નવી દિલ્હીઃ છત્તીસગઢના નકસલગ્રસ્ત દંતેવાડા જિલ્લામાં બુધવારે નકસલવાદી હુમલામાં એક વાહનને ઉડાવી નાખવામાં આવ્યું હતું. આ હુમલામાં 10 પોલીસના જવાન શહીદ થયા હતા, જ્યારે એક વાહનચાલકનું મોત થયું હતું. આ હુમલા મુદ્દે અલગ અલગ શંકા-કુશંકાઓ કરવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા વ્હિકલની મૂવમેન્ટમાં પ્રોટોકોલનો ભંગ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
દંતેવાડા નકસલી હુમલામાં પ્રોટોકોલનો ભંગ ના થયો હોત તો 10 જવાનનો જીવ બચાવી શકાયો હતો. આ મુદ્દે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું નકસલ વિરોધી અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા પછી દસ જવાન એક મલ્ટિ યુટિલિટી વ્હિકલ મારફત દંતેવાડા જતા હતા, ત્યારે તેઓ અરનરપુર અને સમેલી ગામની વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નકસલીઓએ આઈઈડી મારફત વાહનને ઉડાવી નાખ્યું હતું. વ્હિકલની મૂવમેન્ટની નકસલીઓને જાણકારી હતી. બસ્તરના અંતરિયાળ વિસ્તારોમાં અવરજવર વખતે અમુક પ્રોટોકોલનું પાલન કરવાનું રહે છે. દાખલા તરીકે જંગલમાં પગદંડી મારફત પગપાળા અથવા વાહનમાં અવરજવર કરતા હો તો ડિસ્ટન્સ રાખવામાં આવે છે. આ ઉપરાંત, જંગલવિસ્તારમાં અવરજવર વખતે ખાસ કરીને ફોર વ્હિકલના ઉપયોગમાં પ્રતિબંધ રાખવામાં આવે છે તેમ છતાં વ્હિકલની અવરજવરની કઈ રીતે મંજૂરી મળી?, એવી અધિકારીએ શંકા વ્યક્ત કરી હતી.
40 કિલો વિસ્ફોટક લઈને નકસલીઓ ફરી રહ્યા હતા એ બાબત તપાસનો વિષય છે. આટલો મોટો પુરવઠો ક્યાંથી લાવ્યા એની પણ સરકારે તપાસ કરવી જોઈએ. આ ઉપરાંત, નવનિર્મિત રસ્તાની નીચે લેન્ડમાઈન હતી તો તેની જાણ કેમ થઈ નહીં. સરકાર પાસે કોઈ ટેકનોલોજી નથી કે તેની જાણ થાય નહીં. અલબત્ત, એક કરતા અનેક પરિબળ મુદ્દે ગુપ્તચર વિભાગની નિષ્ફળતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
છત્તીસગઢની સરકારે દાવો કર્યો હતો કે નકસલવાદીઓની સામેની લડાઈનો અંતિમ તબક્કો છે. આમ છતાં આ હુમલા પછી સરકારની કામગીરી પર અનેક સવાલ કરવામાં આવ્યા છે અને દાવા કરવામાં આવી રહ્યા છે. છત્તીસગઢમાં થયેલા હુમલામાં ગુપ્તચર એજન્સીની સૌથી મોટી નિષ્ફળતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજ્યમાં બે વર્ષમાં સૌથી મોટો હિંસક હુમલામાં આ સૌથી મોટો હુમલો હતો. દંતેવાડા સહિત સાત જિલ્લામાં સમાવિષ્ટ બસ્તરમાં સુરક્ષા દળો પર માર્ચ અને જૂન મહિનામાં સૌથી વધારે હુમલા કરવામાં આવ્યા હતા.