(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારના કરવેરામાં વધારો નહીં કરતા બુધવારે નવી મુંબઈ મહાનગરપાલિકાનું ૨૦૨૩-૨૪ના વર્ષ માટે ૨.૫૦ કરોડની સરપ્લસ સાથેનું ૪,૯૨૫ કરોડ રૂપિયાનું બજેટ કમિશનર રાજેશ નાર્વેકરે શુક્રવારે બહાર પાડ્યું હતું.
નવા આર્થિક વર્ષ માટે બજેટ ૪,૯૨૫ કરોડ રૂપિયા આવક સામે અંદાજિત ખર્ચ ૪,૯૨૨.૫૦ કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યો છે.
ગયા આર્થિક વર્ષમાં ૪,૯૧૦ કરોડ રૂપિયાના બજેટ સામે આ વખતના બજેટમાં ફક્ત ૧૨ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવી મુંબઈ મહાનગરપાલિકાએ પ્રોપર્ટી ટૅક્સ કર વસૂલીના માધ્યમથી ૮૦૧ કરોડ રૂપિયાની આવક અપેક્ષિત રાખી છે. તો રાજ્ય સરકાર પાસેથી મળનારી સ્થાનિક સંસ્થા કર સહાયક ગ્રાન્ટ પેઠે ૧૫૦૬ કરોડ રૂપિયા મળવાના છે. શહેરમાં રિડેવલપમેન્ટના પ્રોેજેક્ટ વધી રહ્યા હોવાથી પાલિકાને ડેવલપમેન્ટ ટૅક્સ હેઠળ ૩૬૦ કરોડ રૂપિયાની આવક અપેક્ષિત છે. આ બે મુખ્ય મહેસૂલ ઉપરાંત પાલિકાને જનસાયકલ સહભાગ સિસ્ટમ, પાણી પુરવઠા, વિવિધ પ્રકારના લાઈસન્સ વગેરેમાંથી ૪,૯૨૨ કરોડ રૂપિયા અપેક્ષિત છે.
પાલિકા ૧,૩૧૮.૨૯ કરોડ રૂપિયા નાગરિક સુવિધાઓ પાછળ ખર્ચવાની છે. જ્યારે ૭૫૨ કરોડ રૂપિયા એડમિનિસ્ટ્રેટીવ ખર્ચા પાછળ અને ૫૬૮.૮૪ કરોડ રૂપિયા અન્ય નાગરિક સુવિધા તથા ૧૨૫.૦૮ કરોડ રૂપિયા ઈ-ગર્વનન્સ પાછળ ખર્ચવાની છે.
બજેટમાં ૪૦૬.૩૭ કરોડ રૂપિયા સ્વચ્છતા અને વૅસ્ટ મૅનેજમેન્ટ માટે ફાળવવામાં આવ્યા છે. સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૨માં નવી મુંબઈ ત્રીજા નંબરે આવ્યું હતું. બજેટમાં ૨૨૫.૨૩ કરોડ રૂપિયા આરોગ્ય પાછળ અને ૧૮૪.૪૮ કરોડ રૂપિયા શિક્ષણ માટે ફાળવવામાં આવ્યા છે.
પાલિકાની આવકનો મોટાભાગનો હિસ્સો ૧,૬૨૬.૩૫ કરોડ રૂપિયા લોકલ બોડી ટૅક્સ અને ગુડ્સ સર્વિસ ટૅક્સમાંથી મળવાનો છે. જ્યારે પ્રોપર્ટી ટૅક્સ અને ડેવલપમેન્ટ ફીથી અનુક્રમે ૮૦૧ અને ૩૬૦ કરોડ રૂપિયા મળવાના છે.