજાસ ફેલાવશે. ઉ

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -