નવી શિક્ષણ નીતિ – ડૉ. કલ્પના દવે
(ભાગ-૩)
કોઈપણ શિક્ષણ સંસ્થાનો વિકાસ ઇંટ-ચૂના કે સિમેન્ટ કોંક્રીટ વડે તૈયાર થયેલા મકાનથી નથી માપી શકાતો પણ એ સંસ્થાના વ્યવસ્થાપકો (મેનેજમેન્ટ), સંચાલકો, શિક્ષકો તથા કર્મચારીગણની ક્ષમતા અને નિષ્ઠા વડે માપી શકાય. એ જ રીતે નવી શિક્ષણનીતિ-૨૦૨૦ના આમૂલ પરિવર્તનને સાર્થ બનાવવા એ પ્રકારનું વાતાવરણ તથા વ્યવસ્થા ઊભી કરવી પડશે. આ જવાબદારી શિક્ષણબોર્ડ અને શિક્ષણ સંસ્થાનોની પણ છે.
શાળા-કૉલેજોને સાચા અર્થમાં વિદ્યામંદિર બનાવવા આપણે શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવું પડશે. નવી શિક્ષણનીતિના ઉત્તમ અમલીકરણમાં શિક્ષકોની આચારસંહિતા ઘણી મહત્ત્વની છે. શિક્ષણક્ષેત્રે સ્વીકારનારે એક વાત સ્પષ્ટપણે સમજવી જરૂરી છે કે શિક્ષણ એ ધંધો નથી, તમારે તો એવી ભાવિપેઢીનું ઘડતર કરવાનું છે જે સક્ષમ બનીને કુળ-સમાજ અને રાષ્ટ્રની સેવા કરે, ભારતીય મૂલ્યોનું જતન કરતાં શ્રેષ્ઠ જીવન જીવી શકે. શિક્ષકો જ ભાવિપેઢીના ઘડવૈયા છે.
કુદરતના ખોળે શિક્ષણ આપવાના પ્રણેતા કવિવર રવીન્દ્રનાથ ટાગોર કહે છે, “ઉચ્ચતમ શિક્ષણ માત્ર જ્ઞાન આપે એટલું જ સીમિત નથી પણ એ જીવનમાં સર્વ પ્રકારે શાંતિ અને સુસંવાદિતા આણે એ છે.
નવી શિક્ષણનીતિના સંદર્ભે ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પાંચમી સપ્ટેમ્બરે “શિક્ષકદિન નિમિત્તે કહ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ એ દેશની શિક્ષણ વ્યવસ્થાનો એક એવો આયામ છે જે ભારતને વિશ્ર્વમાં આગલી હરોળના દેશોમાં સ્થાન અપાવશે. શિક્ષણનીતિના પાયામાં રહેલી બાબતોને શિક્ષણના દરેક સ્તરે પ્રસારવાની જવાબદારી શિક્ષણ વ્યવસ્થામાં અને શિક્ષણમાં પ્રવૃત્ત દરેકે દરેક કર્મયોગીની છે.
લોકલથી ગ્લોબલ ભણી લઈ જતી આ નવી શિક્ષણનીતિનો મુખ્ય ધ્યેય શિક્ષણનું વૈશ્ર્વિકરણ કરી તેને સર્વ માટે ઉપલબ્ધ કરાવવું. “યુનિવર્સલાઈઝેશન ઓફ એજ્યુકેશનનો આ સિદ્ધાંત યુનાઇટેડ નેશન્સ ઓફ ઓર્ગેનાઈઝેશને (યુ.એન.ઓ.)ને ફલીભૂત કરવા “એસ.ડી.જી.નો લક્ષ્યાંક આપ્યો છે. આ “એસ.ડી.જી. એટલે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ – એક સાતત્યપૂર્ણ વિકાસ તરફ ગતિ કરવી, વળી આ વિકાસ સર્વવ્યાપી, સમાન સ્તરનો થવો જરૂરી છે. આ લક્ષ્યાંકને સિદ્ધ કરવા નવી શિક્ષણનીતિ સર્વસમાવેશક તથા ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મૂકે છે.
સ્વતંત્રતા માનવીનો જન્મસિદ્ધ અધિકાર છે તેમજ શિક્ષણ પ્રાપ્ત કરવાનો પણ સમાન અધિકાર છે. તેથી જ નવી શિક્ષણનીતિના ઉદ્દેશમાં સાતત્યપૂર્ણ ગુણવત્તાસભર શિક્ષણ પર ભાર મુકાયો છે. શિક્ષણનીતિના શ્રેષ્ઠ અમલીકરણ માટે આ અંગેના અભ્યાસક્રમો, સિસોર્સ પર્સનો, ટેક્નિકલ તથા નાણાકીય સગવડ પણ જરૂરી બને છે. રાજ્ય સ્તરીય શિક્ષણ તંત્ર, શિક્ષણ સંસ્થાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓનું સમાયોજન સાધવું પડશે.
નવી શિક્ષણનીતિ-૨૦૨૦ના શાળા શિક્ષણના વિવિધ તબક્કાઓ વિષે ટૂંકમાં જોઈએ
શાળા શિક્ષણની નવી પેટર્ન – ૫-૩-૩-૪= કુલ ૧૫ વર્ષ
શાળા શિક્ષણનો પ્રથમ તબક્કો છે – ફાઉન્ડેશન એજ્યુકેશન – પૂર્વ પ્રાથમિક શિક્ષણ
બાળક ત્રણ વર્ષનું થાય ત્યારે શાળામાં પ્રવેશ મેળવી શકશે. ફાઉન્ડેશન એજ્યુકેશનના પાંચ વર્ષ છે. જેમાં પ્લેગ્રુપ કે શિશુવિહાર, જુનિયર કે. જી., સિનિયર કે. જી., ધોરણ-૧ અને ધોરણ-૨ (ઉંમર- ૩ થી ૮)ૃ
પહેલાં પાંચ વર્ષ એ પ્રાથમિક શિક્ષણના છે. શિક્ષણ તજજ્ઞોના મત મુજબ બાળકનો મહત્તમ વિકાસ એટલે કે લગભગ ૮૫ થી ૯૦ ટકા જેટલો વિકાસ ૬ વર્ષની ઉંમર સુધીમાં થતો હોય છે. આ તબક્કે એની ગ્રહણશક્તિ, શીખવાની શક્તિ પણ ઝડપી હોય છે. કુમળા છોડના મૂળિયાં મજબૂત બનાવવા એને માટી-ખાતર, હવા-સૂર્ય પ્રકાશ મળે તો તે ઝડપથી વિકાસ પામે છે. એ જ રીતે બાળકને કૌટુંબિક, શૈક્ષણિક તથા સામાજિક વાતાવરણ શ્રેષ્ઠ મળે તો તેનો સર્વાંગી અને શ્રેષ્ઠ વિકાસ સાધી શકાય છે.
આવું શૈક્ષણિક વાતાવરણ સર્જવાનું કામ પૂર્વ પ્રાથમિક શાળાનું છે. આપણને આના મૂળ વિચારો મેડમ મોન્ટેસરીના વિચારો મળ્યા છે. તેમના જ નામ પરથી આખી શિક્ષણ પદ્ધતિ મોન્ટેસરી સ્કૂલ તરીકે જાણીતી બની હતી. પ્રારંભિક શિક્ષણ કેવી રીતે આપવું, શું શીખવવું કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવવી આ બધી ખાસ તાલીમ શિક્ષકોને આપવામાં આવતી.
બાળકો માટેની બાળકેન્દ્રી મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના વર્ગ શિક્ષણમાં નાવીન્ય જોવા મળે છે. હવે ટી.વી.ની કીડ્સ ચેનલો પણ બાળશિક્ષણમાં મોટો ફાળો આપે છે.
નવી શિક્ષણ પદ્ધતિમાં પૂર્વ પ્રાથમિક સ્તરે રમત દ્વારા શિક્ષણ, બાળક જુએ, અનુભવે અને પ્રવૃત્તિ કરતાં કરતાં જ શીખે.
શાળાના બાળગીતો, બાળવાર્તાઓ એ જ એમનું સહજ શિક્ષણ. પૂર્વ પ્રાથમિક સ્તરે બાળકનો શારીરિક, બૌદ્ધિક, સામાજિક તથા ભાવાત્મક વિકાસ થતો હોય છે. આ તબક્કે પ્રત્યક્ષ જ્ઞાનનું ઘણું મહત્ત્વ છે. બાળકના ભાષા વિકાસ માટે તથા સંખ્યા જ્ઞાન માટે પ્રવૃત્તિ કરાવવી પડે. ઘરમાં બાળકના કૌટુંબિક લગાવ માટે ઉત્તમ વાતાવરણ જરૂરી છે.
બાળકની વાક પ્રતિભા ખીલે, તેની સમજશક્તિનો વિકાસ થાય, તેની સામૂહિક જીવનની કલા વિકસે તે જરૂરી છે. બાળગીતો, બાળવાર્તા દ્વારા બાળકનો ભાવાત્મક વિકાસ થાય, તેની કલ્પનાશક્તિ સતેજ બને છે. રમતગમતના સાધનો તેને આનંદ સાથે સમૂહજીવનની તાલીમ પણ આપે છે. શરીરવિજ્ઞાન તથા આરોગ્ય અને ફિઝિકલ ટ્રેનિંગ-સ્વચ્છતાની તાલીમ શાળા તથા ઘરમાં મળી રહે તે જરૂરી છે. માટીના રમકડાં બનાવવા, રંગીન ચિત્રોની મદદથી બ્લોક બનાવવા, સંગીતકલા, નાના બાળનાટકો ભજવવા, નૃત્ય જેવી પ્રવૃત્તિઓ કરાવી શકાય. મહાન નેતાઓના તથા સંતોના ફોટા ઓળખાવી, તેની માહિતી આપવી, આપણા તહેવારો વિશે મનોરંજન કાર્યક્રમ કરાવી શકાય. વળી બાળકો પશુ-પંખીની દુનિયા વિશે જાણે, કુદરતી સૌંદર્યને માણે એવી પ્રવૃત્તિઓ કરાવી શકાય. હવે તો ડિજિટલ માધ્યમથી પણ ઘણું શિક્ષણ આપી શકાય. ઈન્ડોર ગેમ્સ, આઉટડોર ગેમ્સ, પઝલ ગેમ્સની મદદથી કૌશલ્યનો વિકાસ થઈ શકે છે. એ સ્ટ્રોંગ ફાઉન્ડેશન ફોર લોન્ગ લર્નિંગનો આ પ્રથમ તબક્કો કહી શકાય.
બાલવાટિકા કે પ્લે ગ્રૂપ પછીનું એક વર્ષ જુનિયર કે.જી. તથા બીજું વર્ષ સિનિયર કે.જી.નું જેમાં ઉપરની પ્રવૃત્તિઓ ઉપર ખાસ ધ્યાન અપાશે.
બાળકના ભાવાત્મક વિકાસ સાથે હવે તેનું સંવાદ કૌશલ્ય કેળવાય છે, એની જિજ્ઞાસાવૃત્તિ અને સ્મરણશક્તિ તેજ બને છે.
જે વૃક્ષના મૂળિયા મજબૂત હોય તે વૃક્ષ ઘટાદાર બને છે, તેનો શ્રેષ્ઠ વિકાસ થાય છે. તેવી જ રીતે બાળકનું પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષણનું ઘણું મહત્ત્વ છે.
આ ફાઉન્ડેશન કોર્સમાં જ તેનો પાયો મજબૂત થાય છે.
ધોરણ-૧ અને ધોરણ-૨માં પાઠ્યક્રમના બાલભારતી પુસ્તકોનો અભ્યાસ શરૂ થાય છે, હવે બાળકની
સંવાદકૌશલ્ય કેળવાયેલું હોવાથી એ પોતાની જાતને અભિવ્યક્ત કરી શકે છે. પોતાનો ગમોઅણગમો જણાવે છે. પોતાના મૌલિક વિચારો પણ કહે છે, બાળકનું અક્ષરજ્ઞાન વધે, તેના શબ્દભંડોળનો વિકાસ. બાળક સંખ્યાને ઓળખે (૧ થી ૧૦૦) તેના સામાન્ય જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેવી પ્રવૃત્તિઓ જરૂરી હોય છે. આ તબક્કે એને મુક્ત વાતાવરણ આપી જરૂર પડે ત્યાં માર્ગદર્શન કરવું જરૂરી છે.
આ તબક્કે વાલીઓ તથા શિક્ષકો સાથે બાળક મુક્ત રીતે બોલે તે જરૂરી છે. બાળક પાસે ડરાવીને, ધમકાવીને કામ કરાવીએ તો એ ભય એના મનમાં કાયમ માટે રહે છે. એટલે બાળકને સમજાવો અને નહીં માને તો એ પછી પોતાના અનુભવથી શીખે એ જુઓ.
આ તબક્કે બાળકની સમૂહમાં કામ કરવાની ભાવના વિકસવી જરૂરી છે. પોતાની શારીરિક સ્વચ્છતા જાતે શીખે, ઘરની સફાઈમાં મદદ કરે એની માહિતી આપવી જોઈએ.
ફાઉન્ડેશન શિક્ષણ એ પાયાનું શિક્ષણ હોવાથી શિક્ષકો સાથે વાલીઓએ પણ મહત્ત્વનું યોગદાન આપવું પડશે. આંગણવાડીમાં અને કે.જી. તથા ધોરણ-૧ અને બેમાં ભણાવતા શિક્ષકો બાળમાનસના અભ્યાસુ હોવા જોઈએ. આ સ્તરે શિક્ષક બનવા માંગતા યુવક-યુવતીઓ માટે “ઈ.સી.સી.ઈ. તાલીમ લેવી આવશ્યક છે. બારમા ધોરણ પછી આ કોર્સ કરવાનો હોય છે. “ઈ.સી.સી.ઈ. એટલે “અર્લી ચાઈલ્ડ કેર એજ્યુકેશન કોઈ પણ શાખામાં બારમાં ધોરણ પાસ થયા પછી આ કોર્સમાં પ્રવેશ મેળવી શકાય છે. જો શિક્ષક ફક્ત એસ.એસ.સી. પાસ હોય તો પોતાના શિક્ષણને અસરકારક બનાવવા છ મહિનાનો ડિપ્લોમા કોર્સ કે એક વર્ષનો સર્ટિફિકેટ કોર્સ કરવો આવશ્યક છે. આ અગાઉ સાતમા દાયકાથી “પ્રાયમરી ટીચર્સ કોર્સ (પી.ટી.સી.) અને ડિપ્લોમા ઇન એજ્યુકેશન (ડી.એડ)નો કોર્સ શિક્ષકોને કરવો પડતો હવે એ રદબાતલ થઈ નવો કોર્સ છે “ઈ.સી.સી.ઈ. જે ઉત્તમ શિક્ષણ માટે જરૂરી છે. અહીં શિક્ષણનો પાયો મજબૂત થાય છે એટલે તેને ફાઉન્ડેશન લેવલનું શિક્ષણ કહે છે.
શિક્ષણનો હેતુ માત્ર ધનઉપાર્જન કરવાનો જ નથી પણ માનવીમાં રહેલા ઉત્તમ ગુણોને, તેની આંતરિક શક્તિને બહાર આણવાનો છે. બાળકના સારા વ્યક્તિત્વને વિકસાવવાનો છે. જે તર્કસંગત વિચાર કરે, જે કાર્યકૌશલ્ય હોય, જે કરુણાસભર હોય, સાહસિક હોય અને દૃઢ સંકલ્પ ધરાવતો હોય. તેનામાં સંશોધનવૃત્તિ હોય, જે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો સર્જનાત્મક હોય. વળી ભારતીય નૈતિક મૂલ્યો પ્રતિ નિષ્ઠા ધરાવતો હોય. બાળકમાં આ ગુણોના સિંચન માટે ફાઉન્ડેશન શિક્ષણ શ્રેષ્ઠ હોવું જોઈએ.
આ પ્રારંભિક તબક્કાના શિક્ષણનું નિયમન અને શાસનની વ્યવસ્થા “કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય સંભાળે છે. જે સંપૂર્ણ સાક્ષરતાના અભિયાનને સિદ્ધ કરવા રાજ્ય તથા જિલ્લાના શિક્ષણ મંડળને માર્ગદર્શન તથા તકનિકી સહાય આપશે. મૂળભૂત અક્ષરજ્ઞાન કે સંખ્યાજ્ઞાન શીખવવા હવે ડિજિટલ એજ્યુકેશન પણ ઉપલબ્ધ કરી શકાય. ડિજિટલ પ્લેટફોર્મ “દીક્ષા પર આવા શૈક્ષણિક મોડ્યુલ્સ મુકાશે જેનો ઉપયોગ જ્યાં શાળા કે શિક્ષકોનો અભાવ હોય તેવા ગ્રામ્ય વિસ્તારોમાં કરી શકાય. વળી તકનિકી સહાય ખૂબ ઝડપી અને ઓછા ખર્ચે દૂર સુધી પહોંચાડી શકાય છે. આની મદદથી જ્ઞાનનું સંક્રમણ સરળતાથી કરી શકાય છે. આનો એક ફાયદો એ થશે કે ગ્રામ્ય તથા અંતરિયાળ વિસ્તારોમાં પણ શિક્ષણ આપી શકાશે તથા અધૂરું શિક્ષણ છોડી દેનાર ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટશે. આને પરિણામે સમાજના દૂર છેવાડે ઊભેલો વિદ્યાર્થી પણ શિક્ષણનો લાભ લઈ શકશે.
શાળામાં શિક્ષકોની અધ્યાપન પદ્ધતિ જ્ઞાનવર્ધક, આનંદમય અને પ્રવૃત્તિમય હોય તો વધુ શ્રેષ્ઠ પરિણામ લાવી શકાય. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ તથા મહાન વૈજ્ઞાનિક એ. પી. જે. અબ્દુલ કલામ શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા વિષે કહે છે: “ધ પરપઝ ઓફ એજ્યુકેશન ઇસ ટુ મેક ગુડ હ્યુમન બીઇંગ, વીથ સ્કીલ્સ એન્ડ એક્ષપરટાઈસ, એનલાઈટન હ્યુમન બીઇંગ્સ કેન બી ફ્રીયેટેડ બાય ટીચર્સ. અર્થાત્ શિક્ષણનો હેતુ શ્રેષ્ઠ માનવી અને માનવસંપત્તિ ઊભી કરવાનો છે જેનામાં કાર્યદક્ષતા હોય અને જે કાર્યકૌશલ્યથી સભર હોય, આવા વ્યક્તિત્વનું ઘડતર શિક્ષકો જ કરી શકે.
શાળા શિક્ષણનો બીજો તબક્કો એટલે ધોરણ-૩, ધોરણ-૪ અને ધોરણ-૫નો. ત્રણ વર્ષનું આ શિક્ષણ ઉચ્ચ પ્રાથમિકતાનું ગણાશે. જેમાં ભાષાજ્ઞાન – કૌશલ્ય, સંખ્યાજ્ઞાન, સંગીત તથા ચિત્રકલા કૌશલ્ય કેળવાય તેવી પ્રવૃત્તિ કરાવી જરૂરી છે.
ધોરણ-૬, ધોરણ-૭ અને ધોરણ-૮ એટલે માધ્યમિક શિક્ષણનો છે. મિડલ એજ્યુકેશનના “આ તબક્કે કોર એકેડેમિક એન્ડ લાઈફ સ્કીલના જ્ઞાનનો આરંભ થાય છે. હવે વિવિધ વિષયો ભાષા, ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર જેવા વિવિધ વિષયોનું પાઠ્યપુસ્તકને આધારે શિક્ષણ અપાય છે. રાજ્ય સ્તરે દરેક વિષયના તજજ્ઞોની રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસ મંડળની રચના થાય છે, જે શિક્ષણના ઉદ્દેશોને ધ્યાનમાં રાખી પાઠ્યપુસ્તકો બનાવડાવે છે.
એક કરતાં વધુ ભાષાનું જ્ઞાન તથા કલ્ચરલ પ્રવૃત્તિઓ દ્વારા ભારતીયતાના મૂલ્યો તથા જીવનનું અનૌપચારિક શિક્ષણ પણ મળે છે.
નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ-૯ અને ધોરણ-૧૦ એટલે ઉચ્ચ માધ્યમિક શિક્ષણનો પ્રથમ તબક્કો.
ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ એટલે ઉચ્ચ માધ્યમિકનો બીજો તબક્કો જેને આપણે જુનિયર કૉલેજ પણ કહીએ છીએ. આનું શિક્ષણ શાળામાં કે કૉલેજમાં પણ લઈ શકાય છે. માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક સ્તરે શિક્ષક તરીકે કામ કરવા ઇચ્છુક શિક્ષકે સ્નાતક કે અનુસ્નાતકની પદવી મેળવવી જરૂરી છે તથા શૈક્ષણિક કુશળતા માટે “બી.એડ બેચલર ઓફ એજ્યુકેશનની વિશેષ પદવી પ્રાપ્ત કરવી આવશ્યક છે.
મહાનગર મુંબઈમાં સાઉથ મુંબઈ, જોગેશ્ર્વરી, થાણા, નવી મુંબઈમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની ઓફિસ આવેલી છે. મહારાષ્ટ્ર રાજ્યનું મુખ્ય શિક્ષણ બોર્ડ પૂનામાં છે. આ બધા ડિપાર્ટમેન્ટ મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણનું નિયમન અને સંચાલન છે. જુદા જુદા બોર્ડના અભ્યાસમંડળો નવી શિક્ષણનીતિને અનુરૂપ અભ્યાસક્રમ તથા પાઠ્યપુસ્તકોની રચના કરશે અને તબક્કાવાર નવો અભ્યાસ લાગુ કરવામાં આવશે.
ભાવિપેઢીને ભારતીયતાના મૂલ્યો તથા ભારતના ગૌરવપૂર્ણ ઈતિહાસ વિશે જાણવું જરૂરી છે. આપણા અગાઉ લખાયેલા ઈતિહાસમાં ઘણી ગેરસમજ થાય તેવું આલેખન જોવા મળે છે. (ઉદા. જલિયાવાલા બાગની દારૂણ ઘટના-૧૯૧૯) તેથી કેન્દ્ર સરકાર તરફથી ઈતિહાસમાં જરૂરી સંશોધન કરવા એક ખાસ કમિટી રચવામાં આવી છે. જે સત્યઘટના લખે જેથી ભાવિ પેઢી આપણા ગૌરવપૂર્ણ ઈતિહાસને સમજી શકે.
ધોરણ-૧૦ના અભ્યાસ પછી જો કોઈ વિદ્યાર્થી વ્યાવસાયિક જ્ઞાન મેળવવા માંગતો હોય તો તેના માટે વોકેશનલ કોર્સની સગવડ છે. અમુક વર્ષ પછી ફરી તેને ઉચ્ચ શિક્ષણમાં જોડાવવું હોય તો એ ઉચ્ચ માધ્યમિક વર્ગમાં ફરીથી જોડાઈ શકશે. આવી વૈકલ્પિક વ્યવસ્થા પણ છે.
વર્તમાન સમયમાં બોર્ડની પરીક્ષા સ્પર્ધાત્મક ગણાય છે, વળી એના પરિણામની અસર વિદ્યાર્થીની ભાવિ કારકીર્દિ માટે પણ મહત્ત્વની છે. પણ બોર્ડની પરીક્ષાનો માનસિક તણાવ અને હાઉ દૂર કરવાની જરૂર છે. આમાં નિષ્ફળતાના ભયે કે નિષ્ફળ થાય ત્યારે કોઈ વિદ્યાર્થીઓ તો આત્મહત્યા જેવા ગંભીર કૃત્ય પણ કરે છે. આ પરિસ્થિતિને ટાળવા હવે બોર્ડની પરીક્ષાના માળખાની પુન:રચના કરવામાં આવશે, ધોરણ-૯થી ધોરણ-૧૨માં દર વર્ષે બે સેમિસ્ટર પરીક્ષા લેવાશે અને બારમા ધોરણની બોર્ડ એક્ઝામના તથા સેમિસ્ટર પરીક્ષાનાં બધા જ ગુણાંકને આધારે ક્રેડિટ સિસ્ટમથી પરિણામ મળશે.
શાળા શિક્ષણમાં ભાષાની ક્ષમતા તથા ભાષા કૌશલ્યનું પણ ખૂબ મહત્ત્વ છે. નવી શિક્ષણનીતિમાં પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં આપવાની હિમાયત કરી છે. માતૃભાષામાં શિક્ષણ વધુ સહજ અને પ્રભાવક બને છે. માતૃભાષા, સ્થાનિક ભાષામાં બાળક શિક્ષણ જલદી ગ્રહણ કરી શકે છે, શક્ય હોય ત્યાં સુધી પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું. અંગ્રેજી માધ્યમમાં પણ માતૃભાષા કે સ્થાનિક ભાષાનું શિક્ષણ આપવું. બાળક એક કરતાં વધુ ભાષા જાણે, શીખે અને બોલે તો તેના સંવાદ કૌશલ્યનો વિકાસ થાય છે.
અગાઉની શિક્ષણનીતિનું ત્રિભાષા સૂત્રને માતૃભાષા, સ્થાનિક ભાષા અને અંગ્રેજી શિક્ષણ સાથે હવે ઉચ્ચકક્ષામાં એક વિદેશી ભાષાનો પણ વિકલ્પ છે.
ઉચ્ચ માધ્યમિક સ્તરે વૈશ્ર્વિક દૃષ્ટિ કેળવવા વિદેશી ભાષાનું આપવું જોઈએ.
શાળા શિક્ષણ માટેના જુદા જુદા બોર્ડ તેમની કાર્યશૈલી વિષે તથા શિક્ષણની જુદી જુદી પદ્ધતિ અને મૂલ્યાંકન પદ્ધતિ વિશે તેમ જ જુદા જુદા વૈકલ્પિક વિષયો વિષે આવતા લેખમાં જોઈશું.
(ક્રમશ:)