*સરદાર પટેલ નેશન ફર્સ્ટના આચરણના આગ્રહી
*સાધુઓનાં પાખંડ જોઈ સંન્યાસનું માંડી વાળ્યું
*હિંદુઓને મુસ્લિમોના રક્ષણની શીખ આપતા’તા
કારણ-રાજકારણ -ડૉ. હરિ દેસાઈ
કળિયુગમાં પણ સતયુગનાં દર્શન કરાવનાર વ્યક્તિત્વો ભારતવર્ષમાં જોવા મળ્યાં છે. હજુ માંડ સાત દાયકા પૂર્વે બ્રિટિશ હકૂમત વિદાય લઈ રહી હતી ત્યારે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા સતપુરુષોની બોલબાલા હતી. સત્યને જ ઈશ્ર્વર ગણવાની ખેવના સાથે વિદેશી સત્તાને ઉચાળા ભરાવવા માટે જંગે ચઢેલા ગાંધીજીના અનન્ય અનુયાયી સરદાર કેટલીક બાબતોમાં એમની સાથે મતભેદ ધરાવતા હોવા છતાં ખિલાફત ચળવળથી લઈને અહિંસાના આચરણ સંદર્ભે ગુરુની આજ્ઞાનું સુપેરે પાલન કરતા રહ્યા હતા. વડા પ્રધાનપદ ત્યાગવાથી લઈને કૈંક કેટલીય બાબતોમાં ‘નેશન ફર્સ્ટ’ લેખતા વલ્લભભાઈએ સંન્યસ્તભાવ દાખવ્યો. ૧૫ ડિસેમ્બર,૧૯૫૦ના રોજ આ ફાની દુનિયા છોડી ગયેલા બેરિસ્ટર વલ્લભભાઈ પટેલની સાદગી અને ત્યાગનો ક્યાંય જોટો જડે એમ નથી. નાનાભાઈ ‘જવાહરલાલ નેહરુને ‘મારા નેતા’ અને સમગ્ર દેશના યુવાનોમાં સૌથી લોકપ્રિય’ ગણવાનું પસંદ કર્યું. સત્તા માટે માથાં વાઢવાની પરંપરાથી વિપરીત હોદ્દાને ત્યાગીને પણ દેશને સમર્પિત થવાની સરદારની વૃત્તિ-પ્રવૃત્તિ અંતિમ પળ સુધી ટકી રહી. સામે કરોડો રૂપિયાના ઢગલા હોય, સત્તાના સર્વોચ્ચ સિંહાસને હોય અને છતાં સત્તા-સમૃદ્ધિની મેનકા એમને તપોભંગ કરી શકી નહીં એવું અનન્ય વ્યક્તિત્વ એટલે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. આજે પણ પ્રત્યેક ભારતીયના દિલોદિમાગમાં રાષ્ટ્રનાયક તરીકે બિરાજતું આ વ્યક્તિત્વ રાજકીય અને સત્તાકીય દાવપેચના વરવા વર્તમાન યુગમાં આપણને ખૂબ યાદ આવે એ સ્વાભાવિક છે. હજારો વર્ષ પહેલાંના ચાણક્યનું નવઅવતરણ થયાનું અનુભવાય.
સ્મારકો-પ્રતિમાઓનો કાયમી વિરોધ
સરદાર પટેલનો મનાવાતો જન્મદિવસ ૩૧ ઑકટોબર, પણ વાસ્તવમાં સન ૧૮૯૭માં મેટ્રિકની પરીક્ષામાં બેઠા ત્યારે મનમાં આવ્યું તે સન ૧૮૭૫ના ઑકટોબરની એકત્રીસમી તારીખ ઠોકી દીધી હતી. મારી ઉંમર પૂછવામાં આવે ત્યારે ગપ્પું મારવું પડે, સોગંદ લઈને કહેવું પડે ત્યારે હું હંમેશાં આશરે એવો શબ્દ ઉમેરી દઉં છું.’ : સરદારનું આ કબૂલાતનામું જોઈએ અને એમની જીવનકથા લખનાર ગાંધીજીના ઈતિહાસકાર-સંશોધક રાજમોહન ગાંધીની ગણતરી મુજબ સરદાર પટેલનો જન્મદિવસ ‘૧૮૭૬ના એપ્રિલની ત્રીસ અથવા મે મહિનાની સાત તારીખ’ હોઈ શકે. મોસાળ નડિયાદમાં જન્મેલા અને કરમસદના વતની એવા વલ્લભભાઈના વ્યક્તિત્વને બહુઆયામી લેખવું પડે. આખાબોલા છતાં સાચાબોલા વલ્લભભાઈની કડવી જબાન અને કઠોર કાર્યવાહીની પાછળ કુસુમ જેવું મૃદુ વ્યક્તિત્વ હતું અને એનો અનુભવ એમને નિકટથી જોનારાઓએ કર્યો છે. આજની ખોટાબોલી અને બેવડાં વ્યક્તિત્વ ધરાવતી રાજકારણીઓની જમાતમાં સરદાર પટેલ ખાસ્સા નોખા પડે. સ્વિસ બૅંકોમાં બેનામી ખાતાં ધરાવનારા કે ઉદ્યોગગૃહો પર નભતા આજના સર્વપક્ષી રાજનેતાઓ અને જેલવાસ ભોગવી રહેલા સર્વપક્ષી સાંસદોની તુલનામાં સરદાર પટેલ જેવા મૃત્યુ ટાણે માત્ર રૂપિયા ૨૬૨ જેટલું બૅંક બેલેન્સ ધરાવતા નેતાનું સ્થાન અનેક ઘણું ઊંચું રહ્યું છે. સરદારના નામની કે તેમની પ્રતિમાની ઓથે રાજકારણ ખેલતા સર્વપક્ષી રાજનેતાઓ કેટલા બધા વામણા લાગે! વલ્લભભાઈ તો પાછા સ્મારકો અને પ્રતિમાઓના વિરોધી હતા. એમણે આ સંદર્ભમાં લેખ પણ લખ્યો હતો.
દેખાડા વિનાનું સાદગીભર્યું જીવન
સરદાર પટેલના વ્યક્તિત્વનાં બહુઆયામી પાસાંનો અભ્યાસ કરવા અમે એમનાં કેટલાંક વ્યાખ્યાનોનો અભ્યાસ કર્યો. કથની અને કરનીમાં અંતર નહીં ધરાવતા આ દૃઢસંકલ્પ વ્યક્તિત્વને ઓળખવામાં અમને એમનાં ૧૯૧૮થી ૧૯૪૭ દરમિયાનનાં વ્યાખ્યાનો કે નિવેદનોના અંશ ખૂબ કામ લાગ્યા. સ્વભાવગત રીતે સંન્યાસી એવા સરદાર પટેલ વિશે છગનલાલ જોશી ‘સરદારની આત્મીયતા’માં નોંધે છે: “સરદાર સાધુ થવાના હતા, પરંતુ સાધુઓનાં પાખંડ જોઈને સાધુ થતાં અટકયા હશે, પણ તેઓ સાધુ થાત તોયે તે અવધૂત હોત. દંભ અને સરદારને સો ગાઉનું છેટું હતું. એમણે જીવનભર ગાંધીના અનુયાયી રહેવાનું પસંદ કર્યું પણ ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગોને ‘અધર્મનું આચરણ’ કહેવાની હિંમત જરૂર દાખવી. ગાંધીટોપી પહેરવાનું કે ગાંધી આશ્રમમાં રહેવાનું એમણે પસંદ નહોતું કર્યું. બારડોલી સત્યાગ્રહ વખતે પણ એમણે ૫૫૫ સિગારેટ પીવાનું છોડ્યું નહોતું. કશુંક છોડવું હોય તો પળવારનો વિલંબ પણ કરતા નહોતા, પણ દેખાડાનું જીવન જીવવાની આજના રાજનેતાઓની જીવનપદ્ધતિ એમને સદતી નહોતી. ૧૯૨૦માં અમદાવાદના એક ભાષણમાં સરદારે સંન્યાસી થવા વિશે વાત છેડી હતી, પણ જરા જુદા સંદર્ભમાં: મારા આવ્યા પછી (બેરિસ્ટર થઈને) અમો બેએ (વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈએ) નિશ્ર્ચય કર્યો કે સ્વતંત્રતા જોઈતી હોય તો આ દેશમાં સંન્યાસી થવું જોઈએ. સ્વાર્થત્યાગ કરી સેવા કરવી જોઈએ. બેમાંથી એકે દેશસેવા કરવી, અને બીજાએ કુટુંબસેવા કરવી, એમ અમે નકકી કર્યું. ત્યારથી મારા ભાઈએ પોતાનો ધીકતો ધંધો છોડી દેશસેવાનું કાર્ય કરવા માંડ્યું. પછી અમારું ઘર ચલાવવાનું મારે માથે પડ્યું. આથી પુણ્યકામ તેમને માથે પડ્યું ને મારે માથે પાપકામ આવી પડ્યું’ ‘આવી માયામાં હું ફસાયેલો હતો તે વખતે આપણા રાજકીય જીવનમાં અતિશય મલીનતા હતી. આપણી પ્રજા તરફથી કામ કરનારાઓમાંના ઘણાઓમાં અતિશય પાખંડ હતું. જે કલબમાં બેસી હું પાના રમતો, તે કલબમાં મારો એક મિત્ર હતો તે કહેતો કે તમારે પ્રજાની સેવા કરવી હોય તો અમદાવાદ છોડી દો. મને કડવો અનુભવ થયા પછી મેં વકીલાતનું કામ છોડ્યું છે.’
લોકો નીડર થાય ત્યારે સરકાર ડરે
સ્વભાવે સંન્યાસી વૃત્તિવાળા સરદાર પટેલે બેરિસ્ટરનો ધીકતો ધંધો છોડીને દેશસેવા કાજે ખુવાર થવાનું પસંદ કર્યું. સંતાનોને કોન્વેન્ટ સ્કૂલમાંથી ઉઠાડીને રાષ્ટ્રીય કેળવણી આપતી ગૂજરાત વિદ્યાપીઠમાં મૂકયાં. વિદેશી પોષાક ત્યજીને ખાદીને અપનાવી. જનઆંદોલનના માધ્યમથી જનનાયક બન્યા, પણ સઘળો યશ ગાંધીજી અને પ્રજાને આપતા રહ્યા.સરદારની નીડરતા વિશેની દૃઢ માન્યતા એમને સદાય સફળતા બક્ષતી રહી: ‘જે વખતે તમે નીડર થયા, તે જ વખતે તમે સ્વતંત્ર છો. જેમ જેમ લોકોમાં ડર જાય છે, તેમ તેમ સરકારમાં ડર દાખલ થાય છે. જ્યારે લોકો નીડર થશે ત્યારે દેશ સ્વતંત્ર થઈ જશે. સરકાર રૈયતની મરજી વિરુદ્ધ રાજ્ય કરે છે માટે એણે ડરવાનું છે. આપણે ડર કાઢી બીજાને ડરાવીએ તેના જેવું એકે બીજું પાપ નથી, માત્ર તમે ઈશ્ર્વરનો ડર રાખો. પહેલાં તમે ડર કાઢી નાખો અને સ્વતંત્ર થાઓ એટલે ધર્મનું રક્ષણ થશે, જેમના પગમાં જંજીર છે, તેનાથી કેવી રીતે પોતાના ધર્મનું પણ રક્ષણ થઈ શકે !’
હિંદુ રાષ્ટ્રના ખ્યાલને પાગલ ગણતા
વલ્લભભાઈ દેવદર્શને જતા કે મંદિરોની મુલાકાતો લેતા ભાગ્યે જ જોવા મળશે. સોમનાથનો જિર્ણોદ્ધાર કોઈ મંદિરના જિર્ણોદ્ધાર તરીકે નહીં, પણ રાષ્ટ્રીય અસ્મિતાના પુનરોદ્ધાર તરીકે જ એમણે સંકલ્પ્યો હતો. ૧૯૩૦માં દાંડીકૂચની પૂર્વતૈયારીરૂપે સરદાર પટેલે ‘ધર્મયુદ્ધ’ની જે હાકલો કરી હતી એમાં ભગવદ્ ગીતાના નાયક શ્રીકૃષ્ણના શબ્દો પડઘાતા અનુભવાય છે.હિંદુ-મુસ્લિમ એકતા અને અસ્પૃશ્યતા નિવારણ અંગે પણ સરદાર કયારેય દેખાડાનાં સદ્ભાવનાદર્શનો આદરતા નહોતા. અંત:કરણથી ઐક્યઅને સમાનતાના સંકલ્પ પ્રગટતા હતા. ભરૂચની પાંચમી રાજકીય પરિષદના પ્રમુખ તરીકે સરદારે ૧૯૨૧માં કહ્યું હતું: “હિંદુ-મુસલમાનીની એકતા એ હજુ તો એક કૂમળું વૃક્ષ છે અને કેટલાય વખત સુધી અતિશય સંભાળથી પોષવું જોઈએ… હિંદુઓનો ધર્મ તો એ છે કે મુસલમાન ધર્મનું રક્ષણ કરવામાં તેમને અત્યારે આપણે પૂરેપૂરી મદદ કરવી અને મુસલમાન કોમની ખાનદાની ઉપર વિશ્ર્વાસ રાખવો. મોહમ્મદ અલી ઝીણા અને મૌલાના અબુલ
કલામ આઝાદ સાથે ઘણી બધી બાબતોમાં મતભેદ હતા. પોતાને લીગી મુસ્લિમો ‘દુશ્મન નંબર એક’ ગણતા હોવાનો ખ્યાલ પણ એ પ્રગટ કરતા હતા. આઝાદે સરદારને વિભાજનના સાચા રચયિતા ગણાવવા સુધીના આક્ષેપ કર્યા પણ સરદાર વલ્લભભાઇ પટેલ મુસ્લિમો ભણી દ્વેષ ધરાવતા નહોતા. મુસ્લિમોને પાકિસ્તાન મળ્યા પછી પણ ભારતને ‘હિંદુરાષ્ટ્ર’ ગણાવવાના ખ્યાલને તેમણે પાગલ ગણાવ્યો હતો.
અંત્યજોનો બસપ્રવેશ અવરોધાતો
અંત્યજોને સમાન અધિકારો મળે તેના આગ્રહી સરદાર રાજકોટની પરિષદમાં તો અંગ્રેજોની વચ્ચે જઈને બેઠા હતા. વડોદરામાં ૧૫ એપ્રિલ ૧૯૪૭ના રોજ એમની જાહેરસભા થઈ તેમાં એમના શબ્દો કાંઈક આવા હતા. મરહુમ મહારાજાએ (સયાજીરાવ ત્રીજાએ) અસ્પૃશ્યતા કાઢવા સારા-પ્રયત્નો કર્યા હતા. છતાં હજુ દશા એવી છે કે હું ગેસ્ટહાઉસમાં આવ્યો ત્યાં હરિજનો કહે કે અમે સત્યાગ્રહ કરીએ છીએ. પૂછયું: કેમ ? તો કહે કે અમને મહેસાણામાં બસમાં પટેલિયાઓ બેસવા દેતા નથી. જેટલાં મંદિરો હોય, જેટલાં જાહેર સાધન હોય એ ગરીબમાં ગરીબ અસ્પૃશ્ય માટે ખુલ્લાં હોવાં જોઈએ. બીજા દિવસે વડોદરાની પાટીદાર વિદ્યાર્થી છાત્રાલયમાં તો બે ડગ આગળ વધીને સરદારે કહ્યું: “રાજ્યના પક્ષે એટલું તો કરવું જોઈએ કે હરિજનોને લાભ ન આપે ત્યાં મોટર ચલાવવાનાં, હોટેલ ચલાવવાનાં લાઈસન્સ નહીં આપવાં જોઈએ. અસ્પૃશ્યતા કાઢવાની આપણને અધીરાઈ આવવી જોઈએ.
સૌરાષ્ટ્રમાં ‘ખુશામત તાજો રોજગાર’
સૌરાષ્ટ્રની પ્રજાની ખુશામત પ્રકૃતિ વિશે સરદાર પટેલે જાહેર સભાઓમાં મારેલા ચાબખાનો ઉલ્લેખ કર્યા વિના એમના વ્યક્તિત્વ વિશેની વાત ઊણી લાગે.મોરબીની રાજકીય પરિષદમાં ૧૯૨૯માં વલ્લભભાઈએ કહેલા શબ્દોનું આજેય સ્મરણ કરવા જેવું છે: સૌરાષ્ટ્રને આજે મૂંગા અને સાચા સેવકોની જરૂર છે. કાઠિયાવાડમાં શિક્ષિત વર્ગ મુત્સદ્દી તરીકે પ્રખ્યાત છે એની જીભમાં અમૃત ભરેલું છે, પણ હૃદયમાં શું છે તે તો હરિયે ન જાણે. કાળજું શિયાળનું હોય તો પણ મોં વાઘ જેવાં રાખતાં એને આવડે છે. ‘ખુશામત તાજો રોજગાર’ એ સૂત્ર એણે કંઠે કર્યું છે, અને પૂર્ણ રીતે પાળી જાણ્યું છે. “બાપુ, આપના જેવો દયાળુ રાજા થયો નથી અને થવાનો નથી એવું કહેનાર આ વર્ગે રાજાના કાનને ખરી વાત સાંભળવાની ટેવ પાડી નથી. આજના શાસકો માટે પણ વહાલા થવા પ્રજા થકી આવું જ વર્તન થતું હોય ત્યારે સરદાર પટેલનું સ્મરણ ઘણું સ્વાભાવિક છે. ‘કાઠિયાવાડમાં ખુશામત અને સભ્યતામાં ભેદ પાડવો કઠણ છે’ એ સરદારના શબ્દો સાર્વત્રિક હોવાનું અનુભવાયા સિવાય રહેતું નથી.
બાજી હારી બેસવા સામે લાલબત્તી
શાસકોના વર્તમાનને જોતાં ૧૯૨૬માં સંયુક્ત પ્રાંતના કિસાન સંમેલનના પ્રમુખપદેથી સરદાર પટેલે વ્યક્ત કરેલી ચિંતા હૂબહૂ જાણે કે ૭૦-૮૦ વર્ષ પછીના ભારતને નિહાળતાં કહેવાયેલા શબ્દો લાગ્યા વિના રહેતા નથી: “આપણા વિરોધીઓનો મને ડર નથી. આ સમયે સરકારથી પણ હું ડરતો નથી, પણ હું આપણી પોતાની નબળાઈઓનો વિચાર કરું છું. જો આપણે પ્રસંગને અનુસરીને નહીં વર્તીએ અને આપણી અંગત મહત્ત્વાકાંક્ષાઓને દેશના સર્વસામાન્ય હિત આગળ ગૌણ ગણીએ તો આપણે આ જીતની બાજી હારી બેસીશું અને એથી આપણી સંસ્થાની હંમેશ માટે બેઆબરૂ અને નાલેશી થશે. ગુજરાતીઓ માટે વલ્લભભાઈને જે શ્રદ્ધા હતી એ અખંડ જળવાતી રહે એ જવાબદારી આપણા સૌની છે. એને માટે ‘નંબર વન’ના ઢોલ પીટવાની જરૂર નથી. સરદારના શબ્દો હતા: ગુજરાતીઓ ઈતિહાસમાં સ્વતંત્રતાનું પહેલું પાનું લખે છે. ઈશ્ર્વર તમને તાકાત આપે. ઈશ્ર્વર તમારું કલ્યાણ કરે.
ઈ-મેઈલ: વફશિમયતફશલળફશહ.ભજ્ઞળ (લખ્યા તારીખ:૯ ડિસેમ્બર,૨૦૨૨)